સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/પ્રાર્થનામાં વિવેક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્નાન, ભોજન અને નિદ્રા એ ત્રણેયની જે ખૂબીઓ છે, તે પ્રાર્થનામાં છે. ઊઘથી શરીરને આરામ અને ઉત્સાહ મળે છે, એવી રીતે પ્રાર્થનાથી મનને આરામ અને ઉત્સાહ મળે છે. ભોજનથી શરીરનું પોષણ થાય છે; પ્રાર્થનાથી મનનું પોષણ થાય છે. સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે, તો મનની શુદ્ધિ પ્રાર્થનાથી થાય છે. શરીર રોજ મેલું થાય છે, તેથી તેને રોજ સ્નાન કરાવવું પડે છે. એવી જ રીતે મનને પણ રોજ સાફ રાખવું પડે છે અને મનને માટે ઉત્તમ સ્નાન પ્રાર્થના છે. સર્વોત્તમ પ્રાર્થના મૌન છે. તેમ છતાં માણસને ઈશ્વરે જીભ આપી છે, તેથી માણસ જીભનોયે ઉપયોગ કરી લે છે. ‘કુરાન’ હોય કે ‘બાઇબલ’ હોય, ‘ગીતા’ હોય કે સંતજનોનાં ભજન હોય—તેનો આપણે પ્રાર્થનામાં ઉપયોગ કરીએ છીએ. આપણી ભાવના પ્રગટ કરવા માટે આપણે સંતોની વાણીનો, ધર્મગ્રંથો વગેરેનો સહારો લઈએ છીએ. એ બધી વાણી વરસોથી ઘૂંટાતી આવી છે, અને તેથી તેમાં તાકાત છે. ‘મર્દનં ગુણવર્ધનમ્.’ વરસોથી ઘૂંટાતી આવી હોવાને કારણે તે વાણીની પોટેન્સી ઘણી વધી ગઈ હોય છે. એ વાણીનો મર્મ આપણામાં આત્મસાત્ થતો રહેવો જોઈએ. પ્રાર્થના પોપટપાઠ જેવી ન બનવી જોઈએ. જે પ્રાર્થના બોલાય, જે ભજનો વગેરે ગવાય, તેનું અર્થ-ચિંતન પણ ચાલતું રહેવું જોઈએ. અર્થ-ચિંતનની સાથોસાથ તેનો જીવનમાં અમલ કરવાની કોશિશ પણ સતત ચાલતી રહેવી જોઈએ. આમ થાય છે, ત્યારે જ પ્રાર્થનાની શકિતનોયે આપણને અનુભવ થાય છે. બીજી એક વાત તરફ પણ આપણું ધ્યાન જવું જોઈએ. પ્રાર્થનામાં આપણે જે ભજનો ગાતા હોઈએ છીએ, તેના અર્થનીયે બારીક પરીક્ષા અને છણાવટ થવી જોઈએ. સામાન્ય રીતે આજે જે ભજનો રૂઢ થઈ ગયાં છે, તે બધાં અનુભવની તેમજ વિચારની કસોટીએ ખરાં જ ઊતરે છે, એવું નથી. દાખલા તરીકે, કબીરના ભજનમાં આવે છે કે ‘યા જગ મેં કોઈ નહીં અપના’. આ વિચાર આપણા સમાજમાં બહુ ફેલાઈ ગયો છે. ખરું જોતાં, આ એક સંકુચિત ને સ્વાર્થી વલણ છે. ભલે ને આ બધાં ભજનો કોઈ ને કોઈ સંત પુરુષનાં હોય, છતાં વિવેકપૂર્વક પસંદગી કરવાનું કામ આપણું છે. વૈરાગ્યની ખોટી વ્યાખ્યા, પરમાર્થનો ખોટો અર્થ, દુર્બળ નિષ્ક્રિયતા, ચિંતન માટે પ્રતિકૂળ એવાં ઈશ્વરનાં વ્યર્થ વિશેષણો વગેરે કેટલીયે ખોટી બાબતો આપણા લોકોમાં રૂઢ થઈ ગઈ છે. તે બધી બાબતોનું સંશોધન થાય, તે જરૂરી છે. [‘વિજ્ઞાન—અધ્યાત્મ’ પુસ્તક: ૨૦૦૪]