સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિમલા ઠકાર/તરણોપાય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માણસમાં મૂળભૂત સારપ છે, સદ્ગુણ પ્રત્યે નિષ્ઠા છે, તે સદ્વૃત્તિના પાયા પર સમાજરચના કરવાની છે. માનવ-માનસ હજુ એવું ને એવું જ ભૂતકાળના બંધનથી જકડાયેલું છે. માનસિક પરિવર્તન એ આજની સૌથી મોટી પાયાની જરૂરિયાત છે. સમાજ માનવતાનિષ્ઠ બને એવું પરિવર્તન લાવવાની જરૂર છે. જીવનનાં સઘળાં ક્ષેત્રોમાં જનશિક્ષણ, જનજાગરણ દ્વારા શુભ સંસ્કારના સંચિનનું આંદોલન ચલાવવું એ જ તરણોપાય છે. ન ધામિર્કવાદ, ન સંપ્રદાયવાદ, ન વૈચારિકવાદ, ન આધ્યાત્મિકવાદ-એવા અનાગ્રહી ચિત્તવાળા માનવતાના ઉપાસકોની આજે જરૂર છે. જેને નેતા બનવું નથી, પણ જીવનસાધક બનીને દેશને કાજે જીવન ખરચી નાખવું છે, એવી જમાત આપણે ખડી કરવી છે. હજારો લોકને પ્રવચનોમાં જતાં હું જોઉં છું, મંદિર-મસ્જિદોમાં જતાં જોઉં છું, તો હું ભીતર ને ભીતર કંપી ઊઠું છું. મોટાંમોટાં આધ્યાત્મિક પ્રવચનોમાં, સત્સંગો અને શિબિરોમાં જઈને હજારો લોકો બેસે છે. આધ્યાત્મિક જિજ્ઞાસા પણ જો જમાનાની એક ફૅશન બની રહે, અસંસ્કારી ને ધંધાદારી પ્રવૃત્તિ બની રહે, તો પછી દુખનો કોઈ અંત નહીં રહે. સારી વ્યક્તિને જોવી, એના સારા સારા વિચારો સાંભળવા, ત્યાં જ જો અટકી જવાનું હોય તો તો સમાજમાં એક નવા પ્રકારનો દંભ ફેલાય છે. [‘અધ્યાત્મની અગ્નિશિખા’ પુસ્તક]