સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મરીઝ’/ઇશારે ઇશારે
જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે…
મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે :
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.