સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહાદેવ દેસાઈ/વિરલ વીરજીવન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          જવાહરલાલની જીવનકથા નિત્ય વિકાસવંત જીવનનો એમને પોતાને મુખે કહેવાયેલો ઇતિહાસ છે. આપણામાંના કેટલા પોતાને વિષે આ ઉદ્ગાર કાઢી શકે એમ છે : “મારો વિકાસ થઈ રહ્યો છે, એવો ચાલુ અનુભવ મને થાય છે.” નિત્ય નવીન વિકાસનો અનુભવ કરી રહેલા એવા, હું તો બીજા એકલા ગાંધીજીને જ જાણું છું. આમ સતત વિકાસનો અનુભવ કરનાર વ્યક્તિઓ જગતમાં વિરલ છે. આ પુસ્તકમાં એ વિરલ વીરજીવનની કથા છે; યુવાવસ્થાથી જ વૈભવમાત્રને ફગાવી રણમાં ઝૂઝનાર, અનેક આઘાતોથી માથું લોહિયાળ થયા છતાં માથું અણનમ રાખનાર યોદ્ધાના જીવનની કથા છે. આપણા સ્વાતંત્રયના મહાભારતનાં અનેક નાનાં-મોટાં વર્ણનો લખાયાં છે; પણ આટલું ઉદાત્ત, આટલાં ગંભીર ચિંતન અને આત્મનિરીક્ષણથી ભરેલું, આટલું તાદૃશ વર્ણન બીજું એકે નથી લખાયું. એ સંપૂર્ણ ઇતિહાસ નથી, છતાં એ અપ્રતિમ છે. આપણા પુણ્યશ્લોક, સુગૃહીતનામ, યશઃકાય મહાજનો એ પુસ્તકનાં પાનાંમાં આપણી આગળ સજીવ મૂર્તિ સમા ખડા થાય છે; એમને જાણે આંખ આગળ જોઈને આપણે પ્રણમીએ છીએ. આપણા કેટલાક રોગો — કોમવાદ અને હિંસાભરી ત્રાસનીતિ — નું એમનું તલસ્પર્શી પૃથક્કરણ એ ગહન ચિંતન અને અભ્યાસનો અજોડ નમૂનો છે. એમનું કેટલુંક પૃથક્કરણ — દેશી રાજ્યની એકહથ્થુ સત્તાનું, કોમવાદનું, સામ્રાજ્યવાદનું — બર્ક જેવા લેખકની અગ્નિઝરતી અને વિવેકભરી શૈલીની યાદ આપે છે. વળી ક્યાંક ક્યાંક યુદ્ધના વર્ણનમાંથી વિરામ લઈ જ્યારે તેઓ પોતાના અંતરમાં વાચકને ડોકિયું કરાવે છે ત્યારે વાચક, પંડિતજીની ગમે તેટલી મહત્તા છતાં, તેમની સાથે સહૃદયતા અને સામ્ય અનુભવે છે, તેમના તરફ વહાલથી ઊભરાય છે. આ પુસ્તકના અભ્યાસથી જે તાકાત અને શિક્ષણ મળે છે, જે તાજગી, સ્ફૂર્તિ અને ચેતન મળે છે, તે આપણા ઇતિહાસના કોઈ પણ અભ્યાસીને છોડયે પાલવે એમ નથી. આ પુસ્તકમાં એમને જેવા છે તેવા જોઈએ છીએ — અધીરા, આકરા અને વળી પ્રસન્નગંભીર, નિરાશામાં ડૂબતા અને વળી આશાભર્યા ઊડતા. એનાં પાનાંમાં એમનાં હાસ્ય અને એમનાં અશ્રુ પણ ઘણી વાર આપણે પ્રગટ જોઈ શકીએ છીએ. છતાં જાણે એમ લાગે છે કે કાંઈક રહી ગયું છે, કાંઈક વધારે અંગત પરિચય આપ્યો હોત તો! ઘણે ઠેકાણે લાગણીના ઝંકાર અને હૃદયના ધબકાર ઝીલતું એમનું ગદ્ય ગીતિકાવ્ય બને છે, ત્યારે કેટલેક ઠેકાણે જાણે વર્તમાનપત્રોને માટે એ લખતા હોય એમ લાગે છે. પંડિતજીના સમૃદ્ધ વ્યક્તિત્વમાં અનેક પરસ્પર વિરોધી તત્ત્વો ભળ્યાં છે — શ્રદ્ધા અને શંકા, નિશ્ચય અને અનિશ્ચય, ધર્મ અને ધર્મ વિશે અસહિષ્ણુતા. રાતદિવસની અપરંપાર પ્રવૃત્તિથી ભરેલું અને વેદના ને દુઃખોથી ભરેલું જીવન એથી બીજું ન હોઈ શકે. સાચી હકીકત એ છે કે પંડિતજીમાં શંકા છતાં શ્રદ્ધા છે, ધર્મનાં પ્રચલિત સ્વરૂપો વિશે તીવ્ર વિરોધ છતાં ઊંડે ઊંડે ધર્મ ભર્યો છે. [જવાહરલાલ નેહરુની ‘મારી જીવનકથા’ના અનુવાદક તરીકે પ્રસ્તાવનામાં]