સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીઅરવિંદ/બ્રહ્મજ્ઞાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચંદ્ર ધીરે ધીરે વાદળોના પડદા પાછળ ગતિ કરી રહ્યો હતો. નીચે નદી કલકલ કરતી પવનના સૂરમાં પોતાનો સૂર મેળવતી નાચતી નાચતી વહેતી હતી. પૃથ્વીનું સૌન્દર્ય અર્ધા અંધકારમાં અર્ધા ચંદ્રપ્રકાશમાં ઓર ખીલી ઊઠ્યું હતું. ચારે બાજુ ઋષિઓના આશ્રમો હતા. પ્રત્યેક આશ્રમની શોભા નંદનવનની શોભાને પણ ટપી જાય તેવી હતી. હરેક ઋષિની કુટિરની આસપાસનાં તરુ, પુષ્પો અને લતાઓ સૌન્દર્યથી લચી પડતાં હતાં. આવી જ્યોત્સ્નાથી છલકાતી એક રાત્રે બ્રહ્મર્ષિ વશિષ્ઠ પોતાની પત્ની અરુંધતીને કહેતા હતા, “દેવી, ઋષિ વિશ્વામિત્રને ત્યાંથી થોડુંક મીઠું લઈ આવો ને!” આ સાંભળતાં જ અરુંધતીને આશ્ચર્ય થયું અને તેમણે પ્રશ્ન કર્યો, “પ્રભુ, આપ આ કેવી આજ્ઞા કરો છો? મને એ સમજાતું નથી. જેણે આપણા એક સો પુત્રોનો વધ કર્યો છે...” એ શબ્દો બોલતાં બોલતાં અરુંધતીનો કંઠ રૂંધાઈ ગયો. ભૂતકાળ બધો સ્મરણપટ પર તાજો થઈ આવ્યો. અપૂર્વ શાંતિના ધામ જેવું એ હૃદય વ્યથાથી ઊભરાવા લાગ્યું. તે બોલ્યાં, “આવી જ સુંદર કૌમુદીવાળી રાત્રે મારા પુત્રો વેદગાન કરતા કરતા ફરતા હતા. એ સોએ સો વેદજ્ઞ હતા, બ્રહ્મનિષ્ઠ હતા. મારા એ સર્વ પુત્રોને જેણે મારી નાખ્યા છે, તેના આશ્રમમાંથી મીઠું માગી લાવવાનું આપ કહો છો? મને કંઈ સમજાતું નથી.” ઋષિનું મુખ ધીરે ધીરે પ્રકાશથી છલકાવા લાગ્યું, સાગર જેવા એમના હૃદયમાંથી શબ્દો નીકળવા લાગ્યા: “દેવી, એમના ઉપર તો મને ખાસ પ્રેમ છે.” અરુંધતીનું આશ્ચર્ય ખૂબ વધી ગયું. તેમણે કહ્યું, “એમના ઉપર આપને જો પ્રેમ છે તો તો પછી આપ એમને ‘બ્રહ્મર્ષિ’ નામે સંબોધન કેમ નથી કરતા? એમને બ્રહ્મર્ષિ કહી દીધા હોત તો આ બધી જંજાળ મટી જાત, અને મારે મારા સો પુત્રો ગુમાવવા ન પડત.” ઋષિના મુખ ઉપર એક અપૂર્વ કાંતિ પ્રગટી આવી. તે બોલ્યા, “તેમના ઉપર મને પ્રેમ છે માટે જ હું એમને બ્રહ્મર્ષિ કહેતો નથી. હું એમને બ્રહ્મર્ષિ નહીં કહું એમાંથી જ તેઓ બ્રહ્મર્ષિ થઈ શકવાની આશા રહે છે.”

*

આજે વિશ્વામિત્ર ક્રોધથી જ્ઞાનશૂન્ય બની ગયા હતા. આજે તેઓ તપસ્યામાં મન પરોવી શકતા ન હતા. તેમણે સંકલ્પ કર્યો હતો કે, આજે જો વશિષ્ઠ મને બ્રહ્મર્ષિ નહીં કહે તો તેમનો પ્રાણ લઈશ. અને એ સંકલ્પને પાર પાડવા તે હાથમાં તલવાર લઈ પોતાની કુટિરમાંથી બહાર નીકળી પડ્યા, અને ધીરે ધીરે વશિષ્ઠની કુટિરની પાસે આવી ઊભા રહી ગયા. ત્યાં ઊભાં ઊભાં તેમણે વશિષ્ઠની બધી વાતો સાંભળી. હાથમાં જોરથી પકડેલી તલવાર ઢીલી થઈ ગઈ. તે વિચારવા લાગ્યા, મેં આ શું કર્યુ? તદ્દન અજ્ઞાનમાં રહીને મેં કેવો મોટો અન્યાય કર્યો છે? કેવા નિર્વિકાર હૃદયના ઋષિને વ્યથા પહોંચાડવાનો પ્રયત્ન મેં કર્યો છે! તેમના હૃદયમાં જાણે સો સો વીંછીના ડંખની વેદના થવા લાગી, હૃદય અનુતાપથી બળવા લાગ્યું. દોડીને તે વશિષ્ઠના પગમાં ઢળી પડ્યા. થોડી ક્ષણો તો તે કશું બોલી જ ન શક્યા. પછી તે બોલ્યા, “ક્ષમા કરો. પણ મારામાં તો ક્ષમા યાચવાની પણ યોગ્યતા નથી રહી.” વિશ્વામિત્રનું ગર્વીલું હૃદય બીજું કાંઈ બોલી શક્યું નહીં. પણ વશિષ્ઠ શું બોલ્યા? વશિષ્ઠે બેય હાથ વડે તેમને પકડી લીધા અને કહ્યું, “ઊઠો બ્રહ્મર્ષિ, ઊઠો.” વિશ્વામિત્ર બમણા શરમાઈ ગયા અને બોલ્યા, “પ્રભુ, મને આમ શરમમાં કેમ નાખો છો?” વશિષ્ઠે જવાબ આપ્યો, “હું કદી મિથ્યા બોલતો નથી. આજે તમે બ્રહ્મર્ષિ થયા છો. આજે તમે અભિમાનનો ત્યાગ કર્યો છે. આજે તમે બ્રહ્મર્ષિપદ પ્રાપ્ત કર્યું છે.” વિશ્વામિત્રે કહ્યું, “આપ મને બ્રહ્મજ્ઞાન આપો.” વશિષ્ઠે જવાબ દીધો, “આપ શેષની પાસે જાઓ. તે જ આપને બ્રહ્મજ્ઞાન આપશે.” વિશ્વામિત્ર શેષની પાસે પહોંચ્યા. માથા ઉપર પૃથ્વી ધારણ કરીને શેષ બેઠા હતા. વિશ્વામિત્રે બધી વાત કહી સંભળાવી. શેષ બોલ્યા, “તમે જો આ પૃથ્વી તમારા મસ્તક પર ધારણ કરી શકો, તો હું તમને બ્રહ્મજ્ઞાન આપી શકીશ.” તપોબળના ગર્વથી ભરેલા વિશ્વામિત્રે કહ્યું, “આપ પૃથ્વીને માથેથી ઉતારી નાખો. હું એને મારે માથે લઈ લઉં છું.” શેષે પૃથ્વીને માથા પરથી ઉતારી તેવી જ તે આકાશમાં ચક્કર લેતી લેતી ગબડવા લાગી. વિશ્વામિત્રે ગર્જના કરી, “હું મારા સમસ્ત તપનું ફળ અર્પણ કરું છું. પૃથ્વી, સ્થિર થઈ જા!” પણ પૃથ્વી સ્થિર ન થઈ. ત્યારે શેષ બોલ્યા, “વિશ્વામિત્ર, પૃથ્વીને ધારણ કરી શકાય એટલું તપ તો તમે કર્યું લાગતું નથી. પણ કોઈ દિવસ કોઈ સાધુપુરુષનો સંગ કર્યો છે? કર્યો હોય તો તેનું ફળ અર્પણ કરો.” વિશ્વામિત્રે કહ્યું, “એકાદ ક્ષણ જેટલો વશિષ્ઠનો સંગ કર્યો છે.” શેષે કહ્યું, “તે એનું જ ફળ અર્પણ કરો.” વિશ્વામિત્ર બોલ્યા, “હું એ ફળ અર્પણ કરું છું.” અને ધીરે ધીરે પૃથ્વી સ્થિર બની. પછી વિશ્વામિત્ર બોલ્યા, “હવે મને બ્રહ્મજ્ઞાન આપો.” શેષે કહ્યું, “મૂર્ખ વિશ્વામિત્ર, જેની સાથેના એક ક્ષણ જેટલા સત્સંગના ફળ રૂપે પૃથ્વી સ્થિર થઈ ગઈ, તેને મૂકીને તું મારી પાસેથી બ્રહ્મજ્ઞાન લેવા ઇચ્છે છે?” વિશ્વામિત્ર ક્રોધે ભરાયા. વિચારવા લાગ્યા કે, આ તો વશિષ્ઠે મને છેતર્યો! ઝડપથી તેઓ વશિષ્ઠ પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા, “આપે મને શા માટે છેતર્યો?” વશિષ્ઠે ધીરગંભીર ભાવે ઉત્તર આપ્યો, “તે વખતે જો મેં તમને બ્રહ્મજ્ઞાન આપ્યું હોત તો તેમાં તમને વિશ્વાસ બેસત નહીં. હવે તમને શ્રદ્ધા બેસશે.” અને પછી વિશ્વામિત્રે વશિષ્ઠ પાસેથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું.

*

ભારત દેશમાં આવા ઋષિઓ હતા, આવા સાધુપુરુષો હતા. ક્ષમાનો આવો આદર્શ હતો. એવું તપોબળ હતું કે જે દ્વારા પૃથ્વીને ધારણ કરી શકાતી હતી. ભારત દેશમાં વળી પાછા એવા જ ઋષિઓ જન્મ લઈ રહ્યા છે. એ ઋષિઓના પ્રભાવ આગળ પ્રાચીન કાળના ઋષિઓનો પ્રકાશ ઝાંખો પડી જશે. એ ઋષિઓ ભારત દેશને પ્રાચીન કાળ કરતાંયે વધારે ગૌરવ અપાવશે.