સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/‘દ્વિરેફ’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રામનારાયણ વિ. પાઠકે ‘શેષ’ને ઉપનામે કાવ્યો લખ્યાં, ‘દ્વિરેફ’ને ઉપનામે નવલિકાઓ લખી, અને હળવા નિબંધો લખ્યા ‘સ્વૈરવિહારી’ના ઉપનામે. આ ઉપરાંત એમણે મૂળ નામે સંશોધન, સંપાદન, વિવેચન અને ઇતર સાહિત્યપ્રવૃત્તિઓ કરી. એમની કવિતામાં એક પ્રકારની શિષ્ટતા અને સુઘડતા વરતાય છે. પ્રભુ, પ્રકૃતિ અને પ્રણય, આ ત્રણ એમના પ્રિય કવનવિષયો છે. અસાધારણ સંયમ સાથે ઊર્મિનું ચિંતનશીલ નિરૂપણ, એ એમની કવિતાની લાક્ષણિકતા છે. ‘જમનાનું પૂર’ માત્ર એમની જ નહિ, ગુજરાતી સાહિત્યની એક વિશિષ્ટ વાર્તા છે. ટૂંકી વાર્તામાં લાઘવ કેવું હોઈ શકે, એનું આ ઉદાહરણ છે. ‘જક્ષણી’ પાઠકની લાક્ષણિક કૃતિ છે. પ્રસન્ન દાંપત્યની આવી હાસ્યસભર વાર્તા આપણે ત્યાં ભાગ્યે જ લખાઈ છે. ‘મુકુન્દરાય’ પાઠકની ઉત્તમ વાર્તામાંની એક લેખાય છે. પાઠકનો વિશેષ નિબંધમાં પ્રગટ થાય છે. ચિંતનપરાયણતા એમના નિબંધની કરોડરજ્જુ છે. [‘પ્રતિભાપુરુષ પાઠકસાહેબ’ પુસ્તક: ૨૦૦૪]