સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ગાંધીયુગના એક સાહિત્યકાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્વચ્છ અને હેતુપૂર્ણ મનરંજક નાટકો દ્વારા ગુજરાતી રંગભૂમિની સેવા કરનાર શ્રી દુર્ગેશ શુક્લને એમનાં નાટ્યસર્જનો માટે ૨૦૦૪નો ચંદ્રવદન મહેતા નાટ્ય એવોર્ડ એનાયત થયો છે. ૯ સપ્ટેમ્બર, ૧૯૧૧ના રોજ રાણપુર(સૌરાષ્ટ્ર)માં જન્મેલા દુર્ગેશ શુક્લે ટૂંકી વાર્તા, કવિતા, નવલકથા અને નાટ્યસર્જન દ્વારા એમની સર્જકતાનો પરિચય કરાવ્યો છે. કવિત્વ અને નાટ્યસૂઝથી સભર પદ્યનાટિકા ‘ઉર્વશી’(૧૯૩૩)ને બ. ક. ઠાકોર અને ડોલરરાય માંકડ જેવા વિદ્વાન વિવેચકોનો આવકાર સાંપડ્યો હતો. સમાજના નીચલા સ્તરના માનવીઓનાં ભાવસંવેદનોને આલેખતી વાર્તાઓ અને એકાંકીઓ દ્વારા ગાંધીયુગના આ સર્જકે પોતાની ઓળખ સુદૃઢ કરી. એમણે લખેલાં કિશોરોપયોગી નાટકોની ભજવણી દ્વારા આજનાં અનેક અભિનેતા, અભિનેત્રી અને દિગ્દર્શકોએ પોતાની કારકિર્દીનો આરંભ કર્યો છે. ‘પિયરજીન્ટ’ (અનુવાદ), ‘ઊગતી પેઢી’, ‘અંતે ઘર ભણી’ જેવાં નાટકો ઉપરાંત ‘પૃથ્વીનાં આંસુ’ જેવા એકાંકીસંગ્રહ દ્વારા એમણે રંગમંચ પર ભજવી શકાય તેવાં નાટકો અને રેડિયોનાટકો પણ સર્જ્યાં છે. ‘ઉત્સવિકા’ અને ‘ઉલ્લાસિકા’ નાટિકાસંગ્રહોમાં શાળોપયોગી નાટિકાઓ સંગૃહીત છે. ‘છાયા’, ‘પલ્લવ’, ‘સજીવન ઝરણાં’ જેવા વાર્તાસંગ્રહો; ‘ઝંકૃતિ’, ‘યાત્રી’, ‘તટે જૂહુનાં’ તથા ‘પર્ણમર્મર’ જેવ્ાા કાવ્યસંગ્રહો અને ‘વિભંગકલા’ નામક હાસ્યરસિક નવલકથા દ્વારા એમણે વિવેચકોની પ્રશંસા પ્રાપ્ત કરી છે. [‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૫]