સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિરીષ કણેકર/બાબુલ મોરા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તમને સૌથી વધુ ગમતું ગીત કયું, એ તમે કહી શકશો? હું તો નહીં કહી શકું. સો-સવાસો નામ આપવાં પડે. તોપણ આપણને સૌથી વધુ ગમતું ગીત રહી જ ગયું, એવી શંકા મનમાં થયા કરશે. પણ સૌથી લાડકું ગીત ગમે તે હોય, મારા કાનમાં તો હંમેશાં ‘બાબુલ મોરા’ ગુંજવા માંડે છે. ગળા પર તલવાર મૂકીને પસંદગી કરવાનું મને કોઈ કહે તો ક્ષણનોયે વિલંબ કર્યા વગર હું ‘બાબુલ મોરા’ કહી દઉં : ચિત્રપટ ‘સ્ટ્રીટ સિંગર’, સંગીત આર. સી. બોરાલ, ગાયક કુંદનલાલ સાયગલ! વાજિદ અલી શાહ સંગીત નૃત્યાદિ કલાઓમાં ખોવાઈ ગયેલો. અંગ્રેજનો માંડલિક રાજા. તેને પદચ્યુત કરવા માટે ગોરો સાહેબ મહેફિલરૂપી દરબારમાં આવ્યો. ત્યારે દુઃખથી કાળજું છિન્નભિન્ન થયેલા વાજિદ અલીએ ‘બાબુલ મોરા’ ગાયાની દંતકથા છે. ઉપર ઉપરથી જુઓ તો એ સાસરે જતી નવોઢાનો વ્યાકુળ પોકાર છે. તેનું પિયર છૂટે છે, પણ પગ ઊપડતો નથી. ઘર સામેનું આંગણું તેને પર્વત સમાન લાગે છે. આંગણું તો દૂર રહ્યું, ઘરનો ઉંબરો તેને પરદેશ લાગે છે. રાજ્ય જેને છોડવું પડેલું તે વાજિદ અલીના લોહીલુહાણ કાળજાની ‘બાબુલ મોરા’ ચીસ છે. આ વ્યથા, આ કારુણ્ય, આ શૂળ જીવંત જ નહીં, પણ અમર કર્યાં બોરાલના સંગીતે અને સાયગલના અવાજે! સાયગલના અવાજનું એકદમ બરાબર વર્ણન કરી શકે એવા શબ્દો ક્યાંક હશે, તોયે એ મને મળ્યા નથી. ‘ખુદા કી દેન’, એમ આકાશ તરફ જોઈને સાયગલના કુદરતી અવાજ વિષે કહેવાય છે. ‘આફતાબ-એ-મૌસિકી’ ઉસ્તાદ ફૈયાજ ખાન સાયગલ વિષે કહે છે, “ખુદા કી દેન શબ્દોથી છેતરાશો નહીં. જેની પર મહેરબાની કરવી હોય તેની પાસે પહેલાં તો તે લોહીનું પાણી કરે એવી તનતોડ મહેનત કરાવે છે. અને પછી સફળતા મળે તેનું શ્રેય પોતે લે છે.” પેટી હાથમાં લીધા વગર સાયગલ ગાતો નહીં. ‘શાહજહાન’ના રેકડિર્ંગમાં પેટીના સૂર આવે નહીં, તે માટે નૌશાદની સૂચનાથી સાયગલ ‘સ્ટોપર’ લગાડવા તૈયાર થયો; પણ હાથમાંથી પેટી તેણે છોડી નહીં કે તેની પર આંગળીઓ ફેરવવાનું અટકાવ્યું નહીં. “પેટી હોય તો સૂર મારા હાથમાં છે, એવું મને લાગે છે,” એમ તે કહેતો. પાગલ! સપ્તસૂર તેના કંઠમાં હતા; એ નિર્જીવ લાકડાના ખોખામાં શું હતું? દારૂ પીધા વગર પોતે ગાઈ શકતો નથી, એમ પણ તેના મનમાં બેસી ગયું હતું. રેકડિર્ંગના દરેક ‘ટેક’ પહેલાં ડ્રઇવર જોસેફના નામનો પોકાર થતો. એ અદબથી પીણાનો ગ્લાસ ધરતો. સાયગલ મદિરાને ‘કાલી પાંચ’ કહેતો. સ્વરયંત્રને બાળતો ‘કાલી પાંચ’ અંદર જાય એટલે ગાવામાં નશો ઊતરે એવો તેને ભ્રમ હતો. એક વાર નૌશાદે તેને કહ્યું, “માફ કીજિયે સાયગલસાહબ, છોટે મુંહ બડી બાત. તો ઇતને દિન હમ જિસ ગાને કે દીવાને થે, વો આપ નહીં, આપ કી ‘કાલી પાંચ’ ગા રહી થી! જે કોઈ મિત્રોએ આ તમારા મનમાં ભર્યું છે તેઓ મિત્ર નહીં તમારા શત્રુ છે. બસ, ઇતના જાન લો.” સાયગલ એ સમજે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. બધું પૂરું થયું હતું. ‘કાલી પાંચ’ લેતાં પહેલાંનો ‘જબ દિલ હી ટૂટ ગયા’નો પ્રથમ ‘ટેક’ પછીના બધા ‘ટેક્સ’ કરતાં સારો હતો, એ તેણે માન્ય કર્યું હતું. એ જ ચિત્રપટમાં તેના કંઠે એક ગીત હતું-‘ચાહ બરબાદ કરેગી હમે માલૂમ ન થા…’ ‘તાનસેન’માં તાની છૂટા પડતી વખતે અસ્સલ રાગદારીથી લાડથી ગાય છે, ત્યારે મંત્રમુગ્ધ થયેલી ગાયભેંસો દોડતી આવે છે. તાનસેન તેને શુદ્ધ રાગ કેવો હોય છે તે સમજાવે છે. તાની હસીને વાત ઉડાડી દે છે. ઘરે ગયા પછી તાનસેનને એકાએક લાગે છે કે મૂંગાં જનાવરોને પશુત્વ ભુલવાડી દે તે ખરું ગાન; ફક્ત રાગ અને રાગિણીના નિયમોનું ચુસ્તપણે પાલન એટલે ગાન નહીં! તેથી જ સાયગલ ‘યમન’ ‘(રાધે રાની દે ડાલો ના’ : ‘પૂરન ભગત’) ગાય છે, કે ‘ખમાજ’ ‘(લાખ સહી પીકી પતિયાઁ : ‘ખાસગી’) ગાય છે, કે તેની લાડકી ‘ભૈરવી’ ‘(હૈરતે નજારા’ : ‘કારવાન-એ-હયાત’) ગાય છે, ત્યારે તે કેવળ રાગનો વિસ્તાર નથી હોતો, શાસ્ત્રનો આલેખ નથી હોતો. તેમાં સાયગલનો આત્મા હોય છે. ‘સોજા મીઠે સપને આયે’ કે ‘જબ ના કિસી ને રાહ સુઝાયી’ કે ‘તૂ તો નહીં નાદાન’ કે ‘મન પૂછ રહા હૈ અબ મુઝ સે’ વગેરે ગીતોની પંક્તિઓમાં સાયગલે જીવ રેડ્યો છે. ‘તાનસેન’માં દેખાડ્યો છે એ સંગીત-ચમત્કાર કોઈ પણ કાળમાં અસંભવ લાગે એવો જ છે. પણ ખેમચંદ પ્રકાશના સંગીતમાં સાયગલનો અવાજ ભળે છે, ત્યારે સંભવ-અસંભવની શૃંખલા તૂટી જાય છે. તે ‘સપ્ત સુરન તીન ગ્રામ’ ગાય છે ને અમસ્તાં જ પડેલાં વાદ્યો આપમેળે વાગવા માંડે છે. જોઈએ તો લાગે છે કે આવો ગાનારો હોય તો કેમ ન વાગે? તે ‘બાગ લગા હૂં સજની’ ગાય છે અને નિષ્પર્ણ વૃક્ષવેલીઓ ફૂલપાંદડાંથી ખીલી ઊઠે છે અને ઉજ્જડ જગા નંદનવન બને છે. જોઈએ તો લાગે કે એકદમ શક્ય છે. તે ‘રૂમઝૂમ રૂમઝૂમ ચાલ તિહારી’ ગાય છે અને પાગલ થયેલો મદોન્મત્ત હાથી શાંત થાય છે. જોઈએ તો લાગે કે ગાનારો આ કક્ષાનો હોય તો કેમ શાંત ન થાય? તે ‘ઝગમગ ઝગમગ દિયા જલાવ’ ગાય છે અને મહેલના દીવા પેટે છે. જોતાં લાગે કે દીવા નક્કી પેટી શકે; ફક્ત ‘દીપ’ રાગ ગાનાર સાયગલ જોઈએ. સાયગલની બરોબરીની ઉષ્માસભરતા બીજા કોઈ જ પુરુષી અવાજમાં નહીં મળે. ‘મધુકર શ્યામ હમારે ચોર’ ‘(ભક્ત સુરદાસ’), ‘ઇક બંગલા બને ન્યારા’ ‘(પ્રેસિડેન્ટ’), ‘જો બીત ચૂકી સો’ ‘(પૂજારન’), ‘છુપો ના છુપો ના’ ‘(મેરી બહન’), ‘કાહે ગુમાન કરે’ ‘(તાનસેન’) વગેરે કેટલાંયે ગીતોમાં આ ઉષ્માસભરતા પદેપદે અનુભવાય છે. મારા મતે ઉષ્માસભરતાનું સર્વોત્તમ ઉદાહરણ એટલે ‘પ્રેસિડેન્ટ’નું ‘એક રાજે કા બેટા લેકર ઊડનેવાલા ઘોડા’. એ ગીત પૂરું થતાં એ કહે છે, “અચ્છા બચ્ચોં, અગર તુમ્હેં વો શહેજાદી મિલ જાય તો ઉસકે સાથ ખેલોગે? વો બચ્ચોંકો બડી ઉમદા ઉમદા ચીજે ખિલાતી હૈ, કહો હાઁ…” શરૂઆતના સમયમાં, પોતે ગુરુ-શિષ્યપરંપરાના ઘરાણાની ગાયકી શીખ્યો નથી એનો સાયગલને ખેદ થતો હશે. આવી જ મન :સ્થિતિમાં એક વાર તે ઉસ્તાદ ફૈયાજ ખાન પાસે કંઠી બંધાવવા ગયો. ખાનસાહેબે તેને ગાઈ દેખાડવા કહ્યું. સાયગલે ‘દરબારી’ રાગમાં ખ્યાલ ગાયો. તે સાંભળીને ફૈયાજ ખાન બોલ્યા, “બેટા, તને વધુ મોટો ગાયક બનાવવા માટે શીખવવા જેવું મારી પાસે કાંઈ નથી. તું ગાતો રહે.” સાયગલે, તે સાયગલ થયો તે પહેલાં, રેલવેમાં ક્લાર્ક તરીકે, હોટેલ-મૅનેજર તરીકે, ટાઇપરાઇટર મિકેનિક તરીકે અને રેમિંગ્ટન ટાઇપરાઇટર કંપનીમાં વિક્રેતા તરીકે નોકરી કરી. તેની પર એક વાર ચોરીનું આળ પણ આવ્યું હતું. પાસા પાડવાની ગરજ વગરનો આ સ્વયંભૂ હીરો આર. સી. બોરાલને સાંપડ્યો. ન્યૂ થિયેટર્સના ‘ઓડિશન’ રૂમમાં બોરાલે સાયગલના અવાજની ચકાસણી કરી. સાયગલે પહેલાં ભજન, પછી ખ્યાલ અને છેવટે ગઝલ ગાઈ. પેલી તરફ મેકઅપ કરી રહેલા અંધ કે. સી. ડેના કાને સાયગલનો અવાજ પડ્યો. તે રોમાંચિત થયો. અથડાતોટિચાતો તે ‘ઓડિશન રૂમ’માં આવ્યો. ફંફોસીને તેણે સાયગલનું મસ્તક શોધ્યું અને અઢળક આશીર્વાદ આપ્યા. ન્યૂ થિયેટર્સના ‘મુહબ્બત કે આંસુ’, ‘સુબહ કે સિતારે’ અને ‘જિંદા લાશ’માં તેણે કામ કર્યું ને ગાયું પણ ખરું. પણ આ ત્રણે ચિત્રપટો સાવ નિષ્ફળ ગયાં. તે પછી બંગાળી ‘દેવદાસ’માં તેને બે ગીતો પડદા પર ગાવા મળ્યાં ને સાયગલ બંગાળીમાં ઘરેઘરે પહોંચ્યો. ન્યૂ થિયેટર્સના ધુરંધરોને બે બાબતો સમજાઈ, કે સાયગલ ગાય છે તો સારું જ પણ પડદા પર દેખાય છેય સારો અને તેને ભૂમિકા આપીને બંગાળી અને હિંદી બંને ભાષામાં ચિત્રપટ કાઢવાં શક્ય છે. પ્રથમેશ બારુઆની જગાએ સાયગલને લઈને હિંદી ‘દેવદાસ’ આવ્યું અને સાયગલ ‘નૅશનલ હીરો’ બન્યો. નિષ્ફળ પ્રેમની ‘ગ્લૅમર’ અનુભવાય એટલો સાયગલની ભૂમિકામાં ‘દેવદાસ’નો યુવાન વર્ગ પર પ્રભાવ પડ્યો. ‘બાલમ આયે બસો મેરે મન મેં’ અને ‘દુઃખ કે અબ દિન બીતત નાહીં’ એ ‘દેવદાસ’નાં તેનાં ગીતો જાણે રાષ્ટ્રગીતો થયાં! પછી ન્યૂ થિયેટર્સમાં તેણે ‘પૂરન ભગત’, ‘ચંડીદાસ’, ‘કરોડપતિ’, ‘જિંદગી’, ‘પ્રેસિડેન્ટ’, ‘સ્ટ્રીટ સિંગર’, ‘દુશ્મન’ અને ‘કારવાન-એ-હયાત’માં કામ કર્યું અને ગીતો પણ ગાયાં. ‘ન્યૂ થિયેટર્સ’માં દશ વર્ષ કાઢ્યા પછી ૧૯૪૧ની સાલમાં સાયગલ કલકત્તાથી મુંબઈ આવ્યો ને અહીં તેણે ‘ભક્ત સુરદાસ’, ‘તાનસેન’, ‘ભંવરા’, ‘તદબીર’, ‘ઉમર ખય્યામ’, ‘શાહજહાન’ અને ‘પરવાના’માં કામ કર્યું. સાયગલમાં રહેલા ગાયકે તેનામાં રહેલા અભિનેતાને હંમેશાં પાછળ ધકેલ્યો, એના ખૂબ જ લોકપ્રિય થયેલા ‘દેવદાસ’માં પણ તેનો ચહેરો હીરોનો નહોતો. ‘સ્ટ્રીટ સિંગર’ વખતે જ તેને લગભગ સંપૂર્ણ તાલ પડી હતી. તે વિગ પહેરીને પ્રસંગ સાચવી લેતો. મુદ્રાભિનય પર તેનો વિશેષ આધાર નહોતો. તેની સંવાદક્ષમતા તેના ગીતની જેમ જ સહજસુંદર ને નૈસગિર્ક હતી. ‘તાનસેન’માં તે અને ખુશિર્દ બોલવા માંડે ત્યારે ચિત્રપટ ૧૯૪૩ની સાલનું છે એ સાચું લાગે નહીં. જિંદગી આખી મુંબઈમાં કાઢવા છતાં મહંમદ રફીને મુંબઈના મુખ્ય રસ્તાનીયે ખબર નહોતી. ડ્રાઇવર લઈ જાય તેમ જવાનું. ગાવા સાથે કામ. સાયગલ પણ આમ જ અનેક બાબતોમાં અજાણ હતો. એક વાર તે શૂટંગિ માટે આવ્યો નહીં તેથી તેને શોધવા લોકો ગયા. જુએ છે તો સાયગલ દાદરના ખોદાદાદ સર્કલ પાસે એક થાંભલાને અઢેલીને રડમસ ઊભેલો! “શું થયું, સાયગલસા’બ?” “મને રસ્તો જ મળતો નહોતો,” આ જવાબ! સાયગલ દંતકથા થયો તેથી તેની આસપાસ ખરીખોટી અતિરંજિત દંતકથાઓ ઊભરાય એ સ્વાભાવિક છે. આ એક તપાસીને ખાતરી કરેલો પ્રસિદ્ધ પણ ખરો કિસ્સો છે : ઉદ્યોગપતિ સિંઘાનિયાના ઘરે લગ્ન કે કંઈક બીજો ઉત્સવ હતો. પચ્ચીસ હજાર રૂપિયા માનધન નક્કી કરીને તેમણે સાયગલનાં ગીતોનો કાર્યક્રમ રાખ્યો હતો. ૧૯૪૨ની સાલના તે પચ્ચીસ હજાર રૂપિયા! કારદાર સ્ટુડિયોનો ગણપત નામનો એક કામગાર દીકરીનાં લગ્નની કંકોતરી લઈને આવ્યો ને એણે હાથ જોડીને સાયગલને કહ્યું : “તમે બહુ મોટા લોકો. અમો ગરીબોના ઘરે શાના આવો? પણ આવશો તો હું જિંદગીભર નહીં ભૂલું.” સિંઘાનિયા અને ગણપતનાં ઘરમાં લગ્ન એક જ દિવસે હતાં. પચ્ચીસ હજાર પર પાણી ફેરવીને સાયગલ ગણપતને ત્યાં ગયો. એટલું જ નહીં પણ ગણપતના ઘરમાં જમીન પર બેઠક જમાવીને ‘બાબુલ મોરા’ ગાયું. દેવદાસે પાર્વતીને વચન આપ્યું હોય છે કે, મરતાં પહેલાં એક વાર તને જરૂર મળી જઈશ. તે પ્રમાણે તે પ્રાણ છોડવા માટે જ માણિકપુર જાય છે. સાયગલ આવા જ અનામી ખેંચાણથી જાલંધર ગયો. કારદારની પાછળ પડીને તેણે ‘શાહજહાન’ ઉતાવળે પૂરું કરાવ્યું. જાણે ત્યાં તેની મૃત્યુ સાથે અપોઇન્ટમેન્ટ હતી અને ગમે તે થાય તોયે એને તે ચૂકવી નહોતી. નાનપણથી થયેલો ડાયાબિટીસ તેને ગ્રસી ગયો. દારૂએ પોતાની કિંમત પૂરેપૂરી વસૂલ કરી. તેની સાથે પાંચ ડોક્ટર હતા, પણ કોઈ કાંઈ કરી શક્યું નહીં. સાયગલે અપોઇન્ટમેન્ટ જાળવી. ૧૮ જાન્યુઆરી, ૧૯૪૬નો એ દિવસ હતો. બેંતાળીસમા વર્ષે અમર સૂર પંચત્વમાં વિલીન થયો. હોંશથી ખરીદેલા, જિંદગીના પહેલવહેલા રેડિયો પર લતા મંગેશકરે પહેલા સમાચાર સાંભળ્યા તે સાયગલના અવસાનના. તે ડૂસકાં ભરીભરીને રડી. સાયગલની અંતિમ ઇચ્છાનુસાર તેની અંત્યયાત્રામાં ‘જબ દિલ હી ટૂટ ગયા’ વગાડવામાં આવ્યું. માથા પર રૂમાલ બાંધીને, ગળામાં પેટી ભરાવીને સાયગલે ‘સ્ટ્રીટ સિંગર’માં ‘બાબુલ મોરા’ ગાયું. તેની પાછળ, માઇક દેખાય નહીં એમ એક જણ ચાલતો હતો. નાનકડું વાદ્યવૃંદ કૅમેરાની કક્ષાની બહાર આગળ ચાલતું હતું. તેની સામે ઊલટા ચાલીને બોરાલ સંચલન કરતો હતો. કુંદનલાલ સાયગલ ભાન ભૂલીને ગાતો હતો…

બાબુલ મોરા નૈહર છૂટો હી જાય,
ચાર કહાર કા મેલા મોરી ડુલિયા સજાવે,
મોરા અપના બેગાના છૂટો જાય…

અંગના તો પર્બત ભયા,
ઔર દેહરી ભયી બિદેસ,
લે બાબુલ ઘર આપનો
મૈં ચલી પિયા કે દેસ.

શિરીષ કણેકર (અનુ. જયા મહેતા)
[‘રૂપેરી પરદાના ચહેરાઓ’ પુસ્તક : ૨૦૦૩]