સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/સપનાં સપનાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

રે! ખાલી સપનાં સપનાં :
આ કરુણ જીવનને રોજ કનડતાં
આવે છાનાં છપનાં!
રે! ખાલી સપનાં સપનાં.
સાંજ પડે ને શુંય થતું કે
હૈયું ખાલી ખાલી,
મનમોહનને મળવા કાજે
રે’તું ભાળી ભાળી;
હસી જરી ત્યાં આવે મૂરત
કામણગારી કાળી :
રે! કૂડી જીવ કલપના!
એ ખાલી સપનાં સપનાં.
અધરાતે મધરાતે હું તો
જાગી જાઉં સફાળી;
રે! કોઈ કહે છે : આવ, આવ ઓ!
આવ મગનભર ચાલી!
સુણી રહું ત્યાં ઘેલી કરતી
વેણુ વાગે વ્હાલી :
રે! જૂઠી જીવ, જલપના!
એ ખાલી સપનાં સપનાં.
રોજ રોજ એ આંખે તરતી
કાયા રંગરૂપાળી;
રે! રોજ રોજ એ જાય લગાડી
માયા કો’ મર્માળી :
હું કરું અરે શું? ક્યારે મળશો
મનમોહન વનમાળી!
રે! સૂનાં અંતર-તપનાં
આ સાચ કરો સૌ સપનાં.