સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પંજ પ્યારા
શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે શૂરવીરતાનો એક નવો માર્ગ કંડારવા ખાલસા પંથની સ્થાપના કરી ૧૬૯૯માં બૈશાખીના દિવસે. તે દિવસે વિવિધ જાતિ અને પ્રદેશના પંજ પ્યારાઓએ ગુરુની માગણી અનુસાર મોટામાં મોટું બલિદાન આપવા કાજે પોતાની જાતને સમર્પિત કરેલી. આ સૌથી પ્યારા પાંચમાં લાહોરના ખત્રી ભાઈ દયારામ હતા, હસ્તિનાપુરના જાટ ભાઈ ધરમદાસ હતા, દ્વારકાના ધોબી ભાઈ મોકમચંદ હતા, બિડરના વાળંદ ભાઈ સાહેબચંદ હતા, અને જગન્નાથપુરીના ભિસ્તી ભાઈ હિમ્મતદાસ હતા. જાતિ અને સંપ્રદાયના તમામ ભેદભાવ મિટાવી દઈ ગુરુ ગોવિંદસિંહે ચારિત્રય, રાષ્ટ્રીયતા, ફરજપાલન, સંયમ અને નમ્રતાનો, પોતાની જાત પહેલાં સેવાને સ્થાન આપતો સંદેશો આપ્યો તેને આ પંજ પ્યારાઓએ દેશભરમાં ફેલાવ્યો.