સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ચિત્રકૂટવાસી રામભક્ત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રામચંદ્રજીએ ૧૪ વરસના વનવાસનો સારો એવો કાળ જ્યાં વિતાવેલો, તે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના સીમાડા પર બુંદેલખંડના ડુંગરાઓમાં આવેલું ચિત્રકૂટ રામકથાનાં અનેક સ્થળોનું સ્મરણ કરાવે છે : રામ-સીતા-લક્ષ્મણે જ્યાં વાસ કરેલો તે કદમગિરિની ટેકરી, શ્રીરામનો સત્કાર કરવા માટે અનેક નદીઓ જ્યાં એકત્ર થયેલી તે ગુપ્ત ગોદાવરીની ગુફાઓ, અને મંદાકિનીમાં નિત્ય-સ્નાન કરીને સીતા જ્યાં બેસતાં તે જાનકીકુંડ. ચિત્રકૂટ હજી આ દેશનાં બીજાં તીર્થસ્થાનોની સરખામણીમાં અદૂષિત રહ્યું છે. જાત્રાળુઓનાં ધાડાં ચિત્રાકૂટ પર ઊતરી પડતાં નથી, તેમ ભક્ત અને ભગવાન વચ્ચે દલાલી કરનારા પંડાઓના ત્રાસ પણ ત્યાં નથી. હા, દરેક ઘરના છાપરા પર, દરેક શેરીને નાકે હનુમાનજીના હજારો વંશવારસો ત્યાં સદા ઉપસ્થિત રહે છે. આવા ચિત્રકૂટમાં, ઉત્તર પ્રદેશના એ સૌથી પછાત પ્રદેશમાં, આસન વાળીને દાયકાઓથી સમાજસેવાનું ને રાષ્ટ્રઘડતરનું પાયાનું કામ એક રામભક્ત કરી રહેલા છે : નાનાજી દેશમુખ. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન ૧૭ માસનો કારાવાસ વેઠીને છૂટેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ કાર્યકર ૧૯૭૭માં કટોકટી પછીની ચૂંટણીમાં ઊભા રહેલા. પણ તે વખતના જનસંઘને જનતા પક્ષ સાથે જોડી દેવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર નાનાજી પોતે મોરારજી દેસાઈની સરકારમાં નહોતા જોડાયા. અને એકાદ વરસ પછી તો ઓચિંતા એ રાજકારણમાંથી નીકળી ગયા. જ્યાંથી પોતે ચૂંટણી જીતેલા, તે ગોંડા જિલ્લા (ઉત્તર પ્રદેશ)માં એ ગાયબ બન્યા. ત્યાં ગ્રામરચનાનો એક કાર્યક્રમ એમણે ઉપાડ્યો અને તેના મુખ્ય મથકનું નામ રાખ્યું જય-પ્રભાનગર. (૧૯૭૪ના બિહાર આંદોલન વખતે પોતે જેમની સાથે સક્રિય હતા તે જયપ્રકાશનારાયણ અને તેમનાં પત્ની પ્રભાદેવી પરથી). વીસમી સદીના છેલ્લા દાયકાના આરંભે નાનાજીએ પોતાનું થાણું ચિત્રકૂટમાં ફેરવ્યું, અને ગ્રામવિદ્યાપીઠ સ્થાપવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું.