સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/ટીંબાનો ઉપદેશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઈશુ ભગત ટીંબે બેઠા બોધ આલે છે. લોક બેઠું સાંભળે છે. વેણેં વેણેં ફૂલડાં ઝરે છે : ગરીબગરબાંવની જે થાવ; દીનદખિયાંવની જે થાવ; કાં કે મારા રામજીનું રાજ ઈમનું છે. સંતો! રાંકનાં રાજ થાશે; ભૂખ્યાં ભરાશે; દયાળાંને દયા મળશે ને નિરમળાંને મારા રામજીનાં દરશણ થાશે. સંતો! મનકાયાથી નિરમળ રે’જો; આંખ્ય કાયાનો દીવો છે. ઈ એઠી થાય તે દિ’ ઈને ફોડજો; કાંડું કનડે તો કલમ કરજો. ભગતો! તમારી ભાવભગતીના દેખાડા કરજો મા. પણ અંતરને ખૂણે માંયલા આતમરામને જગાડીને તીના આગળ તમારા હૈયાની આરત આમ ઠાલવજો : હે મારા રામધણી! હે ભગવાન! હે પરભુપત્યા! તારી જે થાવ. તારાં જ રાજ બધે થાવ. આ લોક-પરલોક તારી જ આણ્ય સંધેય વરતો. હે હજારું હાથવાળા! કીડીને કણ ને હાથીને હારાના પૂરણહારા! તુ ંજ અમને રોજનો રોટલો પૂરજે. હે અંતરજામી! તું ઘટડે ઘટડે જાગતીજોત બેઠો છો. તું અમને માંયલા વેરીના માર્યા ગોથું ખાવા દેજે માં, અમને ભીની ભોં ઉપર લપટવા દેજે માં. ને જ્યમ અમે અમારા ભાયુંભાંડરૂવના વાંકગના ખમી ખાયેં, ત્યમ તુંય અમારા વાંકગના ગળી જાજે. કાં કે હે મૅમાવંતા! તારી જ આણ્ય ને તારો જ મૅમા ત્રણેય લોકુંમાં વ્યાપી રહ્યાં છે. તારો જેજેકાર થાવ.

*

સંતો! બે ધણીની ચાકરી કોયથી એકહાર્યે નો થાય. ઈ એકને વા’લો ને બીજાને દવલો કરશે; એકનાં સાચવશે ને બીજાનાં રેઢાં મેલશે. મારા મા’વાની ને માયાની સગાઈ એકહાર્યે સંચવાશે નઈં. ભાયું મારા! ઠાકરનાં નૈવેદ કૂતરાંવને નીરજો મા; ને ભૂંડના મોઢા આગળ મોતીના ચૉક પૂરજો મા. એવાં ઈ તો તી પર હમચી ખૂંદશે ને સંધો ઊકરડો કરી મેલીને સામાં મારવા આવશે. પણ એક મારા રામજીને જ દુવાર જાચજો. ન્યાંકણે તમને માગ્યું મળશે; ગોત્યાભેળું જડશે ને તમારી આંગળીને ટકોરે ઇની ડૅલિયું ઊઘડશે. કાં કે સંતો! તમમાંથી કિયો બાપ એવો ભાળ્યો જી તીનો દૂધપુત્તર રોટલો માગે ને ઈ તીને ઠેકાણે પાણો આલે? તી માટે સંતો! આંયની ચંત્યા મેલો, કે શું ખાશું-પીશું ને શું પૅરશું? ઈ વલોપાત સંધા માયાના જીવના છે. આ વનવગડાનાં પંખી જુવો, ઈ ક્યાં વાવવા-લણવા ગ્યાં’તાં? પણ ઈની ચણ્યની ચંત્યા રામધણીને છે. તળાવુંના પોયણાં જુવો. ઈ ક્યાં બાવડાં વીંઝવા ને કાંતવા-વણવા ગ્યાં’તાં? પણ એવાં ઈમની શોભા આગળ મોટા માંધાતાવનાંય માથાં નમે છે. માટે સંતો! કોળિયો ધાન ને વેંત વસ્તરની; ચીંદરડી સાટુ થઈને આ અમોલખ મનખ્યાને સોંઘો કરજો મા. બસ, એક મારા રામજીનું જ નામ અંકે કરજો, અટલે પછે નવેય નધ્ય તમ વાંહણ્યેં વાંહણ્યેં હાલી આવશે.

*

સંતો! કોયના કાજી બનજો મા, કાં કે તમે બીજાવનો નિયા તોળાવશો તીવો જ તમારોય નિયા તોળાશે, ને જી માંણે તમે ભરશો તી જ માંણે તમારાંય ધાન ભરાશે. ભાય મારા! તારી આંખ્યમાં આડસર પડ્યું છે ઈ જોવું મેલી સામાની આંખ્યનું કણું જોવા હાલજે મા; પરથમપેલું તારી આંખ્યમાંયલું આડસર કાઢજે, અટલેં પછે તારા પાડોશીની આંખ્યનું કણું કાઢવાનો કીમિયો તને જડી જાશે. માટયે કરીને, ભાયું મારા! તમે પોતાનું ચિંતવો એવું સામાનું ચિંતવજો, ને તમ હાર્યે સૌ જી રીત્યે હાલે ઈમ તમે માગો, તી રીત્યેં પરથમ તમે સૌ હાર્યેં વરતજો. બસ, અટલામાં સંધાય સંત ને શાસ્તરનું શીખવ્યું આવી ગ્યું.

*

સાજનો! ધરતીનું લૂણ તમે છો. તમારી મીઠાશ છોડજો માં, કા કે તમારી મીઠાશ જાશે તે દિ’ પર્થમી પરલે થાશે. તમે ડુંગરાના દીવા છો. પર્થમી આખીમાં અંજવાળાં પાથરજો; પોથીપંડયાવથી સરસા ઠરજો. એવા ઈ તો જૂનાં શાસ્તર કાઢીને સંભળાવે છે : ‘જીવહંસા કરજો મા.’ પણ હું તમને કહું છું, જી ઈના ભાયું હાર્યે વઢવેડ કરશે, જી ઈના પાડોશીને વાંકો દવલો કે’શે, ઈ નરકે જાશે. સંતો! એક કાન કાપવાવાળાના બેવ કાપી લેવાનું ને બે દાંત પાડનારાના બત્રીશેય પાડવાનું તો મોયલા કે’તા જ આવ્યા છે; પણ હું કહું છું, તમે ભૂંડા હાર્યે ભૂંડા થાજો મા. ને કોય તમને જમણે ગાલે અડબોત મારે તો ડાબો ઈની આગળ ધરજો; તમારી બંડી લેવા કરે તીને ભેળું અંગરખુંય આલજો; ને તમને ખેતરવા હાર્યેં હાલવા કે’ તીના સાટુ થઈને ગાવ ભોં હાલજો. સંતો! એવા ઈ નીતિ ને શાસ્તરના જાણવાવાળા તો તમને વા’લાં-વેરી ને હેતુ-દશમન કરવાનું શિખવાડશે. પણ હું તમને કઉં છું, તમે વેરીને વા’લા કરજો, ગાળ દે તીને ખમ્મા કે’જો ને તમારી ખેધે પડે તીના ભલા સાટુ થઈને રામધણીને વીનવજો. સંતો! ગણ કરનારાનો ગણ તો સઉ કરે છે, નમનારાને સઉ નમે છે. પણ મારા રામજીનો સૂરજનારણ સારા ને નરસા બેવ ઉપર તપે છે ને વરસાદ કાંટાળી વાડયમાંય વરસે છે. સાજનો! તીના જેવા થાવ તાણેં તમે રામજીના વા’લા, ને તાણેં તમારું માત્યમ.

*

સંતો! પાપની વાટ પોળી છે ને તી ઉપર હાલવાવાળા ઝાઝા છે. પણ મારા રામજીના ઘરની વાટ સાંકડી છે ને ઈ વાટે હાલવાવાળા થોડા છે. સંતો! બગલા ભગતુંને ઓળખીને હાલજો. ઈ દેખાશે રાંક ગાડર જેવા, પણ માંય ગજની કાતી રાખીને હાલનારા ને ભૂખ્યા જરખની ઘોડયેં ફાડી ખાનારા. બાર્યથી ધોળા ને માંય કાળોતરા. બાર્ય ચૂના દીધેલ ધોળી કબરું જેવા ને માંયલી કોર મૂઆં મડાં. સંતો! થોરેં કેળાં પાકે નઈં ને બોરડીની ડાળ્યેં આંબામોર આવે નઈં. ઈ તો આંબે કેરી ને કૌવચને કૌવચ. માટયે તમે ફળ દેખીને વેલો ઓળખજો.

*

ભાયું મારા! તમારાં દાનપુન્યના દેખાડા કરજો મા. પણ તમારો જમણો હાથ આલે તીની ડાબાને ખબર પડવા દેજો મા. દીધાં દાનના ઢોલ વગાડવાં ઈ જગતિયા જીવના ધંધા છે. સંતો! ઈમ તો એરણ્યની ચોરી કરીને સૉયનું દાન કરવાવાળાય ધણીને દુવાર જઈને બકોર કરશે : ‘અમેય તારે નામેં તીરથ નાયા છયેં; અમેય પાઠપૂજા દાનધરમ દેવદરશણ કર્યા ંછે ને દીપમાળું પૂરિયું છે.’ પણ મારો રામજી ઇ વેળાયેં એવા ઇમને કે’શે, ‘હાલતા થાવ, અનિયાના આચરવાવાળાવ. હું તમને ઓળખતો નથી.’ સંતો! આટલી વાત નિશ્ચે કરીને માનજો કે સોયના નાકાની માંયલીકોરથી સાંઢિયો હાલ્યો જાય ઈ ભલેં, પણ મારા રામધણીને દુવાર લખમીવંતાને ઊભવા મળવું દોયલું છે. સંતો! નકરા મોઢેથી રામરામના થાળ ધર્યે રામજી રાજી નઈં થાય. પણ જિણ્યે આંયકણેં મારા રામજીનાં કામ કર્યાં હશે, જિણ્યે દીનદખિયાંવને, પાપિયાંપતિયાંવને હાર્યેં બેસીને દલાસા દીધા હશે, જિણ્યે નોંધારાંવને હાથ દેવા જીવતર સોંઘાં કર્યાં હશે — તીનેં જ પોરસ કરીને બથમાં લેવા મારો રામ સામો ધોડશે. [ સંતો! મોયલાં શાસ્તર વાંચવાવાળા કૅ’ છે : પારકી અસ્ત્રી હાર્યે હાલજો મા, ને અસ્ત્રી ઈમ હાલે તો તીને છેડો ફાડી આલજો. પણ હું કઉં છું, જિણ્યે અસ્ત્રી જાત ઉપર એંઠી નજર નાખી ઇણ્યે નરકનું ભાતું બાંધ્યું; ને જિણ્યે કોય કેવાય કારણેં ઘરની પરણેતરને ઘરબાર્ય કરી ઈ નો દિ’ આથમ્યો. વળી એવા ઈ શાસ્તરના વાંચવાવાળાવ કે’ છે : ‘જૂઠા સોગન ખાજો મા;’ પણ હું કઉં છું, તમે સોગન જ કોય વાતના કોઈ દિ ખાજો મા; ન સરગના, ન પર્થમીના. કાં કે સરગ ઈ રામરાજાનું સિંઘાસન ને પર્થમી ઈના ચરણુંની પગતળી કે’વાય. માટયે તમે હા કે’વી હોય ન્યાં હા, ને ના કે’વી હોય ન્યાં નકરી ના જ કે’જો.

*

સંતો! હું સંત શાસ્તર સંધાયને ઉથાપવા આવ્યો છું ઈમ માનજો મા. હું સંતુને ને શાસ્તરને ઉથાપવા નથી આવ્યો; હું ઈમનાં વચનુંની વાટયું સંકોરવા આવ્યો છું. હું દખિયાંને દલાસા દેવા ને ભારેંમૂવાંના ભાર ઉતારવા આવ્યો છું. જી વશવાસેં હાલશે તીનાં હાલરાં હળવાં થાશે. સંતો! મારા રામજીના ઘરની વાટે મોટમોટા ભણ્યાગણ્યા માનધાતાવ ગોથાં ખાશે, ન્યાં મારા રામજીનાં ગભરૂડાં બાળ વાટું ચીંધશે. આ સંધું જીની નજરૂ પોંચે ઈ ભાળી લ્યે ને જિને કાન હોય ઈ સાંભળી લ્યે. હે દખિયાંવ! હે દનિયાંના ભાર વે’નારાંવ! આંયકણેં આવો. આંય તમને વિસામા મળશે. આંય તમારા હૈયાના ભાર હળવા થાશે. કાં કે મારો રામ તરણાથી હેઠો છે ને ઈનું ઘીંસરૂ હળવું ફૂલ છે. સાજનો! મારા રામનાં આ વચન સાંભળીને જી હૈયે લેશે ઈ ટીંબાની શલ્યાયું ઉપર ઘર બાંધશે. પછે ઈ ઉપર બારે મેઘ ત્રાટકશે ને વીજળિયું-વાવાઝોડાં ટૂટી પડશે તોય ઈની કાંકરી ખરશે નઈં. પણ જી મારા રામજીનું કયું આ કાને સાંભળીને ઓલ્યે કાને કાઢશે, ઈ વેળુ ઉપર બંગલા બાંધશે ને ઈ બંગલા પેલે માવઠે ભોં ભેળા થઈ જાશે.