સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનસુખલાલ ઝવેરી/દાંપત્યચિત્રોની તેજસ્વિતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          ‘સમરાંગણ’ અને ‘[રા’] ગંગાજળિયો’ વાંચી ગયો. મને એ બંને પુસ્તકો બહુ જ ગમ્યાં. એ બેમાં વધારે કયું ગમ્યું એ કહેવું, અલબત્ત, અઘરું છે. કેવળ નવલકથાની જ—વસ્તુગુંફનની જ—દૃષ્ટિએ જાેઈએ તો ‘સમરાંગણ’ અવશ્ય ચડી જાય, પણ આલેખનની દૃષ્ટિએ તમારી કલ્પના ‘ગંગાજળિયા’માં ખરેખર ચગી છે. તેમાં તમે જે પ્રસંગો અને જે પાત્રો ખડાં કરી રહ્યાં છો [તે] તમારા સમગ્ર સર્જનમાં પણ અનન્ય લાગે છે. છલકાઈ જતા અને ગંભીર, બંને પ્રકારના પ્રેમને તમે આલેખ્યો છે. તમારાં દાંપત્યચિત્રોમાં, ર. વ. દે.માં દેખાય છે તેવી, મીઠાશભરી માનવતા છે અને સાથે સાથે, મુનશીમાં દેખાય છે તેવી, સ્વમાનનિષ્ઠ તેજસ્વિતા પણ છે. ઉપરાંત, રમણલાલનાં ચિત્રોમાં દેખાય છે તેવું વ્યકિતત્વ-વિલોપન કે મુનશીનાં ચિત્રોમાં મળી આવે છે તેવું વ્યકિતત્વ-સંઘર્ષણ તમારાં ચિત્રોમાં અતિશયતાએ પહોંચેલું નથી દેખાતું. મુનશી માનવતી પ્રિયતમાઓ સર્જી શકે છે; તમે માનભરી માતાઓ સર્જી રહ્યા છો. ‘ગંગાજળિયા’ની કુંતા દે, કે આપા ભૂંથાની ચારણિયાણી કે ‘સમરાંગણ’ની વજીર-પત્ની: આ બધીમાં મને તો માતાનો આત્મા દેખાય છે. નારીહૃદયનું સ્વપ્ન પ્રેયસી કે માનિની બનવાનું હશે, પણ તેની કૃતાર્થતા તો માતૃત્વમાં જ રહેલી છે.

[ઝવેરચંદ મેઘાણી પરના પત્રમાં: ૧૯૪૦]