સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ દેસાઈ/રંગલયગતિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને,
રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર પીળાંપીળાં રાઈ તણાં ફૂલ થઈને.
દૂર ક્યારડો વાલોળે લીલો ભમ્મર થઈને ચક્કર ચક્કર ઘૂમતો,
ને પાસ થોરની ટોચ ટુકડો આભ બનીને ચટાક રંગ લ્હેરમાં ચૂમતો,
બ્હાર ઊભેલો આંબો એનાં પાનપાન આ ઊડી જાય રે પંખીટૌકા થઈને!
ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને.
નીક મહીં ખળખળતાં જળમાં આભ પડી અમળાય,
સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય,
કાંટાળા બાવળમાંથી સૂરજનાં કિરણો
જીર્ણશીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય,
રંગરંગનાં પડ્યાં ગાબડાં સીમ મહીં
ને સીમ તણા શેઢાઓ તો આ ખીલે રે, ફૂલે રે, ઝૂલે સવાર થઈને.
ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને.