સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/પ્રશ્ન
કે’શો મને? સામે ખીલ્યાં તે ફૂલ છે કે હું?
કો’તો ખરા, ભોંકાય છે તે શૂળ છે કે હું?
કે’શો મને? ખોળે રમે એ બાળ છે કે હું?
કો’તો ખરા, આ જાય છે તે કાળ છે કે હું?
કે’શો કંઈ, આ ઝાડ નીચે મૂળ છે કે હું?
કો’તો ખરા, પગલાં પડે તે ધૂળ છે કે હું?
કે’શો? વિહંગોને ફૂટે તે પાંખ છે કે હું?
કો’ને, ખૂલે જે જીવને તે આંખ છે કે હું?
કે’શો? નિરાશા, એ નર્યો અંધાર છે કે હું?
કો’તો ખરા, મંદર તળે આધાર છે કે હું?
કો’તો ખરા, અનુભવતણો કૈં સાર તો બોલો,
બધું દેખાય સામે તે ખરેખર કોક છે કે હું?
[‘મનડામાં મોતી બંધાણું’ પુસ્તક : ૨૦૦૫]