સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાળપણ ૪
એક દિવસ મેં જોયું તો મારા મોટા ભાઈ સૌમેન્દ્રનાથ અને મારાથી ઉંમરમાં મોટો મારો ભાણેજ સત્ય નિશાળે જાય છે, પરંતુ મને નિશાળે જવાને યોગ્ય ગણવામાં આવ્યો નથી. મોટેથી રડવા સિવાય મારી યોગ્યતા જાહેર કરવાનો બીજો કોઈ ઉપાય મારા હાથમાં નહોતો. આ પહેલાં હું કદી ગાડીમાં યે બેઠો નહોતો, કે ઘરમાંથી બહાર પણ નીકળ્યો નહોતો; તેથી સત્ય જ્યારે નિશાળેથી આવીને નિશાળે જવાના રસ્તાનો પોતાનો ભ્રમણવૃત્તાંત લાંબોચોડો કરીને ભભકાદાર સ્વરૂપમાં રોજ મારી આગળ રજૂ કરવા લાગ્યો, ત્યારે મારું મન કેમે કરી ઘરમાં ટકવાની ના જ પાડવા લાગ્યું. મારા શિક્ષકે મારા મોહનો વિનાશ કરવા માટે પ્રબળ ચપેટાઘાત સાથે આ સારગર્ભ વાણી ઉચ્ચારી હતી : ‘આજે તું નિશાળે જવા માટે રડે છે, પણ એક વખત નહિ જવા માટે તું આના કરતાં યે વધારે રડવાનો છે.’
(અનુ. રમણલાલ સોની)