સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/નૈં
બેન, બંધાતી છીપલી ખોલીએ નૈં.
બેન, ઉરની સુવાસને તોળીએ નૈં.
બેન, જીવવાના અવસરને ટાણે એ પ્રીતડી બોલીએ નૈં.
બેન, કાચી કળિયુંને કદી તોડીએ નૈં.
બેન, સરજાતી સુરભિને વેરીએ નૈં.
બેન, ઋતુવરના સ્પર્શની પ્હેલાં થઈ ફૂલડું ખીલીએ નૈં.
બેન, આછરતાં નીરને ડોળીએ નૈં.
બેન, પોતાની છાંયમાં મોહીએ નૈં.
બેન, અંતર વસનારને સેવ્યા વિણ એકલાં સૂઈએ નૈં.
બેન, સરિતા થઈ પંથમાં થંભીએ નૈં.
બેન, છાનેરાં આભથી વહીએ નૈં.
બેન, સમદરમાં ભળવાને ટાણે ઉછાંછળાં બનીએ નૈં.
બેન, મધુવનની વાતડી છેડીએ નૈં.
બેન, પામ્યા સંકેતને બોલીએ નૈં.
બેન, માધવનું હેત મળ્યું કેવું, એ કોઈને કહીએ નૈં.
બેન, હુંપદ રાખીને એને પેખીએ નૈં.
બેન, વિરહે દાઝીને એને ભેટીએ નૈં.
બેન, ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં.
[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]