સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/પ્રતાપવંશી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અમારે એક મોતીભાઈ ડોસા હતા. ૧૯૩૦ની લડતમાં બીજા ઘણાને પકડયા, પણ એમને રાખી દીધા. એક દિવસ એ પત્રકા વાંચતાં પકડાયા. પોલીસવડાને એની વૃદ્ધાવસ્થા દેખી દયા આવી. એના પરનો ખટલો રોળી-ટોળી નાખવા માટે પૂછ્યું : “કેમ ડોસા, આ પત્રકા તો તમને કોઈએ મોકલી હતી ને?” ડોસાએ જવાબ દીધો : “શું કહો છો? મોકલે? કોઈક મને મોકલે? શી વાત કરો છો! હું તો રીતસર એનો ગ્રાહક છું. હું, સાહેબ, આજકાલનો નથી — ૧૯૨૨થી સત્યાગ્રહી છું.” એમ ગુનો કબૂલ કરી જેલમાં ગયેલા. બહાર આવ્યા પછી જમીનો તો ઝૂંટવાઈ ગયેલી. પોતે વૃદ્ધ ને જીર્ણ બનેલા. અમે એમને મદદ આપવા કહ્યું ત્યારે એ રોષ કરીને બોલી ઊઠેલા કે, “હું મદદ લઉં! હું પારકે પૈસે નિર્વાહ કરું! મને જાણો છો? હું તો રાણા પ્રતાપનો વંશજ છું!” દૈવ જાણે શાથી એમણે પોતાને પ્રતાપવંશી કહ્યા. પણ એ મોતી ડોસાની તદ્દન બેહાલી વચ્ચે પણ એમના આવા અરમાનથી એની કુલીનતા પ્રકાશી ઊઠી. એને ઘેર સારાવાળાએ કન્યા આપી, ને એની કન્યા સારાવાળાએ રાખી.