સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/સ્વપ્નોથી સજાવેલી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અમે સૌ તે દિવસે એક નાતે બંધાયાં હતાં. એ નાતો દેશનો ન હતો, ધર્મનો પણ નહીં, ભાષાનો પણ નહીં. એ સંબંધ લોહીનો ન હતો, એ સંબંધ હતો સૂરનો, એ નાતો હતો એક જમાનાનો જે હજી જાણે ગઈકાલે જીવતો હતો—૧૯૩૦-૪૦નો—જ્યારે સાયગલ અને પંકજ, કાનન અને જમુનાનાં નામનું જાદુ હતું. એ જાદુ, એ સંમોહન જાણે પાછું છવાઈ ગયું હતું તે દિવસે. ભારતીય વિદ્યા ભવનમાં દસમી એપ્રિલે અજિત [શેઠ] અને નિરુપમાએ પંકજકુમારની યાદ સજીવ કરી હતી ‘પંકજ પ્રણામ’ના કાર્યક્રમ દ્વારા. જ્યારે કોઈ માણસ વૃદ્ધ થાય છે ત્યારે એક સુંદર જમાનો અતીતની માયા રૂપે જ રહી જાય. ત્યારે “ગુજર ગયા વો જમાના કૈસા...” એ ગીત કોણ ગાતું નહીં હોય? એ શબ્દો સાંભળીને જ મન કેટલાં બધાં વરસો પાછળ સરી પડ્યું! કેટકેટલી સ્મૃતિ, કેટલાં આંસુ, કેવાં સુખદુ:ખ, આશા-નિરાશા? એ ક્ષણમાં આંખ આગળ કેટકેટલાં ચિત્રો તરી રહ્યાં! ત્રીસ વરસ પછી આજે પણ સાયગલના પેલા મશહૂર ગીત “કિસને યહ સબ ખેલ રચાયા, કિસને યહ સબ સાજ સજાયા...?” માં પૂછેલા પ્રશ્નનો જવાબ નથી મળ્યો. આજે પણ પૂછ્યા કરું છું... આ અસબાબ, આ માયા, આ આકાશ, પૃથ્વી બનાવીને એનો રચનારો ક્યાં સંતાઈ ગયો છે? શા માટે નજરની સામે દર્શન નથી આપતો? શા માટે જાતને છુપાવી રાખે છે? શા માટે તલસાવે છે? તો પંકજના બીજા ગીતનો જવાબ પણ હજી ક્યાં મળ્યો છે? “કૌન દેશ હૈ જાના, બાબુ... ખડેખડે ક્યા સોચ રહા હૈ...?” સાચ્ચે જ વર્ષોથી વિચાર કરું છું! આજે પણ આ ગીત સાંભળી અસ્વસ્થ થઈ જાઉં છું. ક્યાં જવાનું છે એની ખબર નથી, તો ક્યાંથી આવ્યા એની પણ ક્યાં ભાળ છે? જે ધબકે છે તે પ્રાણ આ ધરતી પર, આજે... ક્યાંથી આવશે... ક્યાં જશે? રહસ્યનો તાગ મારી પાસે નથી. તમારી પાસે છે? તે દિવસોમાં જેમણે પ્રેમ કર્યો હોય ને “યાદ આયે કે ન આયે તુમ્હારી, મૈં તુમકો ભૂલ ન જાઉં” ગીત નહીં ગાયું હોય એવું બને? તો કોલેજના ચાલુ પિરિયડે પણ “પ્રાણ ચાહે નૈન ન ચાહે...” ગુંજ્યા કરતું હતું તે આજે પણ યાદ છે. ‘કાશીનાથ’નું પેલું ગીત યાદ છે?—“ઓ બનકે પંછી તુમ કિસ ઔર સિધાયે?” સોનાના પિંજરાની માયા મૂકી પંખી ઊડી જાય ત્યારે દુ:ખ થાય છે, એને પાછું બોલાવવાનું મન થાય છે, પણ એક વખત ઊડી ગયેલું પંખી પાછું પિંજરાની માયામાં પુરાવા આવે ખરું? અને આ પંખી ક્યારેક માણસનું પણ રૂપ ધારણ કરે ને? તો તે જમાનામાં કઈ વિરહિણીએ “મન મોહન મુખડા મોડ ગયે, ઔર બસે બિદેશમેં જાય”—એ ગીત નહીં ગાયું હોય? એમાં એક વેદના હતી, જે આજે પણ હૃદયને અસ્વસ્થ કરે છે. ત્યારે સંગીત હતું બોરાલ સાહેબ અને પંકજબાબુનું... કેટલું સૌમ્ય, કેટલું મોહક! તો દુ:ખના દિવસોમાં આજે પણ ‘ડોક્ટર’ ફિલ્મનું “કબ તક નિરાશ કી... અંધિયારી...” અને ‘દુશ્મન’ ફિલ્મનું “કરું ક્યા આશ નિરાશ ભઈ” હોઠ પર આવી જાય છે. એ ગીતો દુ:ખને દૂર તો નથી કરતાં, પણ મનને સૂરના મધુર આશ્વાસને, સુંદર લયે આધાર તો આપે જ છે! કાર્યક્રમના અંતે “દુનિયા રંગ રંગીલી...” એ ગીત બધાંની તાળી સાથે ગવાયું—એ દૃશ્ય ભૂલી નહીં શકાય. મોટી ઉંમરે પહોંચેલા, ભદ્ર, બાબુલોક કોલેજના વિદ્યાર્થીની જેમ તાળી પાડી—સંકોચ ભૂલી—ગીત ગાવા બેસી જાય એ નાનીસૂની ઘટના નથી! (એ રોજ થતું હોય તો?) ત્યારે જાણે એક જમાનો તાલ મેળવી એકસાથે ગાતો હતો—તલ્લીન થઈને: “આ દુનિયા પણ સુંદર છે... રહેવા જેવી છે... અહીં દરેક ડાળી પર જાદુ છે.” એ જાદુ જોવા માટે શિશુની આંખ જોઈએ એટલું જ...! કમનસીબે એ શિશુ પચ્ચીસમે વરસે બેહોશ થઈ જાય છે. તે દિવસે સાંજે એ શિશુ જાણે પાછો જાગી ઊઠ્યો હતો, એની આંખ ભરાઈ આવી હતી, હૃદય આનંદથી નાચી ઊઠ્યું હતું. અજિતભાઈ, જીવનની એક સાંજને અતીતનાં સ્વપ્નોથી સુંદર બનાવવા અભિનંદન આપું? કવિતા કૃષ્ણમૂર્તિ કે ચંદ્ર આત્મા કે પછી ડેવિડ-પરિવાર સૌ પોતપોતાના સૂરની સાથે કેટલે દૂર લઈ ગયા, કેટલાં વરસો પાછળ? કોઈ આંખ ભીની કરાવે તો તેનો પણ આભાર માનવાનું મન થાય છે—જ્યારે એ આંસુ સુખનાં હોય છે! જીવનમાં આવી ક્ષણો અવારનવાર નથી આવતી. એટલે જ એ સાંજ ભુલાશે નહીં... વરસો સુધી! [‘જનશકિત’ દૈનિક: ૧૯૭૮]