સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પર્લ બક/પ્રેમની હત્યા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          ધરતીના દૂર દૂરના છેવાડાના પ્રદેશો સુધીયે બાળકો માટેનો પ્રેમ સર્વત્રા જોવા મળે છે. એ પ્રેમ જીવનને ભર્યુંભર્યું રાખનારો છે. આશા અને શ્રદ્ધાનો એ નવો જન્મ છે. શ્રદ્ધા રાખવાની અને ચાહવાની તત્પરતા લઈને જ બાળક અવતરે છે — શ્રદ્ધા કે દુઃખમાં કોઈક શાતા પૂરશે ને પીડાનું શમન કરશે… અને પછી એ દિવસ, એ ઘડી કેટલી વેદનામય બને છે, જ્યારે એ વિશ્વાસનો ઘાત થાય છે! તેમ છતાં બાળકોની ક્ષમાશક્તિ અકલ્પ્ય હોય છે. પ્રેમ માટેનાં તમામ કારણો નાબૂદ થઈ ગયાં હોય ત્યારે પણ તેમનું પ્રેમઝરણું વહેતું જ રહે છે. માબાપો પોતાની જાતને એ પ્રેમ માટે નાલાયક સાબિત કરી ચૂક્યાં હોય, તે પછીયે લાંબા કાળ સુધી બાળકો તો પોતાનાં જનક-જનનીને ચાહવાનું ચાલુ રાખવાનાં જ. બાળકના હૈયામાં રહેલા પ્રેમની હત્યા કરવી બહુ મુશ્કેલ છે — પણ એ કરી શકાય છે; હા, એ કરી શકાય છે ખરી. અને એ હત્યા થાય છે ત્યારે, બાળક જ્યારે જાણ પામે છે કે પોતે જેને ચાહે છે એવી કોઈ વ્યક્તિએ તેને છેહ દીધો છે ત્યારે, એ જખમ પછી કદી રુઝાવી શકાતો નથી. એ બાળક પોતાનું શેષ જીવન એક જખમી પ્રાણી બની વિતાવે છે, શ્રદ્ધાપૂર્વક એ ફરી કદી ચાહી શકતું નથી. એવો પ્રાણઘાતક જખમ કોઈ બાળકને થયો છે કે નહિ તે એના વદન પરથી, એની આંખોની મીટ પરથી, પારખી શકાય છે. બાળકમાં છલના નથી હોતી, બાળક કશું ગોપવી રાખતું નથી. એ જે રીતે મીટ માંડે છે, તેની મારફત એ બધું પ્રગટ કરી દે છે. બાળક પ્રેમ ઝંખે છે. તેના વિકાસને માટે પ્રેમ આવશ્યક છે. પરંતુ એ એક નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. બાળકના પોતાના વિકાસ સિવાય બીજા કશા બદલાની તેમાં અપેક્ષા ન હોવી જોઈએ. અને એ બદલો જ શું પૂરતો નથી? એક બાળકના દેહનો, ચિત્તનો, આત્માનો વિકાસ થાય; પોતાની જાતમાં જ લીન એવું એક નાનકડું નવજાત પ્રાણી એક જવાબદારી ભરેલા, પ્રવૃત્તિમય મનુષ્યરૂપે પરિવર્તન પામે — તે નિહાળવાના આનંદ કરતાં મોટો જીવનનો બીજો કોઈ આનંદ હોઈ શકે?