સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/સસલીની જાત્રા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



સસલીબાઈએ સૂણ્યું કથામાં : જાત્રા કરવી જોઈએ,
નાનાંમોટાં સૌએ એક વાર કાશી જાવું જોઈએ!
મનમાં વાળી ગાંઠ : હવે હું ઘરડી ડોશી થઈ,
જાત્રા વિના મરું તો કહેશે મૂરખી મરી ગઈ!

માટે હવે તો જાત્રા કરવી, કાશી-ગોકુલ ફરવું,
પછી બધાની આંખો સામે ઘેર મજાથી મરવું!
સસલીબાઈએ ભાથું બાંધ્યું, બચકી લીધી સાથે,
ઘરનો બોજો નાખ્યો સઘળો પડોશીઓના માથે :

“કપિરાજ તું રોજે મારી ગાય દોહી જાજે, ભૈયા
ને બિલ્લી, મારાં માખણ-ઘી સાચવજે તું, મૈયા!…

ચકલીબાઈ, તું મારાં મોંઘાં રેશમી કપડાં જોજે,
મેલાં થાય તો તારી રૂડી ચાંચુડીથી ધોજે!…

શિયાળ ભૈયા, ઘરનો વાડો તમને સોંપી જઉં છું,
મરઘાંબતકાં માંદાં પડે તો જોજો, એટલું કહું છું.
મધમાખી, આ ફૂલની વાડી તમને સોંપી આખી,
ભઈલા રીંછ, મધપૂડાનું મધ જોઈ લેજે ચાખી!”…

સૌને આવાં કામ સોંપીને, સસલી જાત્રા ગઈ,
પડોશીઓ કહે : વાહ રે, આ તો મઝા ઘણેરી થઈ!
બિલ્લી ચાટે ઘી ને માખણ, રીંછ મધપૂડા પાડે;
વાંદરો ગાયનાં દૂધડાં પીએ, ચકલી કપડાં ફાડે!…

કબૂતરને ઘુવડની સાથે જામી પડી લડાઈ,
મધમાખીઓનું લશ્કર છૂટ્યું, રીંછ પર કરી ચડાઈ!…

અહીંયા આવું ચાલે છે, ત્યાં સસલી તીરથ કરતી,
ગંગાજીમાં લોટી ભરીને મહાદેવજીને ધરતી!

પ્રયાગમાં ત્રિવેણી-સંગમ, પુરીમાં દરિયે નહાઈ,
મથુરા જમના-પાન કર્યું, ગોવિંદજીના ગુણ ગાઈ!
વૃંદાવનમાં આળોટી ને વ્રજમાં ઘેલી થઈ,
પગે ચાલીને બદરી-કેદાર સૌથી પહેલી ગઈ!

પછી મુખેથી કીધી પ્રતિજ્ઞા અંજલિમાં જળ લઈ :
“પ્રભુ, મારાં ધનમાલ બધુંયે તમને દઉં છું દઈ!
છાપરા સાથે ઘર આખું, ને જે કંઈ હોય તે ધન,
આડોશીપડોશી બધુંયે દઈ દઉં, દઈ દઉં તન ને મન!

હાશ, હવે હળવીફુલ થઈ હું; ચાલને ઘેરે જાઉં,
પીઉં ગંગાજળ, ખાઉં ચરણામૃત, હરિહરના ગુણ ગાઉં!’
પૂરી કરી જાત્રા ઘર આવી, માથે મોટો ભારો,
તુલસી, ચંદન, ચરણામૃત ને ગંગાજળનો ઝારો!

પણ ક્યાં છે ઘર? ને ક્યાં છે વાડો? ક્યાં છે મધ ને ઘી?
અહીં તો ઈંટરોડાંનો ઢગલો-ક્યાં છે ધન ને શ્રી?
સસલી કહે : ‘તું ખરો પ્રભુ, મેં દીધું કે લઈ તેં લીધું,
અને ગરીબ આ ડોશીને તેં જાત્રાનું ફળ દીધું!

ધન્ય પ્રભુજી, ધન્ય પડોશી, ધન આ ઈંટ ને રોડાં,
હવે અહીં બંધાશે મારાં જાત્રા કેરાં ઘોડાં!
અઠે કાશી ને અઠે મથુરા અઠે પુરી ને ગંગા,
અઠે મુકામ કરું રોડાંમાં, અઠે રહો મન ચંગા!”

એમ કહી સસલીએ ભોંયે કામળો પાથરી દીધો,
પોટલામાંથી પરસાદ કાઢી સૌને બાંટી દીધો!
હરખી હરખીને એ બોલે : જાત્રા થઈ ગઈ ખાસ્સી!
પડોશીઓ કહે : વાહ રે માશી! વાહ મથુરા-કાશી!
[‘કાશીનો પંડિત’ પુસ્તક : ૧૯૫૯]