સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાનાભાઈ ભટ્ટ/ઠંડું મગજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          સ્ટીમરે ભરદરિયે ઝુકાવ્યું હોય, પ્રચંડ વાયુ વાઈ રહ્યો હોય, પર્વત જેવડા મોટા લોઢ આખા જહાજને આમતેમ ડોલાવી રહ્યા હોય, ઉતારુઓમાં ગભરાટ અને બૂમાબૂમ વર્તી રહ્યાં હોય, ખલાસીઓની બુદ્ધિ કામ કરતી ન હોય : આવે વખતે કપ્તાન — આખા જહાજનો કપ્તાન — ઠંડું મગજ રાખી સુકાનને ઝાલીને બેસી રહે છે. કપ્તાન દરિયાને ઓળખે છે, પવનને ઓળખે છે, પોતાના જહાજની તાકાત તેના ખ્યાલમાં છે; પોતાની શક્તિમાં તેને વિશ્વાસ છે...... ઘરમાં પતિ બિછાને પડયો છે, નાનાં નાનાં છોકરાં અનેક પ્રકારની મસ્તી જમાવી રહ્યાં છે, જમાઈ દીકરીને તેડી જવા આવીને બેઠો છે, પાડોશીએ નળેથી પાણી ભરવાની ના પાડી છે, અને કામવાળી બાઈને અંતરાય હોવાથી આવી નથી : છતાં કુશળ ગૃહિણી ઠંડું મગજ રાખીને ઘર ચલાવ્યે જાય છે. તે પતિની સેવા કરી જાણે છે, છોકરાંની મસ્તીને વાળી શકે છે, જમાઈરાજના મિજાજને ઓળખે છે, પાડોશીને પહોંચી વળે છે; પોતાની તાકાતની તેને બરાબર પરખ છે...... વરસાદના દિવસો હોય, એકીસાથે દસ-પંદર બિછાનાં પડી ગયાં હોય — કોઈને ટાઇફોઈડ તો કોઈને મેલેરિયા, કોઈનો પગ તો કોઈનું ગળું દુઃખતું હોય, એક વિદ્યાર્થીએ બીજાને બટકું ભરી લોહી કાઢયું હોય તો એકે બીજાને મા સામી ગાળ દીધી હોય, કોઈ મોટા વિદ્યાર્થીએ નાનાને થપાટ ધરી દીધી હોય તો કોઈ નાનાએ મોટાનાં દાંતિયાં કર્યાં હોય, પટાવાળો ચોરી કરીને નાસી ગયો હોય અને રસોયાએ ઘી સંતાડીને શીરો કરીને ખાધો હોય, છાત્રાલયની રસોઈમાં ઇયળ-ધનેડાં આવે છે એ બાબત છાપામાં રિપોર્ટ આવ્યો હોય, વિદ્યાર્થીઓ પાસે ઘરનું કામ કરાવવા માટે માબાપોના ઠપકાના કાગળો આવ્યા હોય, વિદ્યાર્થીઓ માત્રા દંડીકા લઈને રખડી જાણે છે પણ એક અક્ષરે આવડતો નથી એવો શાળા તરફથી ઠપકો આવ્યો હોય, વિદ્યાર્થીઓમાં ધર્મનો છાંટો નથી એવી સેક્રેટરીસાહેબની ફરિયાદ હોય : છતાં કુશળ ગૃહપતિ ઠંડું મગજ રાખી છાત્રાલય ચલાવ્યે જાય છે. માંદાની તે સારવાર કરે છે, વિદ્યાર્થીઓના ટંટા પતાવે છે ને નોકરોને હાથ રાખી જાણે છે, માબાપોને પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવે છે અને સેક્રેટરીસાહેબને ધર્મના આવિર્ભાવ માટે ધીરજ રાખવા વીનવે છે. આવો ગૃહપતિ તરુણ વિદ્યાર્થીને ઓળખે છે, પોતાના પેગામને ઓળખે છે, પોતાના શાસ્ત્રાને ઓળખે છે, ખુદ પોતાની તાકાતને બરાબર ઓળખે છે. આ ઠંડું મગજ કપ્તાનને તોફાનમાંથી પાર ઉતારે છે, ગૃહિણીનું ઘર શાંત રાખે છે, અને ગૃહપતિના માથાને અનેક નાનાંમોટાં મોજાંની ઉપર ટટ્ટાર રાખે છે. છતાં, દરિયામાં કાંઈ હંમેશાં તોફાન નથી હોતું, ગૃહિણીને પણ આડે દિવસે તો અનાયાસે શાંતિ રહે છે. પણ છાત્રાલયમાં તો રોજ તોફાન, દરરોજ નાનીમોટી ટપાટપી, દરરોજ નાનામોટા ગોટાળા, દરરોજ વિદ્યાર્થીઓ તરફથી નાનોમોટો નિયમભંગ, દરરોજ એ અવસ્થાનાં નાનાંમોટાં છમકલાં, દરરોજ ન્યાય-અન્યાયની કડાકૂટ, દરરોજ કોઈ કોઈને કડવા થવાનો પ્રસંગ, દરરોજ ફરિયાદોનો અસ્ખલિત ધોધ, દરરોજ કોઈ ને કોઈ ભૂલ દેખાડે. આ બધા પ્રસંગોમાં હાડચામડાવાળા માણસનું મગજ સહેજે તપી જાય છે, અને એ તપેલું મગજ આસપાસના તોફાનમાં નવું તોફાન ઊભું કરે છે. ગૃહપતિનું મગજ એક વાર તપી ગયું એટલે તે ડાચિયાં— વડચકાં કરવા લાગશે, નિર્દોષ રમતને તોફાન ગણશે, કીડીને કોશનો ડામ દેવા દોડશે, વિદ્યાર્થી ફરિયાદ કરવા આવશે તો થયેલી તકરારમાં પોતે થપાટ લગાવી નવી ફરિયાદ ઊભી કરશે, કોઈ છેટે ઊભા વાત કરતા હશે તો વહેમાશે, અને આખા છાત્રાલયના વહીવટમાં કેમ જાણે દુનિયા આખી બગડી ગઈ છે અને વિદ્યાર્થી બધા સડેલા છે એ ધોરણ પર ચાલીને જીવવાનો પ્રયત્ન કરશે. આવું તંગ મગજ છાત્રાલયમાં ન જોઈએ. અને તંગ મગજની પાછળ વિદ્યાર્થીઓમાં અશ્રદ્ધા છે, તરુણ આત્મામાં અશ્રદ્ધા છે, ખુદ પોતામાં અશ્રદ્ધા છે. આવા તંગ મગજને ઢીલું કરવું હોય તો આપણે વિદ્યાર્થીઓમાં શ્રદ્ધા કેળવીએ, તરુણ આત્મામાં શ્રદ્ધા કેળવીએ, આપણા કેળવણીના પેગામમાં શ્રદ્ધા કેળવીએ, ઈશ્વરમાં શ્રદ્ધા કેળવીએ, ખુદ આપણી જાતમાં શ્રદ્ધા કેળવીએ.