સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જકડી રાખતું ચલચિત્ર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભારતમાં ચલચિત્ર ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ ૧૯૫૪માં દાખલ કરવામાં આવ્યા અને તેની પહેલી જ ખેપમાં ‘અત્રે પિક્ચર્સ’ દ્વારા નિર્મિત અને વનમાલા દ્વારા અભિનીત મરાઠી ચલચિત્ર ‘શ્યામચી આઈ’‘(શ્યામની મા’)ને તે વર્ષના સર્વોત્કૃષ્ટ કથાચિત્રનું પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મરાઠી ચલચિત્રોને લાગેવળગે છે ત્યાં સુધી બરાબર પચાસ વર્ષ પછી ૨૦૦૪ના વર્ષમાં ફરી એક વાર અરુણ નલાવડે દ્વારા નિમિર્ત મરાઠી ચલચિત્ર ‘શ્વાસ’ને સર્વોત્કૃષ્ટ કથાચિત્રની શ્રેણીમાં પ્રથમ પારિતોષિક એનાયત થયું છે. છેલ્લાં પચાસ વર્ષોમાં ભારતે સંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં સર્વાધિક ચલચિત્રો નિર્માણ કરનાર દેશનું બિરુદ મેળવ્યું છે ખરું. પરંતુ ગુણવત્તાને ભોગે ફિલ્મોના નિર્માણની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણા નિર્માતાઓ ‘પિટ-ક્લાસ’ના પ્રેક્ષકોની રુચિને જ પોષવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. આવી ફિલ્મો દ્વારા નિર્માતાઓ ધનની કમાણી કરતા રહ્યા છે. હકીકતમાં, ‘શ્વાસ’નું કથાવસ્તુ ભારતના રજતપટ માટે નવું ગણાય નહીં. કૅન્સરથી પીડાયેલા દરદીની અને તેના પરિવારની દર્દનાક કહાણી પર આધારિત ચલચિત્રો ભૂતકાળમાં પણ ભારતીય રજતપટ પર આવી ચૂક્યાં છે. તેમાં સર્વપ્રથમ ‘આનંદ’માં ચલચિત્રનો નાયક (બાબુ મોશાય) કૅન્સરગ્રસ્ત છે. ‘મિલિ’ ચલચિત્રની નાયિકા (જયા ભાદુડી) તે રોગથી પીડાયેલી હોય એવી તેની કથા છે. ‘શ્વાસ’માં ૮-૧૦ વર્ષનાં બાળક પરશાની બંને આંખોમાં કૅન્સરની અસર થયેલી છે. જો ‘શ્વાસ’ના કથાવસ્તુમાં કોઈ નવીનતા ન જ હોય તો તેને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક કેમ એનાયત થયો હશે? અને તેનાથી પણ આગળ, અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓમાં નિર્મિત વિશ્વભરની ભાષાઓનાં સર્વોત્કૃષ્ટ ચલચિત્રોના ઓસ્કારની સ્પર્ધા માટે તેને શા માટે મોકલવામાં આવ્યું હશે? આ પ્રકારના પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે. આ પ્રશ્નોના જવાબમાં ‘શ્વાસ’ના પક્ષે ઘણુંબધું કહી શકાય તેવું છે. એક તો તે ‘ચીલાચાલુ ફિલ્મ’ની કક્ષા કરતાં કથાવસ્તુની રજૂઆતની દૃષ્ટિએ ઘણી ઊચી કક્ષાનું નિર્માણ છે, જેમાં માનવીની સ્વાભાવિક ગણાતી સંવેદનાઓ જ કેન્દ્રમાં રાખવામાં આવી છે. આવી સંવેદનાઓ આ ચલચિત્રની રજૂઆતમાં કોઈ પણ સ્થળે કૃત્રિમ રીતે ઉપસાવવામાં આવેલી નથી, પરંતુ અત્યંત સહજતાથી તે સમગ્ર કથાવસ્તુમાં વણી લેવામાં આવી છે. બાળકને કૅન્સરને કારણે બંને આંખોમાં ઓપરેશન અનિવાર્ય છે. આટલી નાની ઉંમરમાં તે બંને આંખે કાયમ માટે અંધત્વ વહોરવાનો છે એવી ડોક્ટરને ખાતરી હોય છે. પરશાના દાદા તેને નિદાન અને સારવાર માટે પોતાને ગામડેથી મુંબઈ લઈ જાય છે. દાદા માટે અને સમગ્ર પરિવાર માટે વહાલસોયા પરશાના જીવનની આ કરુણાંતિકા અસહ્ય કેવી રીતે બને છે, તેનું આબેહૂબ ચિત્રણ અત્યંત સહજતાથી આ ચલચિત્રમાં કરવામાં આવ્યું છે. આ ચલચિત્ર પ્રેક્ષકોને પ્રત્યેક ક્ષણે જકડી રાખે છે. સમગ્ર ચલચિત્રમાં એક પણ ગીત કે નૃત્ય નથી; તેમાંનું એક પણ દૃશ્ય અપ્રસ્તુત નથી; તેનાં ચારે મુખ્ય પાત્રો: બાળ-કલાકાર અશ્વિન ચિતળે (પરશા), અરુણ નલાવડે (દાદા), સંદીપ કુલકર્ણી (ડોક્ટર) તથા અમૃતા સુભાષ (દવાખાનાની સમાજસેવિકા)—આ બધાંએ અત્યંત સહજ અને અસરકારક રીતે અભિનય કર્યો છે; તેના સંવાદો પ્રભાવક છે. સર્વોત્કૃષ્ટ કથાચિત્ર ઉપરાંત તેમાં પરશાની ભૂમિકા ભજવનાર અશ્વિન ચિતળેને ૨૦૦૪નું સર્વોત્કૃષ્ટ બાળકલાકારનું પારિતોષિક પણ એનાયત થયેલ છે. [‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૪]