સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/પ્રથમ કેળવણી માબાપોની

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માબાપોને એ વાતની ખબર નથી હોતી કે પોતે પોતાના બાળકને કેળવણી આપી શકે તે માટે પ્રથમ તો તેમણે પોતાની જાતને જ કેળવવાની રહે છે, પોતાને વિષે સભાન બનવાનું રહે છે, પોતાના ઉપર પ્રભુત્વ મેળવવાનું રહે છે કે જેથી પોતે બાળક આગળ એક ખરાબ દૃષ્ટાંતરૂપ ન બની રહે. ખરી અસરકારક કેળવણી તો દૃષ્ટાંત મારફતે જ અપાય છે. બાળકને માત્રા સારા સારા શબ્દો કહેવા, ડાહી ડાહી શિખામણ આપવી એનો કશો જ અર્થ નથી. આપણે જે કહેતા હોઈએ તેમાં રહેલું સત્ય જો આપણા જીવંત દૃષ્ટાંત દ્વારા આપણે ન બતાવી શકીએ, તો પછી આપણા શબ્દોની કે શિખામણની કશી અસર પડતી નથી. સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, નિખાલસતા, હિંમત, નઃસ્વાર્થતા, ધીરજ, સહનશક્તિ, ખંત, શાંતિ, સ્વસ્થતા, આત્મસંયમ — આ બધી વસ્તુઓ એવી છે કે તેમને શીખવવા માટે સુંદર શબ્દો કરતાં આપણું પોતાનું દૃષ્ટાંત જ અનેકગણું સારું કામ આપે છે. માટે હું માબાપોને કહીશ કે તમારા જીવનમાં એક ઉચ્ચ આદર્શ રાખો, અને તે આદર્શ અનુસાર જ હંમેશાં તમારું વર્તન રાખો. તમે જોશો કે તમારું બાળક આ આદર્શને પોતાની અંદર થોડે થોડે ઝીલવા લાગ્યું છે. દરેક બાળકને સ્વાભાવિક રીતે જ પોતાનાં માબાપ તરફ માન અને અહોભાવ હોય છે. અને માબાપો જો સાવ નાલાયક નથી હોતાં તો તેઓ બાળકોને હંમેશાં દેવ જેવાં લાગે છે જ અને તેઓ પોતાથી બને તેટલું તેમનું જ અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે. માબાપો, અમુક વિરલ અપવાદ સિવાય, એ વાતનો તો કદી ખ્યાલ જ નથી કરતાં કે તેમની ખામીઓ, તેમની જલદ વૃત્તિઓ, નિર્બળતાઓ, આત્મસંયમનો અભાવ બાળકો ઉપર કેવી તો ભયંકર છાપ પાડે છે. તમારાં બાળકો તમને માન આપે એમ તમે ઇચ્છતાં હો તો પ્રથમ તો તમે પોતે જ તમારી જાતનું સન્માન કરતાં શીખો, અને હર પળે તમે પોતે એક માનયોગ્ય વ્યક્તિ બની રહો. તમે ધ્યાન રાખો કે તમારા વર્તનમાં કદી પણ તરંગીપણું ન આવે, અસંયમ ન આવે, તેમાં તુમાખી ન આવે, અધીરાઈ ન આવે, બદમિજાજ ન આવે. તમારું બાળક તમને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તમારો જવાબ તે સમજી શકવાનું નથી એમ માનીને તમે તેને કોઈ અક્કલ વગરનો કે મૂર્ખાઈ ભરેલો જવાબ ન આપશો. તમે જો બરાબર પ્રયત્ન કરશો તો તમારી વસ્તુ તમે હંમેશાં બાળકને સમજાવી શકશો — માત્રા તમારે તેને એવી રીતે કહેવાની કળા મેળવી લેવી જોઈએ કે જેથી તમારી વસ્તુ સાંભળનારના મગજ સુધી પહોંચી શકે. નાની વયમાં, બારથી ચૌદ વર્ષ સુધી, બાળકનું મન સૂક્ષ્મ રીતના સિદ્ધાંતો અને વ્યાપક સ્વરૂપના વિચારોને ઝીલી શકે તેવું નથી હોતું. પરંતુ તમે સ્પષ્ટ આકારવાળાં ચિત્રો, પ્રતીકો કે દૃષ્ટાંતોનો ઉપયોગ કરીને બાળકના મગજને એવી તાલીમ આપી શકો છો કે જેથી તે એ સૂક્ષ્મ અને વ્યાપક વિષયોને સમજતું થઈ શકે. માત્રા બાળકોને જ નહિ, પણ ઠીક ઠીક મોટી ઉંમરના માણસોને પણ, તેમ જ કેટલાક લોકો કે જેમનું મન સદા બાળકની કક્ષાનું જ રહે છે તેવાઓને પણ, એકાદ વારતા, કથા કે પ્રસંગ જો બરાબર રીતે કહેવામાં આવે તો તેથી તેમને તાત્ત્વિક રીતનાં મોટાં મોટાં વ્યાખ્યાનો કરતાં પણ વિશેષ જ્ઞાન મળી શકે છે. એક બીજી વસ્તુ સામે પણ ચેતતા રહેવાનું છે. બાળકને કદી ઠપકો ન આપશો — અને ઠપકો આપવો પડે તો તે કોઈ ચોક્કસ હેતુસર જ અપાય, ઠપકો આપ્યા વિના ન જ ચાલે તેમ હોય ત્યારે જ તે અપાય. વારે વારે ઠપકો મળતાં બાળક ઠપકાથી ટેવાઈ જાય છે. પછી તમે તેને ગમે તે કહો, અવાજમાં ગમે તેટલી કડકાઈ લાવો, પણ એને તેનું કશું મહત્ત્વ રહેતું નથી. બાળક કોઈ ભૂલ કરી બેસે, ત્યારે તેની કબૂલાત એ આપમેળે ને નિખાલસ ભાવે કરે તેની રાહ જોજો. તમારી અને તમારા બાળકની વચ્ચે ભયનું તત્ત્વ દાખલ થઈ જાય, એવું તો કદી ન થવા દેશો. બીકમાંથી બાળક હંમેશાં અસત્ય અને દંભનો આશરો લેવા માંડે છે. કદી ભૂલશો નહિ કે બાળકને આ જગતમાં જન્મ આપીને તમે તેના પ્રત્યેની એક ફરજ નોતરી લીધેલી છે. એ ફરજ તમારે ઉત્તમ રીતે અદા કરવાની છે — અને તેનો એક જ માર્ગ એ છે કે તમે પોતે વધુ ને વધુ ઉત્તમ બનો. તમારી જાતને વટાવીને તમારે સતત ઊંચે ને ઊંચે ચડતા રહેવાનું છે. (અનુ. સુન્દરમ્)