સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/જાગૃત કરો!
આપણા ભારત દેશમાં, ક્યાંક ને ક્યાંક, દર કલાકે બે બળાત્કાર થાય છે. એ તો સત્તાવાર આંકડા છે. પણ ખરેખર તો એ આંકડો ઘણો મોટો હશે, કારણ કે ઘણા કિસ્સામાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા કોઈ જતું નથી. ૨૦૦૩ની સાલમાં ભારતમાં બળાત્કારના ૧૫,૮૫૬ કિસ્સા નોંધાયા હતા, તેમાંના ફક્ત નવ ટકા મોટાં (૧૦ લાખ કે વધુ વસ્તીવાળાં) શહેરોના હતા. નેવું ટકાથી વધુ બળાત્કારો નાનાં શહેરો ને ગામડાંના નોંધાયા હતા. અને ગામડાંમાં તો લોકો એવા કિસ્સા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું ટાળે છે. આખા દેશમાં ૧૮ વરસથી નાની છોકરીઓ પર થતા બળાત્કારનું પ્રમાણ કુલ બળાત્કારના ૨૦ ટકા જેટલું હતું. પણ મોટાં શહેરોમાં આ પ્રમાણ ૪૩ ટકા જેટલું નોંધાયેલું. ૨૦૦૩ના વરસમાં ૧૮,૦૦૦થી વધુ આરોપીઓ ઉપર બળાત્કારના કેસ થયેલા, પણ તેમાંથી ચોથા ભાગને જ અદાલતમાં સજા થયેલી. જેને સજા થાય તેમાંથી ૬૬ ટકા જેટલા ઉપલી અદાલતમાં અપીલ કરતા હોય છે. પણ જેને સજા ન થાય તેવા આરોપીઓની સામે પોલીસ ઉપલી કોર્ટમાં ભાગ્યે જ અપીલ કરે છે. પોલીસથાણાની અંદર બંદીવાન સ્ત્રીઓ પર બળાત્કાર કરવાના આરોપસર ૨૦૦૨માં ૧૪૭ પોલીસ કર્મચારીઓ ઉપર કોર્ટમાં ખટલા મંડાયા હતા; તેમાંના ૧૩૨ પર કામ ચાલ્યું તે પૈકી ફક્ત ચારને સજા થયેલી. બાકીના ૧૫ ઉપર પછીને વરસે કામ ચાલ્યું, તેમાંથી કોઈને સજા થઈ નહોતી. બધી વાતનો સાર એવો નીકળે છે કે, (૧) બળાત્કારના જેટલા બનાવો બને છે તેમાંથી બહુ ઓછા અંગે પોલીસ પાસે ફરિયાદ આવે છે; (૨) જેમની સામે ફરિયાદ નોંધાય છે તે પૂરતા પુરાવાના અભાવે મોટે ભાગે કોર્ટમાં ગુનેગાર સાબિત થતા નથી. વાજબી શંકાથી પર એવી સાબિતી કોર્ટમાં રજૂ થાય નહીં ત્યાં સુધી આરોપી નિર્દોષ ગણાય છે. પણ બળાત્કારનો ભોગ બનનાર સ્ત્રી તો તે ફરિયાદ કરે એ ઘડીથી જ ગુનેગાર ઠરી જાય છે. નિષ્ઠુર સમાજની આ વાસ્તવિકતા છે. વરુઓને હાથે પિંખાયેલી હાલતમાં હોય તેવી, બળાત્કારનો ભોગ બનેલી શહેરની કે ગામડાની સ્ત્રીને કે છોકરીને પહેલાં તો એ મહેણું મારવામાં આવે છે કે પુરુષોની વાસના ભડકાવે એવા પોશાક શીદને પહેરો છો! પછી, બળાત્કારવાળા સ્થળે તે સમયે તું શીદને ગઈ હતી, એવું પુછાણ થાય છે. પેલા નર-રાક્ષસ સાથેના તેના છૂપા સંબંધોની વાતો વહેતી મૂકવામાં આવે છે. બળાત્કારો થતા રહે છે તેના કરતાં પણ વધુ ભીષણ વાત છે આપણી નિર્વીર્યતાની, તેનો ઉલ્લેખ દિનકર જોશીના તાજેતરના એક લેખમાં આવે છે: મુંબઈના મરીન લાઇન્સ જેવા ભરચક વિસ્તારમાં ધોળે દહાડે દસેક તરુણ અને તરુણી મિત્રો સાથે ફરતી એક કન્યાને, એક અને માત્ર એક જ દારૂડિયો પોલીસ ચોકીની અંદર લઈ જાય અને સાથેનાં યુવકયુવતીઓને લાલ આંખ દેખાડીને હાંકી કાઢે અને પછી બળાત્કાર થાય, એક વાર નહીં પણ ત્રણ વાર. કલાકેક જેટલો સમય તો આમાં ગયો જ હશે. આ આખો એક કલાક પેલી તરુણીના મિત્રો બહાર ઊભા હશે. એમણે શું કર્યું? એમણે ધાર્યું હોત તો ત્યારે લાકડાની પોલીસ ચોકીની કેબિનના દરવાજા હચમચાવીને તોડી નાખ્યા હોત. માર્ગ ઉપરના માણસોને એકત્ર કરી શક્યા હોત. બહુબહુ તો પેલો બળાત્કારી પ્રતિકાર કરત અને એમાં કોઈકને ઈજા થઈ હોત, પણ એથી શું? જે કન્યા સાથીદાર હતી, જે કન્યા વિશ્વાસે સાથે આવી હતી એની ઉપર આપત્તિ આવે ત્યારે, પોતાને મિત્રો કહેવડાવતા આ તરુણોનું શું કોઈ કર્તવ્ય નથી હોતું? સવાલ એ થાય છે કે આપણી સંવેદનાઓ આટલી બધી નિર્વીર્ય કેમ થઈ ગઈ છે? પારિવારિક જીવન કે શિક્ષણ-પ્રથાએ આ તરુણ પેઢીને શું એટલું પણ નથી શીખવ્યું કે અઘોર અત્યાચાર થતો હોય ત્યારે, ઓછામાં ઓછું, અણગમાનો એક ઊહકારો તો કરો! વર્તમાન સમાજજીવનની સૌથી ઘેરી કટોકટી આપણી માનસિકતાનું આ પરિવર્તન છે. આજે કોઈ પણ દુષ્કૃત્ય, પછી ભલે એ બળાત્કાર હોય, હત્યા હોય, અપહરણ હોય, લૂંટ હોય, છેતરપિંડી હોય, આ બધાનો બૌદ્ધિક સ્તરે, રાજકીય સ્તરે, કાનૂની સ્તરે બચાવ કરનારાઓ થોકબંધ જડે છે. કોમ્યુનિસ્ટ પક્ષ (માક્ર્સવાદી)ના પોલીટ બ્યુરોનાં મહિલા સભ્ય બ્રિન્દા કરાટ કહે છે કે, “ત્રાસવાદી હુમલાઓના કરતાં પણ વધુ સ્ત્રીઓ બળાત્કારીઓને હાથે મોત કે જોખમોની ભોગ બને છે” અને છતાં, ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના પત્રકાર શંકર રઘુરામન એક અહેવાલમાં જણાવે છે તેમ, જાણે કે “મૌનનું એક જબરદસ્ત કાવતરું આપણને સૌને ઘેરી વળ્યું છે.” કોઈ રવિશંકર મહારાજ, કોઈ મુનિ સંતબાલજી સમી કરુણાવત્સલમૂર્તિ આવો અને નિર્વીર્યતાની આ બેહોશીમાંથી આપણને જાગૃત કરો!