સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુમંત દેસાઈ/‘ડો. ખોડીદાસ’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શુભાંગ જ્યારે લંડનમાં ડોક્ટરીનું ભણતો હતો ત્યારે યુરોપમાં તબીબી ક્ષેત્રે ‘કૃપામોત’ અંગે ખૂબ ઉગ્ર ચર્ચાઓ ચાલતી. જન્મથી વિકલાંગો અને અસાધ્ય રોગીઓના છુટકારા માટે દવા દ્વારા મૃત્યુની જોગવાઈ હોવી જોઈએ એેવું ઘણા ડોક્ટરો માનતા. શુભાંગ પણ આ મતનો એક જબરો પુરસ્કર્તા હતો. આ મતવાળાઓ દલીલ કરતા કે જગત જ્યારે સકલાંગ સાંગોપાંગ માણસોથી કિડિયારાની જેમ ઊભરાતું હોય, ત્યારે જેમને સ્વમાનપૂર્વક જીવવાની કોઈ આશા કે જોગવાઈ જ નથી એવા વિકલાંગોને જીવિત રાખવા એ એક જાતની ક્રૂરતા છે. આ અંગેની અટપટી દલીલો સાથે શુભાંગ અને એના મતીલાઓ વિરુદ્ધના મતવાળાઓ સામે ક્યારેક કલાકો સુધી બાખડતા. વિરુદ્ધના મતીલાઓ કહેતા: “આ રોગિયાં, દુ:ખિયાં અને વિકલાંગો માટે ઝૂઝવું એ જ તો આપણા વ્યવસાય અને જીવનનું સાર્થક્ય છે. આ રોગી, અપંગ અને અંધને ગૌરવ અપાવવા ડોક્ટરો જ જો નહીં ઝૂૂઝશે તો પછી એમનો હાથ કોણ ઝાલશે? આપણે નવું જીવન સર્જી નથી શકતા, તો પછી સર્જનહારે મોકલેલ જીવનને હણવાનો અધિકાર આપણને કોણ આપે છે?” શુભાંગનું કુટુંબ ગાંધીવાદી વિચારધારાથી રંગાયેલું. એ ડોક્ટર થવા વિલાયત ગયો ત્યારે જ પિતાએ એની પાસેથી વચન લીધેલું કે એ પરત આવે ત્યારે પ્રથમ પાંચ વર્ષ પોતાના વતન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સેવા આપવી, પછી જ ખાનગી પ્રેકિટસ અંગે વિચારવું. શુભાંગ ડોક્ટર થઈ પરત આવ્યો ત્યારે એના પિતા કોર્પોરેશનની હેલ્થ કમિટીના ચેરમેન, એટલે શુભાંગને સિવિલ હોસ્પિટલમાં જોતરવા એમનો ઉત્સાહ બમણો હોય એ સ્વાભાવિક હતું. શુભાંગને વિલાયતી અભ્યાસને કારણે અમદાવાદ અને મુંબઈથી તેડાં આવ્યાં, પણ એણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જ સેવાઓ શરૂ કરી. એક જ વર્ષમાં મેટરનિટી સેવાઓના મામલામાં ડો. શુભાંગ શાહના નામનો ડંકો સમગ્ર સૌરાષ્ટ્રમાં વાગવા માંડ્યો. એક મોડી રાતે રાજકોટની દૂરની સિંધી કોલોનીમાં જઈને ડિલિવરીનો એક અટપટો કેસ તાબડતોડ સંભાળવાનું શુભાંગને તેડું આવ્યું. નર્સ સિવાયની અન્ય કોઈ મદદ ત્યાં નથી, એ જાણીને પૂરતાં સાધનો સાથે શુભાંગ ઝડપથી ત્યાં પહોંચ્યો. ગરીબ સિંધી વસ્તીની બાઈને આ દસમી ડિલિવરી હતી. શુભાંગે મહામહેનતે પ્રસૂતિ કરાવી ત્યારે બાળક ઝાંખું અને નિશ્ચેત હતું. બાળકનો એક પગ ખાસો ટૂંકો હતો. ટેવ પ્રમાણે શુભાંગે બાળકના મોં પર મોં દબાવી વારંવાર શ્વાસ ફૂંક્યો. બાળકમાં ચેતનાનો સંચાર થતો સહેજે લાગ્યો નહીં. શુભાંગને પરસેવો વળી ગયો. એક ક્ષણમાં એના મનમાં વિચારોનું એક ટોળું ઊમટી પડ્યું: ‘શાને માટે એક વિકલાંગને જિવાડવા માટે હું આટલો તરફડું છું? આ માતાનું આ દસમું બાળક છે અને એ પણ પાછું વિકલાંગ. એને સુખી કરવા માટે કઈ તકો એના જીવી જવાની રાહ જોઈને બેઠી છે? આ બાળક ખોડંગાતું ચાલશે ત્યારે અન્ય બાળકો એને ખોડો... લંગડો... વક્ટ-લેન જેવા ઉપનામથી નહીં સંબોધે? આ ખોડ એનું આખું જીવતર ઝેર કરી મેલવા સમર્થ નથી? આખી સિંધી કોલોનીમાં સકલાંગ સાંગોપાંગ બાળકો હાલતાં ને ચાલતાં ઠેબે ચઢે છે, ત્યાં આવું એક પંગુ બાળ ન ઉમેરાય તો એમાં શું ખાટું-મોળું થઈ જવાનું છે? એને મરવા દઉં તો દુનિયાને એની કઈ મોટી ખોટ પડવાની છે?...’ પરંતુ બીજી જ ક્ષણે શુભાંગમાં રહેલો ડોક્ટર એકદમ ઊછળી પડ્યો. બધા જ સવાલોને બાજુએ હડસેલી એણે બાળકનાં ફેફસાંને સક્રિય કરવા એના મોંમાં શ્વાસ ફૂંકવાનું ચાલુ રાખ્યું. છેવટે એને જેનો ઇંતજાર હતો એવો એક ધીમો શ્વાસ બાળકે જાતે લીધો. પછી બીજો શ્વાસ, ત્રીજો અને ચોથા શ્વાસ સાથે બાળકના મોં પર લાલી ફેલાવા માંડી, અને તરત જ ઝીણો રડવાનો અવાજ શરૂ થયો. શુભાંગે નર્સને બાકીના કામની સૂચના કરી બૅગ પેક કરી રજા લીધી. રસ્તે એ સતત પગ પછાડતો રહ્યો; ‘ખબર નહીં, શાને માટે આ બાળકને જિવાડવાનું શૂરાતન મેં બતાવ્યું? નવ બાળકો ઘરમાં ઓછાં હતાં કે આ દસમું બાળક પણ મેં ભેટ આપ્યું?—અને તે પણ પાછું વિકલાંગ...! એને મરવા દીધું હોત તો બાળક, કુટુંબ અને સમાજ વધારે સુખી ન થાત...?’

*

વર્ષો વીત્યાં. શુભાંગને હવે ખૂબ યશ અને ગૌરવ પ્રાપ્ત થયાં હતાં. એણે પોતાનું કાર્યક્ષેત્ર રાજકોટથી અમદાવાદ ખસેડ્યું હતું. કૃપામોત અંગેના યુવાનીના વિચારો હવે શમી ગયા હતા. સાજાં-માંદાં, રોગિયાં-દુ:ખિયાં, સકલાંગ-વિકલાંગની ચિંતા કર્યા વગર, શુભાંગ હવે બાળકોને જન્મ સમયે મોતના મોંમાંથી બચાવનાર ચેમ્પિયન ડોક્ટર હતો. બાળક ગમે એવું ખોડ-ખાંપણવાળું હોય તોપણ એને જિવાડવા માટે એ ઝૂઝતો. પોતાના વ્યકિતગત જીવનમાં મીઠાની સાથે માઠા દિવસો પણ નિયતિએ શુભાંગને દેખાડ્યા. એનો એક માત્ર દીકરો અને વહુ ચાર વર્ષની બાળકીને મૂકી અકસ્માતમાં અવસાન પામ્યાં. ડોક્ટરે પૌત્રી સલૌનીને ઉછેરવા પોતાની પાસે રાખી. દાદાજી દીકરીને વહાલથી ઉછેરતા અને મા-બાપની બને એટલી ખોટ પૂરવા પ્રયત્ન કરતા. સલૌની આઠ વર્ષની થઈ અને એક સવારે ડોક જકડાવાની અને હાથોમાં વિચિત્ર પ્રકારના દુખાવાની ફરિયાદ સાથે ઊઠી. પહેલાં તો પોલિયોની શંકા હતી. પરંતુ પાછળથી ખબર પડી કે કોઈ નવીન જાતના વાયરસનો આ હુમલો હતો. લાખો બાળકોમાંથી એકાદને થાય એવા આ રોગ અંગે દાક્તરી વિજ્ઞાન પણ હજી અંધકારમાં હતું. ડો. શુભાંગ શાહને પણ પોતાની ૩૫ વર્ષની કારકિર્દીમાં આ જાતનો કેસ પ્રથમ જ વારમાં જોવામાં આવ્યો હતો. એણે શહેરના ન્યુરોલોજિસ્ટોને તેડી મંગાવ્યા, જેમણે માથાં હલાવ્યાં. એમણે કહ્યું કે આ રોગનો કોઈ ઇલાજ હજી શોધાયો નથી અને તે વધીને પછી પોલિયોનું જ રૂપ ધારણ કરે છે. ડો. ચેલાણી નામના એક ન્યુરોલોજિસ્ટે કહ્યું, “સુરતમાં એસ. જે. છટવાણી નામના એક યુવાન ડોક્ટર છે જેમણે આવા અમુક કેસમાં સફળ ઇલાજ કર્યા છે.” શુભાંગે પૌત્રીને લઈને સુરત જવાનું ગોઠવ્યું. બાળકોને વિકલાંગ બનાવતા ઘણા રોગોની ફિઝિયોથેરપિ પર આધારિત સારવાર માટેની ડો. છટવાણીની હોસ્પિટલ હતી. શુભાંગે હોસ્પિટલમાં દાખલ થતાં જે દૃશ્ય જોયું એની સાથે જ એમને કોઈ જુદી દુનિયામાં પ્રવેશ્યાનો અનુભવ થયો. હોસ્પિટલમાં બધાં જ બાળકો વિકલાંગ હતાં, પરંતુ કોઈના મોં પર શાપિત હોવાનો જરાસરખો પણ ભાવ ન હતો. એક આઠેક વર્ષની બાળકી એની માતા સાથે કજિયો કરતી હતી: “મમ્મી, કસરત પછી તું મને કેમ આટલી જલદી ઘરે લઈ જાય છે? મારે આ લોકો સાથે વધારે રમવાનું હોય છે, ઘરે તો મને કેટલો કંટાળો આવે છે...? કોઈક છોકરાં આખો દિવસ અહીં રહે છે એમ મને પણ રહેવા દે ને...!” કેટલાંક બાળકો ખાટલા પર બેઠાં બેઠાં હવા ભરેલાં રમકડાં એકબીજા પર ફેંકતાં હતાં. કોઈક નર્સ સાથે રમતાં હતાં. અમુક તો હોસ્પિટલના સ્ટ્રેચર અને ટ્રોલી પર વારાફરતી એકબીજાને રાઇડ આપતા હતા. વિકલાંગોની આવી હડિયાપાટી ડો. શાહે કદી જોઈ ન હતી. એક પંગુ બાળકને એક નર્સ વહાલથી સમજાવતી હતી કે એના પગ હજી જોઈએ એવા મજબૂત નથી થયા એટલે એણે માત્ર ટ્રોલી પર બેસી રાઈડ લેવી, પરંતુ બીજાને રાઈડ આપવા માટે ટ્રોલી ધકેલવાની જીદ નહીં કરવી. ડો. શાહે જોયું કે કોઈ બાળકના મનમાં કોઈ અધૂરપનો અહેસાસ સરખો પણ ન હતો. એમણે એ પણ જોયું કે ડો. છટવાણીને પણ એક પગે ખોડ છે, અને એમણે એક પગ ઝાટકીને ચાલવું પડે છે. ડો. શાહ યુવાન ડોક્ટરના પગ તરફ જોતા હતા ત્યારે ડો. છટવાણીએ કહ્યું, “ડો. શાહ, મારા આ ખોડવાળા પગને કારણે અહીં આવતાં બાળકોને હું એમના પોતાનામાંથી જ એક હોઉં એવું લાગે છે. આ પગને કારણે અમારી વચ્ચે આત્મીયતાનો સેતુ તરત જ બંધાઈ જાય છે. મને ‘ડોક્ટર ખોડીદાસ’ કહીને સંબોધવામાં આ બાળકોને બહુ મજા પડે છે. મારું ખરું નામ શુભાંગ મને બહુ આડંબરી લાગે છે. શુભાંગ નામ ૩૨ વર્ષ પહેલાં રાજકોટની સિંધી કોલોનીમાં મારો જન્મ કરાવનાર અને મને યમરાજના હાથમાંથી પાછો ખેંચી લાવનાર એક પરોપકારી ડોક્ટરના નામ પરથી એમનો અહેસાન માનવા મારી માએ પાડ્યું હતું. પણ એ બધી તો થઈ આડવાતો. તમારી પૌત્રીની વિગતો પરથી મને ખાતરી છે કે એને હું જરૂર સાજી કરી શકીશ. અત્યારે મારા હાથમાં એવા બે કેસ સંપૂર્ણ સાજા થવાના આરે છે.” ડો. શાહને ૩૨ વર્ષ પહેલાંની એ મોડી રાતનો અટપટો ડિલિવરીનો કેસ યાદ આવ્યો. પેલો પ્રશ્ન પણ એમના ચિત્તમાં ચમક્યો: ‘આ બાળકને મરવા દઈએ તો એમાં દુનિયાનું શું ખાટું-મોળું થઈ જવાનું છે...?’ એ દિવસોમાં પોતાના મગજ પર કૃપામોતનું કેવું ભૂત સવાર હતું એ પણ એમને યાદ આવ્યું. સલૌનીને જે ફરી ચાલતી કરવાના હતા એ ડો. છટવાણી તરફ એમણે હાથ લંબાવ્યો અને મનમાં બોલ્યા: ‘અંધ હોવા કરતાં તો લંગડા હોવું સારું છે.’ [કોન્સ્ટન્સ ફોસ્ટરના લેખ પરથી રૂપાંતરિત: ‘સંવેદન’ વાર્ષિક: ૨૦૦૨-૦૩]