સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/હરિનાં દર્શન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડયું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા,
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ — અળગા રે ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હોયે કંઈ દિનની.
સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ! ક્ય્હારે ઊઘડશે?
એવાં ઘોર અન્ધારાં રે પ્રભુ! ક્ય્હારે ઊતરશે?
નાથ! એટલી અરજી રે, ઉપાડો જડપડદા;
નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.