સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરકિશનદાસ ગાંધી/સુલભ સોનામહોર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લીંબુ સુલભ છે ને સસ્તું છે, તેથી આપણે તેની ઉપેક્ષા કરીએ છીએ. પણ હકીકતમાં તેનું મૂલ્ય સોનામહોરથી યે વિશેષ છે. લીંબુની છાલ દાંત અને પેઢાં પર ઘસવાથી દાંતની છારી દૂર થાય છે, પેઢાં મજબૂત થાય છે. એ છાલ જીભ પર ઘસવાથી જીભના જ્ઞાનતંતુઓ સતેજ રહે છે, જીભનું આરોગ્ય વધે છે. લીંબુની સૂકવેલી છાલને બાળીને તેની રાખ મધમાં ચાટવાથી ઊલટી બંધ થાય છે. લીંબુનો રસ કે છાલ મોઢા પર ઘસવાથી ચામડી કોમળ અને તેજસ્વી બને છે; ખીલ, કાળા ડાઘ કે શીતળાનાં ચાઠાં દૂર થાય છે. રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ નિચોવીને પીવાથી મોટા આંતરડાંમાં જામી રહેલો મળ આગળ વધે છે, આંતરડાં પર ચોટી રહેલી મળની પોપડી ઊખડી જાય છે. લીંબુની ફાડ વાળના મૂળમાં ઘસવાથી ખરી પડતા વાળ અને ટાલ અટકે છે. પગનાં તળિયાંમાં લીંબુની ફાડ ઘસવાથી આંખ, માથા ને વાળને ફાયદો થાય છે. મેલેરિયા માટે લીંબુ ક્વિનાઈન જેવું અક્સીર નીવડે છે. મેલેરિયાનો તાવ કેમેય કર્યો જતો ન હોય, પિત્તનો ઉછાળો હોય, પાણીનો શોષ થતો હોય તો પાણી સાથે લીંબુનો છૂટથી ઉપયોગ કરવો. ગરમ પાણીમાં લીંબુ અને મધ લેવાથી શરદી— સળેખમ અને અપચો દૂર થાય છે. લીંબુનો રસ ને ગુલાબજળ સમાન ભાગે લઈ તેનાં ત્રણ ટીપાં દુખતી આંખમાં નાખવાથી આંખની ગરમી ધોવાઈ જશે. રોજ સવારે ૨-૩ લીંબુ ગરમ પાણીમાં નિચોવીને લેવાથી સ્થૂળ શરીરવાળાઓની ચરબી ઓછી થશે. સ્નાન કરવાના પાણીમાં ત્રણચાર લીંબુ નિચોવવાથી ચામડી ઉપરના ક્ષારો તથા ચીકણા પદાર્થો નીકળી જઈ ચામડી કોમળ બને છે. મધમાખી કે વીંછીના ડંખ પર લીંબુનો રસ ઘસીને ચોપડવાથી વેદના હળવી પડે છે, ડંખથી નુકસાન થતું અટકી જાય છે. દરાજ પર લીંબુ ઘસવાથી ફાયદો થાય છે. લીંબુની સૂકવી રાખેલી છાલ બાળવાથી હવાની શુદ્ધિ થાય છે. [‘તંદુરસ્તી’ માસિક : ૧૯૫૨]