સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/તું અનોખો છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આપણે બાળકને બારાખડી શીખવીએ છીએ. પ્રભુની પ્રાર્થના અને ગણિતના દાખલા શીખવીએ છીએ. ચંદ્ર પર ઉતરાણની વાત કરીએ છીએ. પણ ક્યારેય એ બાળકને એવું કહેતા નથી કે, તું સાચે જ અદ્ભુત છે! ક્યારેય એ દૃષ્ટિએ એને જોતા નથી કે બાળક એ આ વિશ્વમાં આવેલો એક નવીન અને વિશિષ્ટ શક્તિપુંજ છે. બાળકને એ શીખવવું જોઈએ કે તું આ જગતમાં વિરલ અને વિશિષ્ટ છે. તારી પાસે કામ કરી શકે એવા બે મજબૂત હાથ છે. દોડી શકે એવા સરસ મજાના પગ છે. જગતને જોઈ શકે એવી સુંદર આંખો છે. મધુર સંગીત સાંભળી શકે એવા મજાના કાન છે. કંઈ કેટલાય કસબ કરી શકે એવી આંગળીઓ છે. કેટલું બધું છે તારી પાસે! બાળકને એમ કહીએ છીએ ખરા કે તારામાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર કે મધર ટેરેસાની શક્તિ પડેલી છે? આ બધાએ કર્યું તે કરી શકવાની ક્ષમતા માટે કોઈ બીજાને નુકસાન પહોંચાડવાનું નથી. બાળકોને આપણે ભણતર અને ગોખણપટ્ટીથી ભરી દઈએ છીએ. ભય અને સજાથી ડરાવીએ છીએ. પરંતુ એ બાળકને એના ભીતરમાં પડેલી આ શક્તિઓની ઓળખ આપીએ છીએ? [‘ગુજરાત સમાચાર’ દૈનિક : ૨૦૦૬]