સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘હરિશ્ચંદ્ર’/અંતર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગોખલામાં પડેલ ગણેશની મૂર્તિને કેશુબાપા એકીટશે જોઈ રહ્યા. મૂર્તિના હાથ-પગ-નાક હવાપાણીના મારથી ખવાઈ ગયાં હતાં. આ મૂર્તિને આમ તો તેઓ કેટલાંય વરસથી જોતા આવ્યા છે, પણ આ રીતે પહેલી જ વાર જોઈ. નોકર રામલો ડોશીને લઈ આવ્યો. ચાર વરસ પહેલાં આ ઘરની બધી ચીજવસ્તુને પોતાના હાથથી સ્પર્શી લઈને એ કુષ્ઠધામમાં ગયેલી—પોતે પાછી નહીં ફરે એ ખ્યાલથી. પણ આજે ઘેર પાછી આવી શકી તેથી તેની ખુશીનો પાર નહોતો. “આવ બેટા, બંકા.” કહી ડોશીએ હાથ લંબાવ્યો. પણ બંકો હાલ્યો નહીં અને પોતાની મા સામે જોતો રહ્યો. “એ તો ભૂલી ગયો છે ને તેથી,” કહેતાં વહુએ બંકાને પાછો ખેંચ્યો. ડોશીએ હસતાં હસતાં ભાણીને કહ્યું, “બેટા, ગાલે મને ચૂમી દે.” “મૂઈ કોઈની પાસે જતી જ નથી ને!” ફોઈએ ભાણીને જોરથી પકડી રાખતાં કહ્યું. “હવે તું હાથપગ ધોઈ આરામ કર.” કેશુબાપા બોલ્યા. “મારે વળી આરામ કેવો? લાવ, મારી ગાયને જોઈ આવું.” અને ડોશી ગમાણ ભણી ચાલ્યાં. કેશુબાપા પણ પાછળ પાછળ ગયા. ગમાણમાં ડોસાને આંખ ભરી-ભરીને જોઈ ડોશી બોલ્યાં, “તમારી તબિયત ઘણી ઊતરી ગઈ છે.” “એ તો ચિંતાને કારણે.” “શાની ચિંતા?” કહી ડોશી જરીક નજીક સરક્યાં. પણ કેશુબાપા લાગલા જ એક ડગલું પાછળ હઠી ગયા, અને ગાયને ચારો નીરવા લાગી ગયા. ડોશી મનોમન હસી: “આ તો એવા ને એવા જ શરમાળ રહ્યા!” ડોશી રસોડામાં ગયાં. “લાવ, લોટ મસળું.” “ના, એમણે તમને કશું જ કામ કરવાની ના પાડી છે.” ડોશી હસ્યાં. “અરે, કુષ્ઠધામમાં હું ઘડીક પણ પગ વાળીને બેસતી નહોતી.” “પણ તમારે શું કામ કરવું પડે? તમે આરામ કરો.” સાંજે ડોશી ગાય દોહવા બેઠાં, ત્યાં દીકરો તડૂક્યો, “દાક્તરે કહ્યું છે કે તમારે આરામની જરૂર છે.” “અરે, કુષ્ઠધામમાં ૧૫-૨૦ જણની રસોઈ હું જ બનાવતી!” “ના, અહીં નહીં,” કહી દીકરાએ દોણી આંચકી લીધી. ડોશીને એના અવાજમાં થોડી સખ્તાઈ પણ લાગી. એને ગમ્યું નહીં. એણે મનોમન નક્કી કર્યું કે આજ તો ઠીક, કાલથી એ કોઈનું નહીં સાંભળે; ઘર પોતાનું છે. અને સવારે ઊઠી એણે રોટલા ઘડી નાખ્યા અને ઝાડુ લઈ સફાઈમાં લાગી ગયાં. બધાં જમી રહ્યા બાદ સાસુવહુ જમવા બેઠાં. વહુએ ભૂખ નથી, એમ કહી માત્ર દાળભાત લીધા. રોટલાની થાળી સાસુ ભણી ઠેલી. “બધાંને રોટલા કેવા લાગ્યા?” “બાપ-દીકરો કહેતા હતા કે સરસ હતા.” ડોશીનો ચહેરો ખીલું ખીલું થઈ ઊઠ્યો. “કામ કરવાની મૂઈ આદત પડી ગઈ. બેસી શી રીતે રહેવાય? વહુ, જરા દાળની તપેલી લાવ તો.” “થોભો, હું પીરસું છું.” કહી વહુ ચૂપકીદીથી સાસુના હાથનાં આંગળાં જોઈ રહી હતી. નખ ને ટેરવાં બધાં ખવાઈ ચૂક્યાં હતાં. સાંજે ડોશી દોણી શોધવા લાગ્યાં, પણ ક્યાંય જડી નહીં. છેલ્લે ઊચી અભરાઈએ દેખાઈ. લોટનો ડબ્બો પણ માંજીને મુકાયો હતો. ગમાણમાં જોયું તો ગાયની પાસે પોતાના ઘડેલા આઠ-દસ રોટલા પડ્યા હતા. ડોશી હેબતાઈ જ ગયાં. રાતે એને ગળે કોળિયો ન ઊતર્યો. પાણી પીને ઊભાં થઈ ગયાં. સૂવાના ઓરડામાં ગયાં, તો બે પથારી બે હાથના અંતરે પાથરેલી હતી. ડોશીને ઝાળ લાગી ગઈ. એણે ડોસાની પથારી પોતાની અડોઅડ ખેંચી લીધી અને એ પથારીમાં હાથ લાંબો કરીને સૂઈ ગયાં. રાતે મોડેથી કેશુબાપા કથામાંથી આવ્યા. હળવેકથી એમણે પોતાની પથારી ડોશીથી દૂર સરકાવી લીધી. ડોશીનો હાથ જમીન પર પડ્યો. પણ એને કેમ અડાય? એને એમનેમ નીચે પડ્યો રહેવા દઈ ડોસા ઊઘી ગયા. મધરાતે ડોશી જાગ્યાં હશે. અડધી ઊઘમાં જ પોતાનો હાથ બાજુમાં પસવાર્યો; પણ ડોસાના ડિલને બદલે એ જમીન સાથે જ ઘસાયો. ડોશી સફાળાં બેઠાં થઈ ગયાં. બે હાથ દૂર પથારીમાં ડોસા નસકોરાં બોલાવતા હતા. જાણે ડોશીનું આખું એક અંગ જ અપંગ થઈ ગયું. સવારે ડોશીની પથારી ખાલી હતી. ગમાણ, રસોડું, પરસાળ, બધે જ જોઈ વળ્યા, પણ ડોશી ક્યાંય ન દેખાણાં. ગણેશજી પાસે દીવો બળતો હતો. બહારથી કો’ક આવ્યું તે કહેતું હતું કે ડોશીને કુષ્ઠધામની બસમાં ચઢતાં જોયેલાં. [જયવંત દળવીની મરાઠી વાર્તાને આધારે: ‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૧૯૭૫]