સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાળપણ ૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તે વખતે પાણીના નળ નહોતા. મહા-ફાગણ મહિનાઓમાં નોકરો કાવડમાં ગંગાનું પાણી વહી લાવતા. ભોંયતળિયાના અંધારા ઓરડાઓમાં હારબંધ મોટી મોટી કોઠીઓ ગોઠવેલી હતી, તેમાં આખા વરસનું પીવાનું પાણી ભરી રાખવામાં આવતું. ભોંયતળિયાના એ બધા અંધારા ઓરડાઓમાં છુપાઈને ઘર કરી રહેલાઓને કોણ નથી ઓળખતું? તમારો કોળિયો કરી જવા એમનાં મોં ફાટેલાં તૈયાર છે, એમની આંખો પેટ પર છે, એમના કાન સૂપડા જેવા છે, ને પગ અવળા છે! એ ભૂતિયા છાયાની પાસે થઈને જ્યારે હું ઘરની અંદરના ભાગમાં જતો, ત્યારે મારી છાતીમાં ફફડાટ થઈ જતો, અને મારા પગ ભયથી દોડવા માંડતા. તે જમાનામાં રસ્તાના કિનારે કિનારે બાંધેલાં નાળાંમાં ભરતી વખતે ગંગાનું પાણી આવતું. દાદાના વખતથી એ નાળાંના પાણી પર અમારા તળાવનો હક હતો. બારી ઉઘાડી નાખવામાં આવતી ત્યારે ખળખળ ખળખળ કરતું પાણી નદીની પેઠે વહેવા માંડતું અને બધે ફીણફીણ થઈ જતું. માછલાં જાણે ઊલટી બાજુએ તરવાની કસરત કરી દેખાડતાં. હું દક્ષિણ તરફના વરંડાનો કઠેડો પકડીને આભો બની જોઈ રહેતો. છેવટે એ તળાવનો કાળ પણ પૂરો થવા આવ્યો. એની અંદર ગાડાં ને ગાડાં કચરો ઠલવાવા માંડયો. તળાવ બંધ થતાં જ ગામડાગામનો લીલું પ્રતિબિંબ ઝીલતો આયનો જાણે કે ચાલી ગયો. (અનુ. રમણલાલ સોની)