સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આટલું આવડે છે?

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તમારા સંતાનને — ૧. કચરો વાળતાં આવડે છે? કઈ જગ્યાએ કયા પ્રકારની સાવરણીનો ઉપયોગ થાય એની ખબર છે? ક્યારે ઊભા રહીને અને ક્યારે બેસીને વળાય એની ખબર છે? ૨. પોતું કરતાં આવડે છે? પોતું કરવા માટે વપરાતું કપડું કેવું હોવું જોઈએ એની ખબર છે? ૩. બાથરૂમ, સંડાસ, ખાળ, ગટર સાફ કરતાં આવડે છે? ઍસિડ, ફિનાઇલ, સાબુ, ડિટર્જન્ટ વગેરેનો ઉપયોગ ક્યારે થાય તેની ખબર છે? ૪. કપડાં ધોતાં, સૂકવતાં અને ગડી કરતાં આવડે છે? સુતરાઉ, રેશમી, નાયલૉન, ગરમ, ખરબચડાં, નાનાં, મોટાં, કીમતી, બરછટ, સફેદ, રંગીન વગેરે વિવિધ પ્રકારનાં કપડાં ધોવામાં શું ફેર છે તેની ખબર છે? ૫. વાસણ સાફ કરતાં આવડે છે? ઍલ્યુમિનિયમ, સ્ટીલ, લોખંડ, પિત્તળ, તાંબું, પ્લાસ્ટિક, ચાંદી વગેરેનાં વાસણો સાફ કરવામાં શું તફાવત છે તેની ખબર છે? કાટવાળાં, ચોંટેલાં, બળેલાં, સુકાયેલાં, ચીકણાં વાસણો સાફ કરવામાં શું ધ્યાન રાખવું પડે તેની ખબર છે? ૬. ઇસ્ત્રી, કૂકર, મિક્સર, ગીઝર વગેરેનો ઉપયોગ કરતાં આવડે છે? ૭. રોજિંદી રસોઈ બનાવતાં આવડે છે? ૮. શાકભાજી, અનાજ, કરિયાણું ખરીદતાં આવડે છે? તેમની કિંમત ગણતાં આવડે છે? ૯. વીજળીનો ફ્યૂઝ ઊડી ગયો હોય તો નવો બાંધતાં આવડે છે? ૧૦. કપડું સાંધતાં, ભરત ભરતાં આવડે છે? ૧૧. દીવાલમાં કે ચંપલમાં કે ફર્નિચરમાં ખીલી ઠોકતાં કે ક્રૂ બેસાડતાં આવડે છે ખરું? ૧૨. ચોપડી ઉપર પૂઠું ચઢાવતાં આવડે છે? ૧૩. દીવાલે રંગ કરતાં આવડે છે? ૧૪. પડીકું વાળતાં આવડે છે? ૧૫. ફૂલોની માળા ગૂંથતાં આવડે છે? આસોપાલવનાં તોરણ બનાવતાં આવડે છે? ૧૬. ચેક લખતાં, બૅંકમાં ડ્રાફ્ટ કઢાવતાં, પોસ્ટઑફિસે રજિસ્ટર કરતાં, તાર મોકલતાં, પાર્સલ કરતાં, યોગ્ય રીતે સરનામું કરતાં આવડે છે? ૧૭. રેલવેનું સમયપત્રાક જોતાં, રીઝર્વેશન કરાવતાં આવડે છે? ૧૮. નકશો જોઈને કોઈ સ્થળ શોધી કાઢતાં આવડે છે? ૧૯. શેરડીનો સાંઠો છોલતાં, સોપારી કાતરતાં, સૂડાથી કેરી કાપતાં, પાન બનાવતાં આવડે છે? ૨૦. હિસાબ લખતાં આવડે છે? ૨૧. છૂટા કાગળમાંથી નોટ બાંધતાં આવડે છે? ૨૨. કઈ ઋતુમાં કયાં શાકભાજી મળતાં હોય તેની ખબર છે? ૨૩. સત્તાવાળાઓને અરજી કરતાં આવડે છે? ૨૪. સુઘડ રીતે શેતરંજી પાથરતાં, પથારીઓ કરતાં આવડે છે? ૨૫. બૂટ પૉલિશ કરતાં આવડે છે? ૨૬. યોગ્ય રીતે પોતાનો પરિચય આપતાં આવડે છે? ૨૭. કૂંડામાં કે જમીનમાં છોડ રોપીને ઉછેરતાં આવડે છે? ૨૮. કયા કપડાને માટે કેટલું કાપડ જોઈશે તેની ગણતરી કરતાં આવડે છે? ૨૯. કોઈ પણ વસ્તુનું જોખીને વજન કરતાં આવડે છે? કાપડ અથવા જમીન માપતાં આવડે છે? ૩૦. ગાતાં, દોડતાં, ચિત્રાકામ કરતાં, રંગોળી પૂરતાં, સુંદર અક્ષરે લખતાં આવડે છે? ૩૧. નળના આંટા ખવાઈને ઢીલા થયા હોય અને પાણી ટપકતું હોય, તો તે બંધ કરતાં આવડે છે? ૩૨. પાનું, પકડ, હથોડી, સ્ક્રૂડ્રાઇવર, જૅક, કોશ, કોદાળી, પાવડો, કાતર, કુહાડી, ખૂરપી વગેરે વાપરતાં આવડે છે? ૩૩. લાઠી, ગલોલ, તીરકામઠું વગેરેનો ઉપયોગ કરતાં આવડે છે? ૩૪. તરવું, દોરડાંની મદદથી ચઢવું, ઝાડ ઉપર ચઢવું, દોરડાં કૂદવાં વગેરે પૈકી કશું આવડે છે? આ બધાં જ રોજેરોજના જીવનમાં ઉપયોગી એવાં કૌશલ્યો છે. આ અને આવાં અનેક કૌશલ્યોને પરિણામે જીવન સરળ બને છે, સફળ બને છે.