સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/સંપાદક-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદક-પરિચય
Raman-Soani.jpg


રમણ સોની

ચાર દાયકા સુધી વિવિધ યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મ.સ.યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદ-નિર્મિત ગુજરાતી સાહિત્યકોશના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની (જ. ૭-૭-૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે.

“ઉશનસ્ સર્જક અને વિવેચક’ એ શોધનિબંધમાં તથા “વિવેચનસંદર્ભ’, ‘સાભિપ્રાય’, ‘સમક્ષ’, ‘મારી નજરે’ વગેરે એમના ૧૦ ઉપરાંત વિવેચનગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શવાળું વિવેચન આપનાર ડૉ. સોની ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર સતત નજર રાખતા રહ્યા છે. મરમાળી અભિવ્યક્તિથી નિઃસંકોચપણે નિર્ભીત વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. એમણે મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓનાં નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યાં છે. ‘સમયદર્શી સાહિત્યસંદર્ભકોશ’ના ૪ ગ્રંથો એમનું યશસ્વી કોશકાર્ય છે. જેની ૨૦ ઉપરાંત આવૃત્તિઓ થઈ છે એ “તોત્તોચાન’ ઉપરાંત ‘અમેરિકા છે ને, છે જ નહીં’ -જેવા સહજ સુંદર અનુવાદગ્રંથો, ‘વલ્તાવાને કિનારે’ તથા ‘હિમાલય અને હિમાલય’ પ્રવાસ-પુસ્તકો, ‘સાત અંગ, આઠ નંગ, અને-’ હાસ્યનિબંધસંગ્રહ, ‘આંગણું અને પરસાળ’ લઘુનિબંધ-સંગ્રહ, વગેરેમાં એમની લાક્ષણિક સર્જકતાનો પરિચય મળે છે.

અઢી દાયકા(૧૯૯૧-૨૦૧૭) સુધી એમણે કરેલા ‘પ્રત્યક્ષ’ સામયિકના સંપાદને પુસ્તક-સમીક્ષા-ક્ષેત્રે અમીટ છાપ છોડી છે. પ્રત્યક્ષના ઉપક્રમે થયેલા ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ તથા વિશ્વભરના સામ્પ્રત ગ્રંથોમાંથી ૮૫ ઉપરાંતની સમીક્ષાઓ આપતા ‘અવલોકનવિશ્વ’ જેવા મહત્ત્વના બૃહદ સંપાદનગ્રંથો ચિરસ્મરણીય છે. પ્રત્યક્ષના સર્વ અંકોમાંથી ચૂંટેલાં લખાણોનું સંપાદન ‘પ્રત્યક્ષસંપદા’ આગવી મુદ્રાવાળું છે.

વિવેચનમાં તેમજ સર્જનાત્મક લેખનમાં એમનું સઘન છતાં મરમાળુ ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ તેમની વિશેષ ઓળખ છે.

– કિશોર વ્યાસ