સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભગવતીકુમાર શર્મા/સાર્થક્યનાં કંકુછાંટણાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          સ્વ. ઉમાશંકર જોશીએ, તેઓ વિદ્યમાન હતા ત્યારે જ, પોતાના સાહિત્ય-સંતાન સમા ‘સંસ્કૃતિ’નું પ્રકાશન બંધ કરી દીધું હતું. તે સમયે એ ઘટનાના ખાસ્સા પ્રત્યાઘાતો પડ્યા હતા. તેનો મુખ્ય સૂર વિષાદનો હતો. મહેન્દ્ર મેઘાણીએ તેમનું ‘મિલાપ’ બંધ કર્યું ત્યારેયે આવા પ્રત્યાઘાતો પડ્યા હતા; જોકે મહેન્દ્રભાઈ હજી અતિ વૃદ્ધ વયે પણ સદ્વાચનપ્રસારનું ઋષિકાર્ય કરી રહ્યા છે. આવી ગતિ બીજાં કેટલાંક સાહિત્ય-સામયિકોની પણ થઈ છે. કોને કોને સંભારીશું? યશવંત દોશીનું ‘ગ્રંથ’ અને મડિયાનું ‘રુચિ’ અને સુરેશ જોષીનું ‘ક્ષિતિજ’ તો ખરાં જ. થોડાંક નવાં પ્રગટ્યાં છે. જૂનાં કાળના ગર્ભમાં વિલીન થયાં છે. હવે તેમાં ‘કંકાવટી’ સાહિત્યસામયિકનો ક્રમ આવી રહ્યો છે. તેના વયોવૃદ્ધ તંત્રી-માલિક શ્રી રતિલાલ ‘અનિલ’ની નાદુરસ્ત તબિયતને કારણે ‘કંકાવટી’ને તેની લીલા સંકેલવાની ફરજ પડી છે. અનેકાનેક પ્રતિકૂળતાઓ વચ્ચે શુદ્ધ સાહિત્યનું આ સામયિક નિતાન્ત વ્યક્તિગત સાહસ લેખે અડધી સદી સુધી ટક્યું અને પોતાના અસ્તિત્વને સાર્થક કરતું રહ્યું, એ ગુજરાતી સાહિત્યની એક વિરલ ઘટના છે. નહીંવત્ વિજ્ઞાપન, નહિ કોઈ સંસ્થા કે સંપત્તિવાનનો સાથ, ન પોતાનું કશું આર્થિક ગજું. માત્ર ફકીરી ધૂન. ‘કંકાવટી’ ઘણી રીતે રતિલાલ ‘અનિલ’નો ‘વન મૅન શો.’ ધોરણ વિશેના ઊંચા, અકાટ્ય આગ્રહો, સમાધાન કરવાનું વલણ જ નહિ, કોઈનું વાજિંત્ર બનવાની લેશમાત્ર વાત નહિ. અને તેમણે ‘કંકાવટી’ ચલાવ્યું-પૂરાં પચાસ વર્ષ સુધી! એ જ નાનકડું કદ, એ જ સુઘડ મુદ્રણ, એ જ મર્યાદિત પાનાં, સાદગીનું એ જ શુચિસૌંદર્ય, સાહિત્યના નિકષ પર ચકાસાયેલી વાચનસામગ્રી અને સામયિક પર અથેતિ પથરાયેલી તેના તંત્રીની એ જ અમુખર મુદ્રા. અડધા સૈકામાં ‘કંકાવટી’ ન બદલાયું, ન તેણે પોતીકું નૂર બદલ્યું. તેના સંપાદનમાં ધ્રુવતારક સમાન લક્ષ્ય તો એક જ : ઊંચું, સાહિત્યિક સ્તર. ‘કંકાવટી’ મૂળ તો ‘અબીલગુલાલ’ની સાથે લોકપ્રિય સામયિકના સ્વરૂપમાં સુરતની પ્રકાશન સંસ્થા ‘સાહિત્યસંગમ’ના માલિક-લેખક નાનુભાઈ નાયકે પ્રસિદ્ધ કરેલું. પણ પછી ‘અનિલે’ તે લીધું અને તેનું વ્યક્તિત્વ આમૂલાગ્ર બદલી નાખ્યું. તેઓ દીર્ઘકાળ પર્યંત દૈનિક પત્રકારત્વ સાથે જીવનનિર્વાહ પૂરતા સંકળાયેલા રહ્યા, પણ તેમનું હૃદયદ્રવ્ય સાહિત્યિક પત્રકારત્વને વરેલું હતું, જે ‘પ્યારા બાપુ’ જેવા સામયિકમાં સુપેરે વ્યક્ત થયા પછી ‘કંકાવટી’માં સકળપણે ઢોળાયું. વ્યક્તિની કે સામયિકની ચિરવિદાય અવસાદપ્રેરક જ હોય, પરંતુ વ્યક્તિ અને સામયિક પોતાના અસ્તિત્વની સાર્થકતાનાં થોડાંક કંકુછાંટણાં છાંટી જાય તો તે પર્યાપ્ત છે. ‘કંકાવટી’ એવા સદ્ભાગ્યને વર્યું હતું.