સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આંખો ઉઘાડશું?
આપણા દેશમાં મધ્યકાલીન યુગમાં ગણિકાઓ એક સંસ્થારૂપે સ્થાપિત થયેલી હતી. રાજાઓ, મોટા અધિકારીઓ અને શ્રીમંત વેપારીઓના જુવાન દીકરાઓને ગણિકાઓને ત્યાં ચતુરાઈનું, વ્યવહારબુદ્ધિનું શિક્ષણ લેવા માટે મૂકવાનો રિવાજ હતો. એ સમય દરમિયાન એ ગણિકા અથવા તેની સાથે રહેતી યુવાન છોકરીઓ સાથે સંબંધ બાંધે તેમાં કશું અજુગતું નહોતું ગણાતું. મંદિરોમાં છોકરીઓને દેવદાસી કે નર્તિકાઓ તરીકે મૂકવામાં આવે અને પૂજારીઓ કે મંદિર સાથે લાગવગ ધરાવનાર શ્રીમંતો કે સત્તાધારીઓ એમને પોતાની રખાત તરીકે રાખે, એ સામાન્ય વસ્તુ ગણાતી.
ભૂતકાળમાં વેશ્યા-સંસ્થા વિશે સમાજનો મત ગમે તે હોય, પણ આજની વિચારસરણી મુજબ કોઈ પણ સ્ત્રીનું આ પ્રકારે શોષણ થાય એ દેશને માટે કલંકરૂપ છે. સમાજકલ્યાણ મંડળ તરફથી નિયુક્ત સમિતિનાં અધ્યક્ષ શ્રીમતી ધનવંતી રામરાવ અને એમના સાથી સભ્યોએ દેશમાં ચારે તરફ ફરી વેશ્યાવૃત્તિ અને લોહીના વેપાર સંબંધી તપાસ કરી હતી. એમણે પોતાનો હેવાલ પ્રસિદ્ધ કર્યો છે, એ વાંચતાં હૈયું દાઝી જાય એવું છે.
વેશ્યાવૃત્તિમાં સ્ત્રીઓ પડે છે તેનાં મુખ્ય કારણોમાં તેમણે સાસરિયાં કે પતિના જુલમને લીધે કરેલો ઘરનો ત્યાગ, વિધવાઓ પ્રત્યે કરવામાં આવતો અમાનુષી વર્તાવ, એક વખત થયેલી ભૂલને લીધે થતો સામાજિક બહિષ્કાર, એ સર્વને ગણાવ્યાં છે. દેવદાસી-વિરોધી કાયદો અસ્તિત્વમાં હોવા છતાં મંદિરો અને મઠોમાં કુમારિકાઓ અર્પણ કરવાનું હજીયે ચાલુ છે. બનારસમાં ગરીબ માબાપ પોતાની વિધવા દીકરીઓ-વહુઓને કાશીવિશ્વેશ્વરના મંદિરમાં મૂકી આવે છે અને “મેળે કમાઈ ખાવાની” સૂચના આપે છે — મતલબ કે વેશ્યાવૃત્તિ કરવાનું જ કહે છે. ગામડાંમાં ગરીબાઈ પુષ્કળ વ્યાપેલી હોવાથી શહેરોનાં કૂટણખાનાંના દલાલો જુવાન છોકરીઓને મોટી નોકરીઓ અપાવવાને બહાને ઉપાડી જાય છે અને એમને અનીતિના ધંધા માટે વેચી મારે છે.
સમિતિએ કૂટણખાનાં અને વેશ્યાગૃહોની મુલાકાતો લેવા ઉપરાંત કહેવાતા ‘આશ્રમો’ને પણ અણધારી મુલાકાતો આપી હતી. મોટા ભાગના આશ્રમો એ લોહીનો વેપાર કરવાનાં ધામ જ તેમને જણાયાં. આમાંના કેટલાકની વ્યવસ્થાપક સમિતિમાં એ ગામનાં આગેવાન સ્ત્રી-પુરુષો પણ બિરાજે છે, પણ મહિને બે મહિને મળી ગૃહપતિના હેવાલ ઉપર આધાર રાખી તેઓ છૂટાં પડે છે. ગુંડાઓના હાથમાંથી સ્ત્રીઓને બચાવ્યાનો દાવો કરનાર આશ્રમ-સંચાલકો એમને બીજા ગુંડાઓને સોંપી દે છે કે લગ્નનાં નાટક ભજવાવે છે. છેવટે સ્ત્રી વેશ્યા જ થાય છે.
આશ્રમોની બાબતમાં આપણે શરમાઈને ડૂબી મરવા જેવી વાત એ છે કે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલતા આશ્રમો સમિતિને શ્રેષ્ઠ જણાયા. ત્યક્તા, વિધવા, ફસાયેલી બધી જ સ્ત્રીઓ એ આશ્રમોમાં પણ આવે છે. પણ તેમના તરફ સંપૂર્ણ સહાનુભૂતિભર્યું વર્તન રાખી એમને શિક્ષણ આપી સન્માર્ગે ચઢાવવા મિશનરીઓ તરફથી પ્રયત્નો થાય છે. જ્યારે ‘હિંદુ ધર્મ’ અને ‘આર્ય સંસ્કૃતિ’ના રક્ષણના બચાવને બહાને ચાલતા આશ્રમોમાં ક્રૂર, અમાનુષી વર્તન અને લોહીના વેપાર માટેની પૂર્વતૈયારીઓ જ મોટે ભાગે જણાયાં. સારા હિંદુ આશ્રમોમાં એમણે મુંબઈના શ્રદ્ધાનંદ મહિલાશ્રમનું નામ ગણાવ્યું છે એ બહુ સંતોષની વાત છે. પણ આવા અપવાદ બાદ કરતાં, આશ્રમો વેશ્યાવૃત્તિ વધારવાનું જ કામ કરે છે.
પશ્ચિમના દેશોની કુમારિકાઓનાં સ્ખલનના દાખલા કે આંકડા વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થાય ત્યારે આપણા રૂઢિચુસ્તોનો આનંદ સમાતો નથી. નવા વિચારવાળાને તેઓ કહે છે કે, “લો, લેતાં જાવ; પશ્ચિમની સંસ્કૃતિનાં વખાણ કરો છો તે જોઈ લો એમની સ્થિતિ!” પણ આપણી ચારે તરફ આ સ્ત્રીઓના લોહીના વેપારનો જ્વાળામુખી ભભૂકી રહ્યો છે તે તરફ આપણે આંખમિંચામણાં જ કરીએ છીએ. અનિષ્ટ પૂર્વમાં હોય કે પશ્ચિમમાં, પણ તે સમાજને લાંછનરૂપ જ છે. આપણે ત્યાં વિધવા અને ત્યક્તાઓ તેમ જ ભૂખે મરતી સ્ત્રીઓમાંની કેટલી યે કુટુંબીઓની, શેઠની, આડોશી-પાડોશીની વાસનાઓનો ભોગ બને છે અને ફસાઈ પડતાં કેટલી વેશ્યા બને છે, સાસરિયાંથી ત્રાસેલી કૂટણખાનામાં જાય છે, એ બધાંના આંકડા કોણ કાઢે છે? બીજા દેશોમાં પ્રવર્તતાં અનિષ્ટોથી રાજી થવાને બદલે આપણા દેશમાં ભરપૂર વ્યાપેલી કુપ્રથાઓ તરફ આંખો ઉઘાડી જોઈએ અને એ સંબંધમાં ગંભીરપણે વિચાર કરતાં શીખીએ.