સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/અત્તરિયાને
અત્તરિયા! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા! અત્તર તો એમનેમ દીજીએ.
હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ;
દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
છોગાની ખોટ ખમી લીજીએ.
ઊભે બજાર લોક આવે હજાર, એની
ઝાઝી ના પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.
આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના
ઉરની આરતને પ્રીછીએ;
માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ
નજરુંની ડૂબકી દીજીએ.
આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને એવો
ફાયો સવાયો કરી દીજીએ;
રૂંવે-રૂંવે સૌરભની લેર્યું લહેરાય, એવાં
ઘટડામાં ઘેન ભરી દીજીએ.