સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/નગીનભાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગુજરાત ગૌરવ લઈ શકે એવું જીવન નગીનદાસ પારેખ જીવ્યા હતા, નિર્મલ અને સંનિષ્ઠ જીવન. ગોવર્ધનરામ અને ગાંધીજી બંને હરખાય એવું પ્રવૃત્તિમય સંન્યાસનું દૃષ્ટાંત બનતું જીવન. ગુજરાતી સર્જકો અને વિદ્વાનો નગીનભાઈની નિષ્ઠા અને નૈતિક આગ્રહો વિશે જાણે છે. ક્યારેક કોઈ નાની બાબતેય એ અપવાદ સ્વીકારે નહીં. એ જરૂર જાણતા હશે કે દાગીનો ઘડવા માટે સોનામાં તાંબું ભેળવવું પડે, પરંતુ દાગીનો કે ચલણી સિક્કો બનવા માટે એમણે કશો ભેગ સ્વીકાર્યો નથી. પોતાની જગાએ મૂળ ધાતુરૂપે તપ્યા કર્યું છે. તપ ચાલુ રાખ્યું છે. એ આપણા પરમ વિદ્યાપુરુષ છે. એમને તમે પ્રણામ કરો કે ન કરો, એમના ચહેરાની રેખા બદલાતી નથી. હર્ષ અને શોકના પ્રસંગો એમનો મુખભાવ બદલી શકતા નથી. કામ ન હોય તો મળવું નકામું છે. તમે ઉમાશંકરનો વખત બગાડી શકો, પણ નગીનભાઈનો નહીં. એમને બિનજરૂરી વાતે વાળી શકાય નહીં. તમે ગયા હો અને બેઠા હો તો એનો એમને બાધ નથી. એ કામમાં હોય ત્યારે બાજુમાં ખુરશી પડી છે કે તમે બેઠા છો એ એમને માટે સરખું હોય છે. સાંજ પછી એક-બે કલાક એમના અનધ્યાયના હોય છે. બહારથી લેખકો આવ્યા હોય અને ઉમાશંકરભાઈને ત્યાં ગોષ્ઠી હોય તો એકાદ રમૂજી પ્રસંગ તો નગીનભાઈ પાસેથી ભેટમાં મળે જ. એક વાર શિશિરકુમાર ઘોષ આવેલા. સાત-આઠ અહીંના કવિઓ હતા અને ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ પણ હતા. વાતો જામી. તે દિવસે ઉમાશંકરે વારંવાર બનેલી સત્ય ઘટના કહી. ઝીણાભાઈ નવું કાવ્ય લખે પછી તુરત છાત્રાલયના નજીકના રૂમમાં જઈને સંભળાવવું શરૂ કરે. શરૂઆતના શ્રોતાઓમાં નગીનભાઈ હોય. એમને સંભળાવીને આગળ વધી રહેલા ઝીણાભાઈ અડધું વર્તુળ પૂરું કરે તે પહેલાં તો નગીનભાઈ પેલા કાવ્યનું પ્રતિકાવ્ય રચીને સામે આવી પહોંચે. નગીનભાઈ ત્યારે પ્રતિકાવ્ય રચવામાં એક્કા હતા. સાથે રહેતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની મજાક-મશ્કરી માટે એક હસ્તલિખિત ચલાવતા—‘પંચતંત્ર’. એનો મુદ્રાલેખ હતો: ‘આવ્યાપારેષુ વ્યાપાર:’ એટલે કે અનધિકાર ચેષ્ટા, પોતે કરવી અને સામાની ઉઘાડી પાડવી. એક ‘ગિલિન્ડર ક્લબ’ ચલાવતા. મજાક-મશ્કરી સહન ન કરી શકનાર ક્યારેક એમને મારવા પણ તૈયાર થઈ જતા, પણ નગીનભાઈની રમૂજશકિત આગળ સૌનાં હથિયાર હેઠાં પડતાં. એક વાર ગાળોના જ્ઞાનની હરીફાઈ થયેલી. ચરોતર જીતે કે સુરત? નગીનભાઈએ દક્ષિણ ગુજરાતનો યશ વધારી આપેલો. મૅટ્રિક સુધી એમણે વલસાડમાં શિક્ષણ લીધું. ‘પ્રિલિમ’ની પરીક્ષાનો સમય હતો ત્યાં અસહકારનું આંદોલન શરૂ થયું. શાળાએ જવાનું છોડી દીધું. દારૂનાં પીઠાં પર પિકેટિંગ કરેલું, મામાની ફટાકડાની દુકાન હતી, પ્રતિકારના કાર્યક્રમનો અમલ એમની સામે પણ કરેલો. રાષ્ટ્રીય કારણોથી આ પહેલાં સ્કૂલમાં ત્રણ વાર હડતાલ પડાવેલી. પ્રિલિમિનરી પરીક્ષા આવી. નગીનભાઈ નિશાળે જાય નહીં, પિતાજી ખાય નહીં. નગીનભાઈ પણ ખાઈ ન શક્યા. છેવટે નીકળ્યા સંસ્કૃતની પરીક્ષા આપવા. પાંચ મિનિટ મોડા પડ્યા. માસ્તરે ટોક્યા, રોક્યા. ખડિયો લઈને ઘેર પાછા આવ્યા. શાળાના આચાર્યને એક સારા વિદ્યાર્થીની કૅરિયર બગડવાની ચિંતા થઈ. બોલાવ્યા, સમજાવ્યા. અસહકારનો મુદ્દો મોટો હતો. ત્યારે ઉંમર તો અઢારેક વર્ષની જ હશે; પણ સમજતા હતા ઘણું. આચાર્યને કહી દીધું: “હું કૅરિયર-બૅરિયરમાં સમજતો નથી.” એ પછી તો વિદ્યાપીઠમાં; ત્યાંના સ્નાતક થઈ બંગાળી ભાષાના વિશેષ અભ્યાસ માટે શાંતિનિકેતન ગયેલા. એમના માટે એક વર્ષનો ખાસ અભ્યાસક્રમ ઘડાયેલો. શાંતિનિકેતનમાં નગીનભાઈએ પ્રેમનાથ બિશિના નાટકમાં શકુનિનું પાત્ર કરેલું. શકુનિ મૂળ કંદહાર—ગંધારના, આજના અફઘાનિસ્તાનના, તેથી પઠાણ. દાઢી તો રીતસર જોઈએ જ. નગીનભાઈએ દોઢ મહિના પહેલાંથી દાઢી વધારેલી. ઓછામાં પૂરું નાટક વખતે નંદબાબુએ મેકઅપ કરેલો. નાટકમાં છાયાયુદ્ધ કરવાનું આવે. કોઈ સામે લડનાર હોય જ નહિ ને લડવાનું. એમના પૂર્વાપર વ્યકિતત્વ સાથે પણ આ સંગત છે. એમણે લડવાનું ચાલુ કર્યું હોય પણ એમની સામે કોઈ નહીં એટલે કે કોઈની સામે નહીં, મુદ્દા સાથે વાત. શાંતિનિકેતનમાં પણ તોફાની તરીકેની છાપ ઊભી કરવામાં એ સફળ થયેલા. એક વાર એ પાણીમાં ડૂબી રહ્યા હતા, સાચે જ ડૂબી રહ્યા હતા, એ મદદ માટે બૂમો પાડતા હતા. પણ સાંભળનારાઓમાંથી કોઈ માનવા તૈયાર ન હતું કે સાચે જ એ ડૂબી રહ્યા છે. એ તો ગુજરાતી ભાષાનું ભાગ્ય કે કોઈકે મશ્કરીનો ભોગ બનવાના જોખમ સાથે પણ એમને બહાર ખેંચી કાઢ્યા. ૧૯૨૮થી ૧૯૭૮ વચ્ચેના એકાવન વર્ષમાં એમની પાસેથી આપણને કુલ એકસો પાંચ પુસ્તકો મળ્યાં છે. એમાં શરદબાબુ, રવીન્દ્રનાથ, દિલીપકુમાર રાય, સુરેન્દ્રનાથ દાસગુપ્ત, અતુલચંદ્ર ગુપ્ત, ‘જરાસંધ’, મૈત્રેયીદેવી આદિની બંગાળી કૃતિઓના અનુવાદો છે. આઠવલેના ‘રસગંગાધર’ પરના મરાઠી ગ્રંથનો અનુવાદ છે. તો અંગ્રેજીમાંથી એમણે કાવ્યશાસ્ત્ર, ચિંતન અને દર્શનની કૃતિઓના અનુવાદો આપ્યા છે. એમાં ઈસુદાસ સાથે કરેલો ‘બાઇબલ’નો અનુવાદ તો વીસરી શકાય જ નહીં. કશું અસ્પષ્ટ રહેવા દે તો એ નગીનભાઈ નહીં. અઘરામાં અઘરી વસ્તુ સમજવા માટે એ પ્રયત્ન કરે અને જે ન સમજે તેને નમ્રતાથી નમન કરી અળગા રહે. પોતાને સમજાયું છે એની જ એમણે વાત કરી છે. નગીનભાઈ પાંદડે પહોંચવા મૂળથી શરૂ કરે છે. અભિનવનો રસવિચાર સમજવા માટે એ એની દાર્શનિક ભૂમિકા સુધી ગયેલા. દર્શનશાસ્ત્રના વિદ્વાનોનો સત્સંગ કરેલો. પોતે સંસ્કૃતના ખાસ જાણકાર નથી એમ કહે છે, પણ સંસ્કૃતના અધ્યાપકો પણ પોતાની શંકાનું નિવારણ કરવા આ ગ્રંથનું પ્રમાણ તપાસી શકે એમ છે. શ્રી રસિકલાલ છો. પરીખે પ્રસ્તાવનામાં કહ્યું છે કે સંસ્કૃતજ્ઞોને પણ અસાધ્ય એવું કાર્ય તેમણે કર્યું છે. એમની સ્પષ્ટ થવાની વિચારશકિત અને વિશદ રજૂઆત કરવાની નિરૂપણશકિત પર રસિકભાઈએ ખાસ ભાર મૂક્યો. ભારતીય કાવ્યશાસ્ત્ર પરનાં એમનાં સ્વતંત્ર લખાણો જેમાં ગ્રંથસ્થ થયાં છે એ ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ પુસ્તકને ૧૯૭૧નો સાહિત્ય અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. આ જાહેરાત થઈ ત્યારે હું આકાશવાણીના સમાચાર સાંભળી રહ્યો હતો. જાણ્યું એવો રિક્ષા કરીને ગયો. બીક હતી કે સવા નવ વાગ્યા છે તેથી ઊઘી ગયા હશે. જાગતા હતા પણ સમાચાર સાંભળ્યા ન હતા. મેં અભિનંદન આપ્યાં. પણ એથી ખાસ આનંદ ઊપસી આવ્યો નહીં. હું પણ વાત પૂરી થતાં, મારો આવેશ શમી જતાં, પાછો રિક્ષામાં બેસી ગયો. નગીનભાઈ હર્ષશોકથી તટસ્થ રહેવા ટેવાયા છે. જ્યાં એમણે અભિપ્રાય આપવાનો હોય ત્યાં પૂરતી કાળજી લેતા કે અલંકારરૂપે પણ અતિશયોકિત ન થાય. માત્ર સત્ય, નિ:શેષ અને નિર્ભેળ સત્ય: એ અપ્રિય હોય એનો પણ બાધ નથી. આગ્રહ છે સંપૂર્ણ સત્યનો. એની શકિતના પ્રતાપે, એ ટટ્ટાર બેસીને જવાન લેખકોથી પણ વધુ કલાક કામ કરતા. [‘સહરાની ભવ્યતા’ પુસ્તક: ૧૯૮૦]