સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/આજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આજ અંધાર ખુશબોભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી
પમરતી પાથરી દે પથારી. — આજ.
આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિન્ધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી
મહેકતી આવતી શી સુગંધી! — આજ.
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફુવારી? — આજ.
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર? — આજ.


[‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ પુસ્તક]