સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાળપણ ૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એ જમાનામાં મોટા-નાનાની વચ્ચે જા-આવનો પુલ નહોતો. પરંતુ એ બધા જૂના કાયદાઓની અંદર જ્યોતિદાદા એકદમ નિર્મલ નૂતન મન લઈને આવ્યા હતા. હું એમના કરતાં બાર વરસ નાનો હતો. ઉંમરનું આટલું અંતર છતાં હું એમની નજરે પડયો હતો એ નવાઈની વાત છે. બીજી નવાઈની વાત એ છે કે એમની સાથે વાત કરતાં ‘નાના મોઢે મોટી વાત!’ કહી કદી પણ તેમણે મારું મોં બંધ કર્યું નથી, તેથી કંઈ પણ વાત કરતાં મને કદી સંકોચ થયો નથી. આજે છોકરાઓની વચ્ચે જ હું રહું છું. તેમની સાથે કંઈ કંઈ વાતો કાઢું છું, પણ જોઉં છું તો એમનાં મોં બંધ હોય છે. પૂછતાં એમને સંકોચ થાય છે. એ જોઈને હું સમજી જાઉં છું કે આ લોકો બધા પેલા બુઢ્ઢાઓના જમાનાના છોકરાઓ છે — જે જમાનામાં મોટાઓ બોલ્યા કરતા અને નાનાઓ મૂંગા મૂંગા સાંભળી રહેતા. (અનુ. રમણલાલ સોની)