સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેદ મહેતા/વૈતરું
મેં સાહિત્યકૃતિઓ લખી છે, તે છતાં મારી જાતને હું પત્રકાર ગણું છું, કારણ કે મારો મુખ્ય રસ માનવીઓમાં અને તેમની પર પડતી બનાવોની અસરમાં છે. સવારના ૯ વાગ્યે હું મારા કામે ચડી જાઉં છું અને, બપોરે ભોજન માટેના એક કલાકના ગાળાને બાદ કરતાં, રાતના ૮ સુધી સતત કામ ચાલુ રાખું છું — વાચન, સંશોધન અને લેખન. બરાબર સુયોગ્ય શબ્દની, શબ્દોના ઉત્તમોત્તમ સમૂહની ખોજ સતત ચાલ્યા કરે છે. હું તો વૈતરું કરનારો છું. ઘડિયાળના કાંટા સામે જોઈને હું લખું છું. પ્રેરણાની વાટ જોતો હું બેસી રહ્યો હોત તો કશું કામ થયું ન હોત. લેખનની પ્રત્યક્ષ ક્રિયામાં આનંદ છે, પરંતુ તે પૂર્વે જે બધાંમાંથી પસાર થવું પડે છે તે એક યાતના છે. લેખકને જે ટકાવી રાખે છે તે છે લખાયેલા શબ્દની શક્તિમાંની શ્રદ્ધા.