સરસ્વતીચંદ્ર ભાગ ૪/દેશપ્રીતિનું મનોરાજ્ય.

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેશપ્રીતિનું મનોરાજ્ય.

शतेषु कश्चन शूरः जायते । सहस्त्रेषु पण्डितः वक्ता दशसहस्रेषु दाता भवति वा न वा ॥ इन्द्रियाणां जये शूरो धर्मं चरति पण्डितः सत्यवादी भवेद्वक्ता दाता लोकहिते रतः ॥ વ્યાસ ; મહાભારત. (અર્થઃ- સેંકડોમાં એક શૂર થાય, હજારોમાં એક પંડિત થાય, દશ હજારેામાં એક વક્તા થાય; ને દાતા તે ઉત્પન્ન થાય કે ન થાય. શૂરે તે​ઇન્દ્રિયો જીતવામાં; પંડિત તે ધર્મ ચરવામાં; વક્તા સત્યવાદી થાય તે; અને દાતા લોકહિતને માટે દાન કરે તે.)

Convinced as he was that “success in the modern world was to be obtained only by adaptation to the needs of modern life, he wished his fellow-Hindus to unite an inner light of Divine philosophy, drawn from: their traditional sources, and generously interpreted, to a mastery of the physical science, and the means of natural improvement.” Jurist, statesman, scholar, orator, poet, lover of Nature, and meditative sage, he remains to the West the convincing proof that “it is by the word and example of him and his like that India must be regenerated, and the moral endowments of her children made noble, serviceable for the general welfare of mankind .” –Frazer's Literary History of India on our late Mr. Justice Kashinath T. Telang.

Year by year the leaders of Indian thought in India spread their influence over ever-widening circles, though what the final result may be when these leaders, infused with all the best of the spirit of the East and West, rise up to proclaim that East and West have met, and from the union new forms of thought, new modes of artistic expression, new ways of viewing life, now solutions of religious, social, and moral problems have been produced as they must be, is one that the whole past history of the world teaches us to be watched with hope, not fear or doubt.–Ibid. on the Fusing Point of Old and New.

On a poet's lips I slept, Dreaming like a love-adept In the sound his breathing kept. ​ Nor seeks nor finds he mortal blisses But feeds on the aerial kisses Of shapes that haunt thought's wildernesses. He will watch from dawn to gloom The lake-reflected sun illume The yellow bees in the ivy bloom, Nor heed nor see what things they be But from these create he can Forms more real than living man, Nurslings of immortality. One of these awakened me And I sped to succour thee. “A Spirit of the Mind:” Shelley's Prometheus Unbound. વૃક્ષના ઉપર વેલી વીંટાતી હોય તેમ અત્યારે સરસ્વતીચંદ્રના હૃદય ઉપર કુમુદ વીંટાઈ. તેનું સૂક્ષ્મ શરીર સ્થૂલ શરીરને ભુલી ગયું, કેવળ હૃદય હૃદયને જોવા લાગ્યું, અને મુખ તો માત્ર હૃદયના ગાનના વાજા જેવું થઈ ગયું.

સૂર્ય આકાશમાં પોતાનું તેજ મુકીને પૃથ્વીના સીમભાગની રેખા નીચે ઉતરી પડતો હતો અને તે તેજ પણ આ સૂમ દમ્પતીનાં અંતઃકરણમાં ઉતરી પડ્યું હોય તેમ થોડી વારમાં સ્થૂલ જગતમાં સ્થૂલ રાત્રિ પડી, અને એ રાત્રિ આ ચિરંજીવપ્રિય દમ્પતીને અજ્ઞાત આનન્દ આપવાને શક્તિમતી થાય એવું કરવાને ચન્દ્ર અને ચન્દ્રિકા સંપૂર્ણ કલાથી ઉદય પામ્યાં.

"કુમુદ ! પુરાણ પુરુષની સત્તા જેમ જગત માત્રને એક કરી લે છે તે જ પ્રમાણે આ ચન્દ્રિકા પણ જગતને એકાકાર એકાનન્દ કરતી નથી ભાસતી ?” સરસ્વતીચન્દ્ર ચારે પાસ દૃષ્ટિ ફેરવતો બોલ્યો.

કુમુદ૦– એમ જ છે – ને એ ચન્દ્રની ચિરંજીવતાનું રમણીય ફળ છે.

સર૦- અા દીર્ઘ પ્રહરવાળી રાત્રિને આપણે એક ક્ષણ પેઠે ગાળીએ એવો અભિલાષ મ્હારા હૃદયમાં આ ચન્દ્ર પેઠે ઉદય પામે છે. ​કુમુદ૦- આપણે આપણા સર્વે આયુષ્યને આનન્દના ક્ષણ પેઠે ગાળી નાંખીશું.

સર૦– હૃદયના વિવાહના એ મનોરથનું આપણે વિવહન કરીશું. મધુર મધુરી, કંઈક મધુર વસ્તુ ગા.

કુમુદ૦–

વિધાતાએ તે લેખ લખ્યા છે ! પ્રાણનાથશું પ્રાણ જડ્યા છે ! બન્યો એવો ચિરંજીવ યોગ ! જો જો ! તારા ! ચન્દ્ર ! ચકોર ! સર૦– એ સત્ય છે. આ તારા અને ચન્દ્ર પણ ચિરંજીવ છે. તેના ભણી આપણું ત્રસરેણુક જીવન ચકોર પેઠે ઉડશે અને સ્થૂલ ભોજન ત્યજી માત્ર સૂક્ષ્મ ચન્દ્રિકાનાં કિરણનું પાન કરશે.

કુમુદ૦-લોકસંઘ આ તારાઓ પેઠે આપણી દૃષ્ટિમર્યાદામાં ઉભરાય છે પણ તે દૂરથી ચમકારા કરે છે અને આપણે દેશ ચન્દ્રની પેઠે પાસે રહી આપણી દૃષ્ટિને ભરે છે ! આપણે ચકોર દમ્પતી પેઠે તેને જોઈ રહીયે છીયે.

સર૦– એમ જ.

કુમુદ૦- આપણે અલ્પ દેહવાળાં પૃથ્વીપરનાં પક્ષી આ ચન્દ્રનું શું કલ્યાણ કરી શકીશું ?

સર૦– આખો દિવસ એ વિચાર કરી હું શ્રાન્ત થઈ ગયો છું ને હવે એ ચન્દ્રની ચન્દ્રિકા મ્હારા શરીરમાં અને મસ્તિકમાં નિદ્રાનો અભિષેક કરે છે. કુમુદ નિદ્રા મને ઘેરે છે ને નીચે જવા જેટલી સત્તા મ્હારામાં નથી.

કુમુદ૦- એ ચન્દ્રિકામાં જ એટલી સત્તા હોય તે તેને હોડીને આપ અત્ર શયન કરો.

સ્વર૦– હા.

નીચે ઉગેલા ઘાસમાં એ સુઈ ગયો ને ગમે તો નિદ્રામાં એણે જાતે મુક્યું કે ગમે તો કુમુદે પડતું ઝીલ્યું – પણ એનું મસ્તક કુમુદના ખોળાનું ઉશીકું કરી સુઈ ગયું.

એની નિદ્રા ગાઢ દેખાઈ એના નિદ્રાવશ મુખ ઉપર ચન્દ્રનાં કિરણ રમતાં હતાં અને પોપચાં ઉપર ભાર મુકતાં હતાં. એની મુછમાં પવન સરતો હતો. એ સર્વ દર્શન કુમુદ આજ સ્વસ્થ ચિત્તથી કરતી હતી ને વિકાર વિના વિચાર કરતી હતી. ​"આજ સુધી મ્હારી પ્રીતિ સ્વાર્થી હતી. ભોગમાત્રમાં સ્વાર્થ છે ને ભોગની તૃષ્ણાથી થનારી પ્રીતિ સ્વાર્થની જ પ્રીતિ છે: યૌવન થઈ ર્‌હેતાં એ પ્રીતિનો નાશ થાય છે. મ્હારી પ્રીતિને હવે શારીરક ભોગની વાસના નથી. આ પ્રિયજનનું કલ્યાણ જોવું, એને હાથે લોકનું કલ્યાણ થતું જોવું – એ જ હવે મ્હારી વાસના છે. પાઞ્ચાલીદેવીના માથા આગળ કુન્તીમાતા બેઠાં હતાં તેમ આ મંગળ-મૂર્તિના શિરને લેઈ હું બેઠી છું - તે એમના મહાપ્રયાણમાં એમને વિશ્રાન્તિ આપવાને જીવી છું ને જીવીશ ! મન્મથ ! તું હવે બે જણનાં ઉરમાંથી ભસ્મસાત્ થયો છે. પત્નીનું અર્ધાંગનાસ્વરૂપ ઘણે પ્રકારે સધાય છે. જે મહાન્ કાર્ય એમને આરંભવું છે તેમાં હું એમની મન્ત્રી– મન્ત્રિણી – થઈશ, એમનાં સાધનમાં દાસી થઈશ, અનેક ક્‌લેશ ભરેલી એમની લોકયાત્રામાં એમના મનને અનુકૂલ થઈ એમની વિશ્રાન્તિનું સ્થાન થઈશ, અપરિચિત પ્રયાસથી એ ગભરાયા હશે ત્યારે કુન્તીમાતા જેવી થઈ ક્ષમા અને ધીરતા એમની પાસે રખાવીશ, એમના ગૃહસમ્ભારમાં ભોજનાદિ સર્વ પ્રસંગોમાં એમની વેદીને પુષ્ટ કરવામાં માતા વિનાના આ બાળકની માતા થઈશ. મ્હારા ગુણથી એમના કુલનો ઉદ્ધાર કરીશ,– સ્ત્રીએ કરવાનાં એ સર્વ કાર્ય કરીશ[1]! એ સર્વ વાતમાં એમની સ્ત્રી છું તે થઈશ. માત્ર શયનકાળે રમ્ભા થવાનો નિષેધ છે, ચન્દ્રાવલીની પેઠે તે નિષેધ પાળીશ, ને એટલી વાતમાં મ્હારા એમના દમ્પતીધર્મની કળા ન્યૂન ર્‌હેશે – તે પણ એમણે દર્શાવેલા બોધથી એમની સાથેના જ અદ્વૈતના બળથી – તેમાં દોષ નથી – ગુણ નથી. આખા દેશને એમણે પોતાનું કુળ કરી લીધું છે ને તેનો ઉદ્ધાર કરવા ઇચ્છે છે તેમાં હું એમની આમ ધર્મપત્ની થઈશ ને સ્થૂલ ભાગમાં વિરક્ત રહીશ ! પછી સંસાર મ્હારો કે એમનો શો દોષ ક્‌હાડશે ? ને મ્હારામાં દોષ ન છતાં સંસાર દોષ દેખશે તે દેખો.

"अपापेऽहं कुल जाता माये पापं न विद्यते । यदि सम्भाव्यते पापमपापिन्या हि किं मया॥[2] “આ મહાત્માને પ્રસંગે રંક કુમુદને આજ આટલું મને બળ આપ્યું છે. કુમુદ ! ત્હારામાં કાંઈ સત્વ નથી, સુન્દરતા નથી, કે પવિત્રતા નથી તેમાં આ નરરત્ન સુન્દરતા જુવે છે, પવિત્રતા માને છે, ને સત્વ મુકે છે ! ત્હારું કર્તવ્ય એટલું જ કે એની પ્રીતિને – કૃપાને - પાત્ર થવું એ દીવા પેઠે પરમ જ્યોત ધરે તેને માટે એમની વાટ સંકોરવી, ને એમાં તેલ પુર્યા કરવું ! એટલો નિર્દોષ અધિકાર પામી છું તો તે પાળીશ.”

સરસ્વતીચંદ્રને કપાળે હાથ ફેરવતી ઉંચે જોઈ ધીરે સ્વરે ગાવા લાગી;

આકાશના ચંદ્ર ! આ ચંદ્ર ત્હારાથી વધારે છે ! મ્હારે માટે આવું તે આનું વ્હાલ છે, મ્હારે માટે આવા તે આના હાલ છે ! પુરો શ્રીમાન ને વિદ્વાન આ મ્હારી પ્રીતિમાં થયો બેહાલ આ ! મને સુઝતાં નથી માતા ને પિતા, ત્યજ્યા મ્હારે માટે એણે તો પિતા ! ત્યજી લક્ષ્મી, ત્યજ્યાં ગૃહમિત્રને, શોધી એકલી રંક કુમુદને ! એને માટે ઇચ્છું તે ઓછું પડે, એને માટે શોધું તે ના જડે. ચંદ્ર ! તેજ ત્હારું જડ સર્વ છે; મ્હારા ચંદ્રમાં ચેતન–રસ બધે !” ગાવું બંધ કરી હાથ ફેરવતી ફેરવતી બેાલ્યા ચાલ્યા વિના બે કલાક એ જ દશામાં બેસી રહી ને પ્રિયમસ્તકનો ભાર એના ખોળાને જણાયો જ નહી. અંતે સરસ્વતીચંદ્ર હાલ્યો, જાગૃત થયો, બેઠો થયો, ને બે જણ સ્વસ્થ થઈ નીચે ગયાં. ઓટલાને એક છેડે એ બેઠો ને બીજે છેડે કુમુદ બેઠી. કુમુદે વાત ક્‌હાડી.

“હવે આપણે મ્હારી વાતો કરવાની કાંઈ બાકી નથી. આપે આપનું આયુષ્યશેષ કેવી પ્રવૃત્તિમાં ગાળવું ધાર્યું તે સમજાવો.

સર૦- ઘણા વર્ષના મ્હારા અભિલાષ સિદ્ધ કરવાનો માર્ગ આ સ્થાને અને તમારા અદ્વૈતે જ મને સુઝાડ્યો છે. મધુરી ! મને એક વાર ક્‌હો - સ્પષ્ટ – અને અંત:કરણ ઉપર વાસેલા આગળા ઉઘાડી – કહી દ્યો કે આપણાં જીવનનો સમાગમ તમે કેવળ સૂક્ષ્મ ઈચ્છો છો કે સ્થૂલ ને સૂક્ષ્મ ઉભય ઇચ્છો છો ? તમે જે માર્ગ ઇચ્છશો તેને અનુકુળ રહી મ્હારી અભિલાષસિદ્ધિ શોધવાનું મને સુઝયું છે. ​કુમુદ૦– જો આમ કે તેમ બે વાતને માટે અનુકૂળ માર્ગ આપને સુઝ્યો છે તો આ પ્રશ્ન તેને માટે નકામો નથી ?

સર૦– જો આમ હોય તો એક માર્ગ છે ને તેમ હોય તો બીજો માર્ગ છે. એમ બે જુદા માર્ગ જડે છે માટે પુછવાનું થાય છે.

કુમુદ૦– સ્ત્રીજનના હૃદયનો સ્વભાવ આપ સમજો છો. મ્હારી બુદ્ધિ અનેક નિર્ણય કરી એક નિર્ણય ઉપર આવી છે એ સત્ય છે; પણ સ્ત્રીનાં હૃદય દીવાની જયોત જેવાં છે તેનો શો વિશ્વાસ ? અમારી બુદ્ધિઓ અમારા હૃદયના હાથમાં ને હૃદયનો દીવો ૫વનના હાથમાં. આપના જેવા સમર્થ સત્પુરુષો અમારે માટે જેવાં ફાનસ રચશો તેમાં અમારી શક્તિ પ્રમાણે અમારા હૃદયના દીવા બળશે ને આપને પ્રકાશ આપશે. મ્હારે માટે કેવું ફાનસ આપવું એ આપને સુઝતું ન લાગ્યું માટે જ ચન્દ્રકાન્તભાઈને પુછવા ઉપર રાખ્યું. જ્યારે વ્હાણના પોતાના સ્હડ ચાલતા નથી ત્યારે વહાણવટી ખલાસીઓને હલેસાં મારવા બેસાડે છે. જ્યારે આપણા સ્હડ ન જ ચાલ્યા ત્યારે આપના સન્મિત્રને હલેસાં ઉપર બેસાડવાનું મને સુઝ્યું તે કહ્યું. મને લાગે છે કે હવે આપને જે જુદાજુદા માર્ગ સુઝયા હોય તે સર્વ મને કહી દ્યો. આ વિષયમાં આપના પૌરુષ હૃદયનું તેજ ધારવાને મ્હારું સ્ત્રૈણ હૃદય ઉત્કટ આતુર થઈ ગયું છે. પ્રિય મેઘની વૃષ્ટિને માટે જેમ પૃથ્વી ઉકળે તેમ આપના હૃદયમાંથી થવાની વૃષ્ટિને માટે હું આતુરતાથી ઉકળું છું, ને આપની વૃષ્ટિ કલ્યાણકર જ હશે એવી શ્રદ્ધાથી તેની ધારાઓનું મ્હારા હૃદયકમળમાં આધાન પામવાને માટે સજજ છું.રાત્રિના અન્ધકાર જેવા સંસારના અન્ધકાર આપણી બેની વચ્ચે અંતરાયરૂપ થયા છે તે છતાં આપની રસગર્જના એ અન્ધકારને ભેદી મ્હારા હૃદયમાં સંભળાઈ છે, ને અનેક શોકથી શ્યામ થયેલા મેઘના જેવા આપના તેજને હું રંક પૃથ્વી જેવી નીચેથી દેખું છું ![૧] હવે એ પડદો ચીરી નાંખો ! આપના મનમાં જે પુરુષાર્થનો અભિલાષ ઘણા કાળથી બંધાય છે તે મ્હારા હૃદયમાં રેડી દ્યો ને શાસ્ત્ર પ્રમાણે વિવાહફલનો ઉચ્ચગ્રાહ - આપ દ્યૌ ને હું પૃથ્વી – તે સિદ્ધ કરી દ્યો ! ઓ

૧. વિશ્વમ્ભરા પ્રિયતમા પ્રિયમેઘ કાજ આતુર સજજ થઈ ઉરથી ઉકળે છે; આ અન્ધકાર યમતુલ્ય પુડ્યો જ વચ્ચે: દેખે ન મઘ અવનિ, અવનિ ન મેઘ. એ મેઘ ત્હોય પુરૂષાર્થ ઘણો રચે છે, ઉરે જમાવી રસ, ગર્જનને કરે છે, એ ગર્જના કરી પ્રતિધ્વનિને શુણે છે, ને કૃષ્ણકાય યમ સઉ શુણતો ધ્રુજે છે. શુણી પતિતણી ગભીર જ વીરહાક, આલ્હાદ પૃથ્વી ધરતી ત્યજતી વિષાદ; અત્યન્ત તેજ રસશ્યામ ધરે પયોદ, તે પૃથ્વી પ્હોચતું ચીરી પટ અન્ધ સન્ધો ! સ્નેહ મુદ્રા. કાંડ ૮૨ (શ્લોક ૩૮–૪૦) ​મ્હારા પ્રિયતમ પ્રિય ! આપની જે કુમુદ સ્વભાવે રંક, અજ્ઞાની, ને લજજાશીલ છે તે આ સ્થાનનાં કોઈ સત્વોને બળે આજ આપની પાસે બલવતી, પ્રબુદ્ધ, અને ધૃષ્ટ થાય છે![૧]

સર૦– અવશ્ય આ સ્થાનને અને થયેલાં સ્વપ્નોનો પ્રભાવ તમને આ નવી પ્રકૃતિ આપે છે ! અથવા સિદ્ધાંગનાઓએ સ્વપ્નમાં આપેલા અદ્વૈત-વસ્ત્રના છેડા તમને આ સૂક્ષ્મ પ્રીતિની વિકાસ-અવસ્થાનો અનુભવ આજના પરિપાક પામેલા જાગૃતમાં આપે છે !

કુમુદ૦– જે હો તે હો ! આપ હવે આપના મનોરથ મને કહી દ્યો કે એ મનોરથની ધરીએ જોડવાના બે અશ્વને સ્થાને આપણે બે તરત જોડાઈ જઈએ. આપના હૃદયમાં મ્હારું હૃદય પ્રવેશ કરે છે તેને માટે દ્વાર ઉઘાડાં મુકો !

સર૦– મધુરી પ્રિયા ! એમ જ છે તો સાંભળો. મ્હારી જનની જેને આપણે સિદ્ધરૂપિણી જોઈ તેની પાસેથી અને મ્હારાં પિતામહી પાસેથી મને મળેલું દ્રવ્ય હું મુંબાઈ છોડતી વેળા ચંદ્રકાંતને આપતો આવેલો છું. એ તેમનું શુદ્ધ સ્ત્રીધન તેમના દાયાર્દ[૨]રૂપે હું પામેલો છું. કુમુદની સુન્દર મૂલ્યવતી છબી એને માટે કલ્પેલા રંગભવનમાં રાખી અને એને આપવાની મુદ્રા વિશેષ વ્યય કરી તૈયાર કરાવી તે આ દ્રવ્યના પ્રતાપથી એ છબી મુંબઈમાં રહી, અને તે પ્રતિકૃતિની પ્રકૃતિરૂપ કુમુદને જ આજ હું આમ નવીનરૂપે પામું છું. એ તને આપવાની મુદ્રા સુવર્ણપુરથી નીકળ્યા પછી એક દુ:ખી વણિકને દ્રવ્યવાન કરવાને મ્હેં પ્હેરાવી દીધી છે અને કુમુદને માટે આ સિદ્ધાંગનારૂપ થયલી શ્વશુર–જનનીએ આપેલી ચિન્તામણિ મુદ્રા જ તેમની પૌત્રીને આપવાને મ્હારી પાસે શેષ રહી છે.


१. अन्यदाभूषणं पुंसां क्षमा लज्जेय योषिताम् पराक्रमः परिभवे वैयास्यं सुरतेष्विव ॥ માઘ. ૨. વારસ. ​ કુમુદ૦– સ્થૂલ સૂક્ષ્મ પ્રીતિના એ સ્થૂલ પ્રસાદ જાતે આમ છુટા પડ્યા તે કેવળ-સૂક્ષ્મ પ્રીતિને ઉચિત જ થયું છે. હવે આ કન્થાઓમાં જ આપણી સ્થૂલ સમૃદ્ધિની સમાપ્તિ રહે તેમાં ચન્દ્રાવલીમૈયાએ જીવાડેલી કુમુદના જીવનનું પરિપૂર્ણ સાફલ્ય છે.

સર૦– કુમુદ - કુમુદસુંદરી! સિદ્ધ પ્રીતિના અદ્વૈતને બળે ઘડીમાં તમને તું કહું છું ને ઘડીમાં તમે કહું છું – ઘડીમાં કુમુદ કહું છું ને ઘડીમાં કુમુદસુંદરી કહું છું! ક્રમ વિના આમ ઘણુંક અર્થ વિનાનું મ્હારાથી અને તમારાથી બેથી બોલાઈ બકાઈ જવાય છે[૧] તે ભાગ બાદ કરી બાકીનું સમજી સંગ્રહી લેજો. આજ સુધી અનેક વિચારો મનમાં ઘોળાયા કરતા હતા તેમને સ્થાને હવે એક વિચાર પરિપાકદશામાં આવતો જાય છે – તેમાં તમે મ્હારાં સહધર્મચારિણી થશો એવી શ્રદ્ધા થઈ છે. મ્હારી જનનીએ ને માતામહીએ મળી મ્હારે માટે ચાર લક્ષ રુપીઆ મુકેલા હતા તેના વ્યાપારાદિ સાધનથી મ્હેં આજ લગભગ છ સાત લક્ષનો સુમાર વધારા સહિત કરેલો છે. એ સર્વ સંગ્રહ મ્હારા સર્વ મનોરાજ્યની સિદ્ધિને માટે પૂર્ણ નથી. કાળ જતે – ચાર વર્ષે કે પાંચ વર્ષે – તે સંગ્રહ મ્હારા મનોરાજ્યના એક અંગને માટે બસ થશે ત્યાં સુધી ચન્દ્રકાંતના હાથમાં એ વધ્યાં જશે, ને આપણે આ સાધુજનોમાં એકાન્ત અપ્રસિદ્ધ સૂક્ષ્મ જીવન વ્યતીત કર્યા જઈશું.

કુમુદ૦– તે કાળપરિપાક થયે એ દ્રવ્યનું શું કરવા ઇચ્છો છો ?

સર૦– તમારું શરીર હવે અસ્પૃષ્ટ પવિત્ર રહેશે ને તમારી સૂક્ષ્મ કલ્યાણ સમૃદ્ધિનું હું આસ્વાદન કરી શકીશ તે જ રીતે મ્હારી એ લક્ષ્મીનું શરીર અસ્પૃષ્ટ રહેશે – તેનો વ્યય નહીં થાય અને તેના ઉત્પન્નનો વ્યય થશે. એ ઉત્પન્નમાંથી એક વર્ષ આ દેશમાં વિદ્વાન ધનવાન વ્યાપારી ઉત્પન્ન થઈ શકશે ને બીજે વર્ષ દેશની રંક પ્રજાનાં કલ્યાણનાં બીજ રોપાશે. એમ ઉત્પન્નમાંથી વર્ષે વર્ષે વારાફરતી ચિરકાળની વ્યવસ્થા થઈ શકશે. “બી.એ.” સુધીની પરીક્ષામાં તરી ઉતરેલા વિદ્વાનોમાંથી જેને વ્યાપારી થવાની શક્તિ અને વૃત્તિ હશે એવા બુદ્ધિમાન્ નરોમાંથી એક જણને કંઈ નિયમો પ્રમાણે શોધી ક્‌હાડી તેને વ્યાપારકાર્યમાં સિદ્ધ કરી શકાશે, અને એવી કલ્પના છે કે આવા નરને તે સિદ્ધિને અંતે ચાળીશ હજાર રુપીઆની ઓછામાં ઓછી મુડી મળે. તે નરનું શોધન થાય કે તરત તેણે આ દેશમાં જ કોઈ સમર્થ વ્યાપારીઓ પાસે વ્યાપારમાં સિદ્ધ થવું અને

१ जास्यतोग्क्रमेण. ઉત્તરરામ. ​તેણે માત્ર ત્રીશ રૂપીઆના માસિક વેતન - પગાર – થી પોતાના વ્યયનો નિર્વાહ કરવો. આ પ્રમાણે બે વર્ષ તેણે આ દેશમાં વ્યવહારમાં આવી રીતની કરકસરથી ર્‌હેતાં ને વ્યાપારીની કળાનું ઉપાર્જન કરતાં શીખવું. તે પછી તેણે ત્રણ વર્ષ યુરોપમાં કે અમેરિકામાં અથવા બે દેશમાં મળી ગાળવા ને ચાળીશ હજારની મુડીના વ્યાજમાંથી એ દેશોમાં તેણે નિર્વાહ કરવો અને વ્યાપારકળામાં નિપુણ થવું. તે પછી પૃથ્વીના બીજા કોઈ ભાગમાં એક વર્ષ, ને અંતે આ દેશમાં બે વર્ષ, ગાળવાં. એના સર્વ પ્રવાસનું યોગ્ય ખર્ચ તે આ દેશમાં હોય ત્યાં સુધી માત્ર રુપીયા ત્રીશનું અને પરદેશમાં ચાળીશ હજારના વ્યાજ જેટલું એને વેતન આપવું. આટલાં વર્ષ તેના પોતાના ધારેલા વ્યાપારમાં સિદ્ધ થવા માટે દ્રવ્યનાં કાંઈ વિશેષ સાધન, અને વ્યાપારમાં સિદ્ધ થયેલા પ્રતિષ્ઠિત ઇંગ્રેજ અને દેશી વ્યાપારીયોના આશ્રય અને અભિપ્રાય, – એટલી વસ્તુઓ એને મ્હારે અથવા મ્હારા પ્રતિનિધિ પુરુષોએ પ્રાપ્ત કરાવવી. આટલાં વર્ષની આટલી સિદ્ધિ તે પૂર્ણ પ્રયત્નથી ને સદ્બુદ્ધિથી પામ્યો છે એવો નિર્ણય થાય કે તેને ચાળીશ હજારની રકમ આપી દેવી અને તેનો તે સારો ઉપયોગ કરી પોતાનું ને દેશનું કલ્યાણ કરવા સમર્થ થાય એવો આશીર્વાદ આપવો. જો આ ઉપરાંત તે નર કોઈ બીજી દ્રવ્યોત્પાદક કળા કે શાસ્ત્રીય વિદ્યા પરદેશમાંથી પ્રાપ્ત કરી આવ્યો હોય તે ચાળીશ હજાર ઉપરાંત બીજા દશ હજાર સુધીની રકમ આપવી. આટલા તપથી સિદ્ધ થયલો વ્યાપારી આ દેશમાં અર્જુનનાં રથનાં સૂત્ર ખેંચવામાં સાધનભૂત અને સમર્થ થશે એવી મ્હારી શ્રદ્ધા છે. પોતે પારકે દ્રવ્યે સિદ્ધ થયલો વિદ્વાન્ વ્યાપારી, પોતાનું ને પુત્રાદિકનું પેટ ભરી બેસી ર્‌હેનાર કે મૂર્ખ વાસનાઓની તૃપ્તિ શોધનાર કે વ્યાજ ખાઈ અનાથ વિધવા પેઠે આળસુ ને મન્દ ગતિનો જન્તુ, નહી થાય પણ અર્જુન પેઠે ફરતો ચરતો અને અપૂર્વ અદૃશ્ય અસ્ત્રો વસાવી ફેંકતો થશે ને આ દેશની પાંચાલીની ને પોતાના ચારે ભાઈની સમૃદ્ધિઓને ઉત્પન્ન કરનાર થશે. કુમુદસુન્દરી, આવા નરો ઈંગ્રેજ હનૂમાનના સમર્થ શિષ્યો થઈ દૃષ્ટા થશે, પોતાના યુગને ઉચિત નીતિ આપશે, મ્હોટી ક્રિયાઓ રચશે, જિષ્ણુ થશે, અને પોતાના જેવા અનેક નરોને ઉભા કરશે. મલ્લમહારાજની વેધશાળામાં અર્જુનનાં પાંચે આસન છે તે આવા નરોની ક્રિયાથી આ દેશમાં ઉભાં થશે. વિદ્યાથી ઋષિ, ક્રિયાથી રાજરૂપ, ને સૌમનસ્યથી ઇન્દ્ર જેવા લોક, આ નરોની સૃષ્ટિમાં અવતાર લેવાનું ધર્મક્ષેત્ર દેખશે. ઇન્દ્ર ચરનારનો મિત્ર છે, સત્ય યુગ ચરવામાં ​છે - સુવામાં નથી – એ મિત્રની અને એ યુગની પ્રાપ્તિનું બીજ આવા વિદ્વાન ધનવાન પુરૂષોના ઉત્ક્રમથી થશે એવી મ્હારી શ્રદ્ધા છે.

કુમુદ૦- જ્યારે આપના છસાત લક્ષ અધુરા લાગે છે ત્યારે પચાસ હજારની રકમમાંથી તે શી રીતે આ નર આવા થશે ?

સર૦– એ પચાશ હજાર તો એમને માત્ર રથ આપશે પણ એ રથમાં બેસી પોતાની સિદ્ધિને બળે એ લોક કાળક્રમે પચાશ લક્ષ વસાવી શકશે. કુમુદસુન્દરી ! એ લોકના યોગ અને પરાક્રમ આ દેશને કલ્યાણકારક નીવડશે. દ્રવ્યવાન અપંડિતો, રંક પંડિતો, અને દ્રવ્યવાન અને એકલપેટા હાથપગ વિનાના વિદ્વાન્ અદૃષ્ટાઓ - એ સર્વને સ્થાને આ માર્ગથી જ આ દેશમાં અર્જુનનું વીર્ય સફલ થશે. અનેક લોકને દ્રવ્ય કમાવાને માર્ગ સુઝતો નથી તેને આવા દૃષ્ટાઓની દ્રષ્ટિ અને ક્રિયા ખાતાપીતા અને જોતા કમાતા કરશે. મ્હારી ટુંકી લક્ષ્મીની મર્યાદાને લીધે માત્ર બબે વર્ષે આવો એક જ નર નીવડી શકશે તે તો ઈશ્વરની ઇચ્છા ! પણ જે ઈશ્વર મને આટલા વિચાર સુઝાડે છે તે આટલા બીજથી બીજાઓને અનેકધા વિશેષ સમર્થતા આપશે. બાર વર્ષમાં આવા છ પુરૂષો નીવડશે તેઓ સમુદ્ર ઓળંગી પરદેશની કળાઓને અને વિદ્યાઓને આણશે તેની સાથે જ આ દેશનો ધનંજય પોતાની દૃષ્ટિ, જય, અને વિભૂતિનું દર્શન કરાવવા માંડશે.

કુમુદ૦- એ કાર્યમાં મ્હારો ધર્મસહચાર કેવી રીતે કામમાં લાગશે ?

સર૦- પારદેશીય રસસામગ્રી લેઈ આવેલાઓને માટે સુભદ્રાઓ ઉભી કરવી એ મ્હારી કુમુદનું કામ – તે ભાવી કાળમાં વિચારીશું. હવે એક વર્ષે આવા નરો ઉત્પન્ન કરવા તો બીજે વર્ષે મ્હારી ટુંકી લક્ષ્મીના ઉત્પન્નનું શું કરવું તે સાંભળ. વૃદ્ધોની વૃદ્ધાવસ્થાનો આધાર તેમનાં યુવાવસ્થ પુત્રવધૂઓમાં છે; બાલકોનો આધાર તેમનાં યુવાવસ્થ માતાપિતામાં છે; રાજ્યનો આધાર પણ યુવક પ્રજાનાં સામર્થ્ય અને સન્મતિમાં છે. ચારે આશ્રમનો આધાર જેવો ગૃહસ્થાશ્રમ ઉપર છે તેમ સર્વ અવસ્થાઓનો આધાર યુવાવસ્થા ઉપર છે. તે જ ન્યાયે અને તેથી અધિક ન્યાયે એ સર્વ અવસ્થાઓનું ને સર્વ પ્રજાનું કલ્યાણ દેશના વિદ્વાનો ઉપર છે ને વિદ્વાનોનો આધાર તેમની યુવાવસ્થાના સાફલ્ય ઉપર છે. જો આપણે તેટલા સાફલ્યનાં બીજ રોપી શકીશું તે સર્વ વૃક્ષો જાતે સમૃદ્ધ અને બલવાન્ થશે. ઇંગ્રેજ લોકે ઘણી સૂક્ષ્મ બુદ્ધિથી, ઘણી દીર્ઘ દૃષ્ટિથી, અને અનેક નીતિધર્મના વિચારના દોહનને અંતે, આપણા વિદ્વાનોની જે વાડી આ દેશમાં ઉભી કરી છે તેના ​માળીનું કામ આપણે કરીશું. આપણે આપણાં સૂક્ષ્મ જીવનની લોકયાત્રા આ વિદ્વાનોનાં મન્દિરોમાં ને ઝુંપડાંઓમાં કરીશું. એ લોકનાં ગુપ્ત અને પ્રકટ સ્થાનોમાં અને હૃદયોમાં આપણે આપણી બેની પરિવ્રજ્યા કરીશું અને એ ક્ષેત્રોમાંના અંતરાત્માની સ્થૂલ સૂક્ષ્મ ગતિને જોઈ લેઈશું. આપણા પુરુષવિદ્વાનોમાં હું ફરીશ, ને તેમની સ્ત્રીઓમાં તું ફરજે. તેમની સ્ત્રીઓના આધિ, વ્યાધિ, અને ઉપાધિ તું જોઈ લેજે ને તેમના સ્વામીઓના આધિ વ્યાધિ ઉપાધિ હું જોઈ લેઈશ. આપણે તે બે વર્ગનું તેમના કલ્યાણ માટે ને દેશના ઉદ્ધાર માટે સંયુક્ત સખીકૃત્ય કરીશું. પિતામહપુરમાં જે પ્રતિબિમ્બ જોયાં તેના મૂળ પદાર્થ આપણે જોઈ લેવા. તે પછી તેમનાં જે ઘરમાં જેવાં દુ:ખ હોય તે નષ્ટ કરવા આપણે તેમને શક્તિ આપવી.

એમની સ્ત્રીયો પંડિત થાય, રસજ્ઞ થાય, કુટુમ્બપોષક થાય, સ્વસ્થ થાય, શરીરે બલવતી, રોગહીન અને સુન્દર થાય, યોગ્યતાના પ્રમાણમાં કુટુમ્બબન્ધનમાંથી તેઓ મુકત – સ્વતંત્ર થાય ને તે મુકતતાથી ને સ્વતંત્રતાથી કુટુમ્બની ભુખ ઇચ્છાઓ અને ક્લેશમાંથી છુટી એ કુટુમ્બનાં ખરાં કલ્યાણ કરવા શક્તિમતી અને ઉત્સાહિની બને, કુટુમ્બના બાળકવર્ગને પોષણ અને શક્તિ આપે અને વૃદ્ધ વર્ગની કલ્યાણવાસનાઓને તૃપ્ત કરેઃ– એવા માર્ગ શોધવા ને લેવા તે મહાકાર્ય ગુણસુન્દરીની પ્રિયપુત્રી નહી કરી શકે તો બીજું કોણ કરી શકશે ? એ કાર્યને માટે બબે વર્ષે આપણે પચાશ હજાર રુપીયાના યોગ્ય ભાગ ખરચી શકીશું ! તે છે તો એાછા – પણ ચલાવી લેઈશું.

કુમુદ૦– આપણી સ્ત્રીયો કુટુંબને પરવશ છે.

સર૦- એટલા માટે જ હું વિદ્વાન્ સ્વામીઓની સ્ત્રીયોને આ આશ્રય આપવા ઇચ્છું છું – કે સ્વામીને શક્તિ આપીએ તો તે સ્ત્રીને આપે. સ્ત્રીને રસોડામાંથી અને ગૃહકર્મમાંથી મુક્ત કરવાનાં સાધન વિદ્વાન્ સ્વામીને હોય તો તે સ્ત્રીને મુક્ત કરે, માટે તું જે સ્થાન યોગ્ય ગણે ત્યાં સ્વામીને હું આવાં સાધન આપીશ ને સ્ત્રીને તે સાધનનો ઉપયોગ કરી ઉચ્ચ જીવનમાં પ્રવેશ કરવાની શક્તિ ને વૃત્તિ તું આપજે.

કુમુદ૦- ગૃહનું વૃદ્ધ મંડળ આ વાતનો તિરસ્કાર કરશે ને ઈતર મંડળ આ સ્ત્રીની ઈર્ષ્યા કરશે.

સર૦— એ સર્વ મંડળને પણ આ સાધનનો લાભ મળે તો તેમને પણ આવા જીવનનો લોભ આપણે આપીશું. હું ને તું એકલાં આ સમારંભને ​માટે બસ નથી. માટે આપણા દેશમાં સમર્થ સ્ત્રીયો થાય ત્યાં સુધી ઇંગ્રેજોની કુલીન સ્ત્રીયોને સારા પગાર આપી આપણી આવી સ્ત્રીયોમાં જતી આવતી ને વાર્તાથી ને સહવાસથી ઉચ્ચ જીવન આપતી કરીશું. આપણી સ્ત્રીયોને ઘેર બેઠે આમ ગંગા પ્રાપ્ત કરાવીશું ને એ સ્ત્રીયોને પણ ધીમે ધીમે ગૃહકાર્યમાંથી મુક્ત કરી બહાર ક્‌હાડીશું ને પરદેશની ને આપણા દેશની પંડિત સ્ત્રીયોને એકઠી કરવાનાં ને બોધ અને રસ આપવાનાં સ્થાન રચીશું. આપણી વિધવાઓને આવા નવા ઉપદેશક ઉદ્યોગને માટે પાળી,પાપી, શક્તિમતી પરિવ્રાજિકાઓ કરીશું. આ વાડીમાં કાળક્રમે આપણી બાળકીયો ઉત્સાહ માનતાં શીખશે ને તે બાળકીયો નવા યુગની તરુણીયો થઈ જાતે જ આ સમારંભનો ભાર ઉપાડી લેતાં શીખશે. કુમુદ! આ કાર્યમાં ત્હારા વિના હું કાંઈ કરી શકું એમ નથી. સ્ત્રીયોમાં આવા કાર્યને અર્થે પણ પુરુષ ભળે તો લોક અનાચાર ગણે અને તેની સાથે જ એ સમારમ્ભ ઉપર અશ્વત્ત્થામાનો ભાર ઉછળી પડે ને સર્વ વાત ભાગી જાય.

કુમુદ૦– આ સ્થાનની સાધ્વીઓ તેમાં ન ભળે ?

સર૦– સંસારને ભ્રષ્ટ ગણી તેઓ તેનાથી દૂર રહે છે ને તેનો સંસર્ગ તેઓ ઇચ્છતી નથી. આ વિચાર કંઈ ખોટો છે ? આપણું સ્થૂલ વરણવિધાન સંસારમાં પુનર્લગ્ન ગણાય ને તેની સાથે જ આપણો પોણો સમારમ્ભ ભાગી નાંખવા જેવી આપણી અપકીર્તિ થાય – ને તેને સટે સાધુઓ તો આપણા મનઃસંયોગને જ લગ્નરૂપ ગણે છે. એ સાધુઓથી તો સંસાર દૂર ર્‌હે તે જ સારો ! નીકર શંકાપુરીએ બિન્દુમતી ઉપર દૃષ્ટિ કરી ને આપણી ગણના કરી તેવી દૃષ્ટિ ને તેવી ગણનાનાં પાત્ર આ સાધુજન થાય તો અનેક યુગોના કાલવિવર્ત વચ્ચે અખંડ રહેલો આટલો દીપ હોલાઈ જાય ને તે મહાઅનર્થ થાય. માટે જ મ્હેં આપણાં જીવનની વ્યવસ્થા કલ્પી છે. વળી જુવો. આ સમારમ્ભને માટે આપણા શાસ્ત્રીપુરાણીઓને આપણે સરકારોથી અને દ્રવ્યથી સંભૃત કરીશું અને ઘેરેઘેર તેમની દ્વારા આર્ય સંસ્કારોને પ્રવર્તાવીશું. પાશ્વાત્ય દેશની કુલીન વિદુષી સ્ત્રીયોના અને આ દેશના શાસ્ત્રીપુરાણીયોના, જળ અને અગ્નિ પેઠે અંતરપટથી સહવાસ પામતા, સંસ્કાર આપણાં કુટુમ્બોની આગગાડીઓને નવી સંગત ગતિ આપશે. આપણે આવાં એન્જીન આવી ગાડીઓમાં જોડીશું ને સડકો ને સ્ટેશનો બાંધી આપીશું. આપણાં કુટુમ્બો આ સડકો ઉપર થઈને નવા નવા જ્ઞાન–પ્રદેશોમાં પ્રવાસ કરશે, નવી કલાઓ પામશે, અને નવી સમૃદ્ધિઓ પામશે, જે કથાપુરાણો ઉપર ​આજ તેમની માત્ર સ્થૂલ દૃષ્ટિ પડે છે ત્યાં તેમની સૂક્ષ્મ દૃષ્ટિઓ પડશે અને પિતામહપુરમાં જોયેલા નાગલોકના મણિ અને વિષ ઉભયનાં સત્વ તેમને શુદ્ધ આર્ય જીવન આપશે ને અશ્વત્ત્થામાના રાફડાઓ એાગળવા માંડશે. જે પાશ્ચાત્યોની પરિણામ પામેલી બુદ્ધિના ઉગ્ર સૂર્યપ્રકાશ આગળ તેમનાં નેત્ર ઘુવડનાં જેવાં થઈ જાય છે તે પ્રકાશનું મન્દ સુધાકરસ્વરૂપ પાશ્ચાત્ય ચન્દ્રમુખીઓ આપણા લોકમાં અમૃતકિરણો દ્વારા પ્રત્યક્ષ કરાવશે. બાલક, સ્ત્રી, તરુણ, અને વૃદ્ધ – સર્વે વર્ગોના કલ્યાણના માર્ગ આ સાધનોથી આપણે યાવદાયુષ્ય શોધ્યાં જઈશું. આ પ્રયોગ રાજનગરમાં આરંભી ધીમે ધીમે સર્વ જનપદમાં – જીલ્લાઓમાં ને દેશી રાજ્યોમાં – આપણે વડની વડવાઈઓ પેઠે વિસ્તારીશું. હું તેમાં સર્વના ઉત્કર્ષનાં બીજ જોઉં છું. આપણે જોયેલા અનેક ચિરંજીવોના આશય આપણા લોકના સંસારમાં આમ સાકાર થશે. કુમુદ ! બબે વર્ષે પચાશ હજારની રકમ આ મહાકાર્યને માટે આખરે એાછી પડશે પણ તરત તેથી સારો આરંભ થશે. કુમુદ ! આ વાત એકલો સરસ્વતીચન્દ્ર કરી શકે એમ નથી. એમાં તો સિદ્ધાંગનાઓએ સંસ્કારેલી કુમુદનો જ અદ્વૈતયોગ જોઈએ. આ આપણાં જીવનનો – મ્હારી હાલની ટુંકી લક્ષ્મીવડે સાધવા યોગ્ય – મુદિત આશય તને કહી દીધો.

કુમુદ૦– આપની પાસેની લક્ષ્મીને ઓછી ગણી આપે આ અભિલાષ બાંધ્યો છે; પૂર્ણ અભિલાષ સિદ્ધ કરો તો તેમાં કેટલું સાધન જોઈએ ને કેટલા અભિલાષ કેવી રીતે સિદ્ધ કરી શકો ?

સર૦- મ્હારા પિતાની લક્ષ્મી જગત જાણે છે તેનાથી ઘણી વિશેષ છે; તે મ્હેં સ્વીકારી હત તો મ્હારા અભિલાષ બહુ ખંડિત ન થાત. પણ એ તો થઇ ચુક્યું ને ધર્મથી થયું ને તેમાં गतं न शोचामि. એ લક્ષ્મી મ્હારી પાસે આવી હત તો હું અંહી આવ્યો ન હત, અને આવ્યો ન હત તો આ સ્વપ્નોને બળે મ્હારા અભિલાષનો વિષય આ સ્થાને વધારી દીધો છે તે વધવા પામ્યો ન હત, અને એટલી બધી લક્ષ્મીને કયાં વેરવી ને કોને આપવી તેની ચિન્તા કાળ આવ્યે મ્હારા સ્વભાવ પ્રમાણે મને કાંટાની પેઠે સાલત. એ લક્ષ્મી મ્હારી પાસે હત તો હું શું કરત કે ફરી આવે તો શું કરું એ વિચાર સોમશર્માના[૧] પિતાના વિચારજેવો નિષ્ફળ છે. પણ હાલ તમને કહેલી કલ્પના કરતા પ્હેલાં મ્હારા પૂર્ણ મનોરથનો મ્હેં નકસો ક્‌હાડ્યો હતો અને તે પછી તેમાં જોઈતી લક્ષ્મીનું ગણિત ક્‌હાડતાં

૧. પંચતંત્રનો “શેખચલી” ​તે મ્હારા પિતાની લક્ષ્મીથી કાંઈક સહજ અંશે વધ્યું - એ કાકતાલીય થયું. તે પછી મ્હેં એ કલ્પનાને કાતરી નાંખી હાલની કલ્પના કરી છે. તમારે જાણવા જેવી ગણી તમને જણાવી છે, બીજી નિષ્ફળ છે.

કુમુદ૦– તે નિષ્ફળ હો. તો પણ સ્ત્રીજાતિની સ્વાભાવિક જિજ્ઞાસા મને ઉશ્કેરે છે તેથી પુછું છું ને ક્‌હો.

સર૦– ભલે તો સાંભળો. પરાયાને જેમાં હાસ્યરસ લાગે તેમાં પ્રીતિના હૃદયને અદભુતરસ લાગે છે ને તમારું હૃદય મ્હારા હૃદય વિના બીજા પદાર્થને જાણવા ઇચ્છતું નથી તો તમારી વાસના તૃપ્ત કરવી એ મ્હારો રસ–ધર્મ છે, વળી હવે એમ પણ સુઝે છે કે આપણાથી ન બને તો કોઈ વધારે શક્તિવાળાથી બની શકે એવી કથાઓનું કીર્તન પણ નિષ્ફળ નથી - તેમાંથી શક્તિમાન ને સૂચના મળે ને અશક્તિને ઉચ્ચ વિચારનું પગથીયું જડે. કુમુદસુંદરી ! પ્રથમ વિચાર મ્હેં એવો કર્યો કે આપણા ઇંગ્રેજી વિદ્વાનો, સંસ્કૃત શાસ્ત્રીઓ, અને નિરક્ષર કલાવાનોને માટે એક ન્હાનું સરખું સુરગ્રામ જેવું ગામ કલ્યાણગ્રામ ઉભું કરવું. ઇંગ્રેજો જેમ સીમલા, ડાર્જિલીંગ, મહાબળેશ્વર, અને નીલગિરી વગેરે સ્થાનોએ પોતાનાં તનમનને શક્તિ અને ઉત્સાહ આપવા જાય છે એવાં સ્થાનમાં અને ત્યાં ન બને તે સમુદ્રાદિની તીરે કોઈ બહુ આરોગ્ય – પોષક અને ઉત્સાહક સ્થાનમાં આવું ગ્રામ રચવું. તેમાં આ ત્રણે વર્ગને આધિ - વ્યાધિ - ઉપાધિથી મુક્ત રાખી તેમની સ્ત્રીઓ અને બાળક સહિત આયુષ્ય ગાળવાની અનુકૂળતા કરી આપવી, સુંદરગિરિ ઉપર જે ત્રણ મઠની રચના છે એવાં જ ત્રણ રમણીય ભવન એવી જ વ્યવસ્થાથી આ સ્થાનમાં રચવાં. એ ભવનમાં ર્‌હેવાનાં અભિલાષી સ્ત્રીપુરુષોને તેમાં ર્‌હેવાના અધિકારના કાંઈક નિયમ કરવા. ઇંગ્રેજી પાઠશાળાઓની છેલી પરીક્ષામાં તરી આવેલા વિદ્વનો અને પરીક્ષા લેઈ શોધી ક્‌હાડેલા શાસ્ત્રીઓ, વૈદ્યો, અને કારીગરો – એ સર્વમાંથી પ્રતિવર્ષ અમુક સંખ્યાને આ ભવનમાં વાસ આપવો. વિહારભવનમાં દમ્પતીએ વસે, કુમારભવનમાં સ્ત્રીવિનાના પુરુષો, અને સ્ત્રીભવનમાં વિધવાઓ અને – કાળ જતે આ દેશમાં વ્યવસ્થિત થાય તો - કુમારિકાઓ ને પરિવ્રાજિકાઓ વસે.

કુમુદ૦- એમણે ત્યાં વસીને શું કરવું ?

સર૦– વિદ્વાનોએ ને શાસ્ત્રીઓએ પોતાનાં સર્વે આયુષ્ય આ ભવનમાં ગાળવાં, તે કાળમાં એક પાસથી તેમણે આપણાં વેદ, વેદાંગ, શાસ્ત્રો, સાહિત્ય, પુરાણો, ધર્મો, આચારો, અને બીજી જેજે અક્ષરરૂપે કે ​આચારરૂપ વ્યવસ્થાએ ને રૂઢિઓ આ દેશમાં પૂર્વે કે હાલ પ્રવર્ત્તી કે દેખાઈ છે તેનું શોધન કરવું, આપણા લોકમાં તેમણે ફરવું, જોવું, અને સર્વ પ્રજાના અનુભવોનું તેના મૂળથી મુખ સુધીના પ્રવાહ પર્યત તારતમ્ય ક્‌હાડવું. પાશ્ચાત્ય વિદ્વાનોના શોધ અને વિચારોનો પણ આમાં ઉપયોગ કરવો. પક્ષવાદનો ત્યાગ કરી આ વિદ્વાનોએ સત્યશોધન કરવું, સર્વ પક્ષ અને સર્વ સંપ્રદાય જાણી લેવા પણ પોતાની દષ્ટિ તત્ત્વ અને નિષ્પક્ષપાત સત્ય નિર્ણય ઉપર રાખવી, પિતામહ અને અશ્વત્થામાના ગુણદોષ શોધવા, રાફડાઓમાં પેંસી તેમના ગુણદોષ જોવા, તેમ તેમાંની પ્રકાશમયી નલિકાઓમાં પ્રવેશ કરી સર્વ ભાગ ધીમે ધીમે જોવા, નાગલોકનાં મણિ ને વિષ ઉભય જોઈ લેવાં અને આ દેશના સર્વ યુગોમાં, સર્વ સ્થાનોમાં જે જે પ્રવૃત્તિયો ને નિવૃત્તિઓ થઈ છે તેનું શોધન સાત્ત્વિક દૃષ્ટિથી કરી લેવું. આ દેશની અર્વાચીન અવસ્થાનાં સાંસારિક અને રાજકીય સર્વ અંગ તેમણે જાણી લેવાં અને દેશની સર્વતઃ ચિકિત્સા કરી ભવિષ્યને માટેનાં ઐાષધનું શાસ્ત્ર ખડું કરવું. પિતામહના શરીરમાં પેઠેલા અર્જુનના શર કેમ છુટે, પિતામહનું તેજ લોકમાં કેમ પ્રસાર પામે, અશ્વત્થામાના રાફડામાં તે શર કેમ જાય, પ્રકાશમયી નલિકાઓનો નાશ કર્યા વિના અશ્વસ્થામાએ બાંધેલા રાફડાઓ કેવી રીતે ઓગળે ને અસંખ્ય હાલતા ખડકો અને તેમની વચ્ચેના ચીરાએને સાંધવાની કેમ વ્યવસ્થા થાય, નાગલોકનાં મણિ અને વિષનો કેમ પુનરુદ્ધાર થાય - નાગલોક અને તેમની વડવાઈઓમાંથી આપણને પોષણ અને શક્તિ કેમ મળે ને તે લોકની ને તેમની સૃષ્ટિનો સાક્ષાત્કાર કેમ થાય, અર્જુનદેવ અશ્વસ્થામાના મસ્તિકમાં તેનો મણિ પાછો કેમ મુકે, અને અશ્વત્થામાનાં બ્રહ્મશિરાસ્ત્રની સમૃદ્ધિ આપણે કેવી રીતે પ્રાપ્ત કરવી : આ સર્વ વિષયના ઉંડા શોધ ને પ્રયોગ કરવા – આ આપણાં ભવનના વિદ્ધાનોનું એક કર્તવ્ય.

કંઈક વિશ્રાન્તિ લેઈ વળી સરસ્વતીચંદ્ર બોલવા લાગ્યો: “ કુમુદસુન્દરી ! આટલું બસ નથી. આપણા દેશમાં ચાલતા સર્વે લોકપ્રવાહોનાં સ્વરૂપ અને ગુણદોષ જાણી લેવાં અને પરદેશની – આખી પૃથ્વીની - મહાપ્રજાઓના પ્રવાહો અને પ્રધાનપણે ઇંગ્રેજ લોકના પ્રવાહ પણ સમજવા, એ આ સ્થાનના વિદ્વાનોનું બીજું કર્તવ્ય. આખી પૃથ્વીમાં આજ પાંડવોના રથ ફરે છે ને તેનાં ચક્રના સર્વ આરાઓમાંથી ને ભાગમાંથી ને તસુએ તસુની ગતિમાંથી નવાં શાસ્ત્રો, નવા ​શોધ, નવા પદાર્થ, અને નવાં સુખદુ:ખ પળે પળે પ્રકટ થાય છે, સર્વ લોકની ને પ્રજાઓની શરીરસંપત્તિઓ, સાંસારિક અને રાજકીય વ્યવસ્થાઓ, ધર્મની સંસ્થાઓ, અને સ્થૂલ સૂક્ષ્મ શક્તિયો, આ પાંડવોના ઘોડાએના ખોંખારા અને ખરીયો સંભળાતાં ધ્રુજે છે, બદલાય છે, ને નવીન રૂપ અને પ્રકાશ ધરે છે. આ રથની સાથે ન દોડતી પ્રજાઓ પાછળ પડે છે, ભુખે મરે છે, બુદ્ધિહીન થાય છે, બળહીન થાય છે, પશુ જેવી થાય છે, માટી જેવી થાય છે, નષ્ટ થાય છે – ને અર્જુનના દાવાગ્નિમાં ખાંડવવન પેઠે બળી મરી નષ્ટ થાય છે ! એ સર્વ ચમત્કારોનાં બીજ અને પ્રક્રિયાઓ આપણાં ભવનના વિદ્વાનોએ પ્રાપ્ત કરવાં, ને આ પ્રાચીન દેશના કલ્યાણયોગને માટે પ્રાચીન નવીન યોગવિદ્યાથી એવો પ્રયોગ રચવો કે આ દેશ ખાંડવવનમાં બળવાને સટે અર્જુનને પ્રિય થાય ને એના રથ ઉપરનાં કપિ - આદિ સત્ત્વોના ધારેલા જયધ્વજોનો ધારક થાય.

“એ વિદ્વાનો અર્જુનનાં અસ્ત્રનું સંપાદન કરે તેને માટે આ ભવનોમાં આપણે પુસ્તકશાળાઓ રાખીએ, પ્રયોગશાળાઓ – Laboratories – ની સામગ્રીઓ સંપૂર્ણપણે ભરીએ, કારીગરોની પ્રાચીન કલાઓના જીર્ણોદ્ધારને માટે અને નવીન કલાઓની પ્રાપ્તિને માટે નકુલદેવના સર્વે સંગ્રહના સર્વ ભંડાર વસાવીયે, વ્યાપાર અને ઉધોગના વ્યવહારમાં નિપુણ થવાને પૃથ્વીમાં વપરાતા સર્વ પદાર્થોના નમુના આણીયે, અને પૂર્વ - પાશ્રાત્ય પ્રવૃત્તિઓમાં ભળવાને માટે અંહીના અને બ્હારના વિદ્વાનો અને અનુભવીઓ આ દેશને માટે જે જે વસ્તુનો સંગ્રહ ઉચિત ગણે તે સર્વ વસ્તુઓ આ આપણાં ભવનમાંના વિદ્વાનોના હાથમાં આપણે આપીએઃ આ સર્વ આ સ્થાનમાં આપણું કર્તવ્ય થાય એ મ્હારી કલ્પના અને એ વિદ્વાનો તે વસ્તુઓમાં અને કાર્યોમાં આપણે ખરચેલાં દ્રવ્યનો વ્યય સફળ કરે એ તેમનું ત્રીજું કર્તવ્ય. આ સામગ્રીશાલા સંભૃત કરવી એ મહાન્ વ્યયનું કામ.

“આ વિદ્ધાનોને અને કારીગરોને યોગ્ય , શિક્ષણ, અનુભવ, અને શક્તિ આ દેશમાંની અન્ય શાળાઓમાંથી જેટલાં મળે એટલાં મેળવી રહે તે પછી આ આપણા ગામમાં ર્‌હેવાનો અધિકાર આપવો. તેમને નવા ગુરુ આપવાનું કામ માથે લેવાનું કામ આપણે રાખવું નહી. પણ તેઓ પોતાના વિષયમાં જાતે સ્વતંત્રતાથી ને સ્વાશ્રયથી પ્રવૃત્ત થઈ શકે એટલી વિદ્યા અને બુદ્ધિ તેમને પ્રાપ્ત થાય ત્યારે તેમના પોતાના બળથી ​ને ઉત્સાહથી વેલા પેઠે વધવાને માટે વૃક્ષના જેવો જ આશ્રય આ સ્થાનમાં આપવો. આ સ્થાન આપણા કેવળ વિદ્યાર્થીઓ માટે નહી, પણ શાસ્ત્રોના પાયા બાંધનાર અને લોક વ્યવસ્થાનો રથ રચનાર વિદ્ધાનોને માટે જ સમજવું.

“એ વિદ્વાનોને આપણે આ ભવનમાં સુન્દરગિરિના ત્રણ મઠોની વ્યવસ્થાથી રાખી તેમને, જીવતા સુધી જઠરાગ્નિને માટે ને વિદ્યાને માટે દ્રવ્ય કમાવાની ને કુટુમ્બ પોષણની અને કુટુમ્બકલેશની, ચિન્તામાંથી મુક્ત રાખવા, આટલાથી આર્ય દ્વિજલોકના જેવાં સંતોષ અને ધૈર્ય જેને હોય નહી તેને માટે આ ગામ નથી વસાવવું. असंतुष्टा द्विजा नष्टाः ।; આ વાસમાં આવા સંતોષથી આવાસ શોધે તે આપણો દ્વિજ ! તેને, તેની સ્ત્રીને, અને તેનાં બાળક સંસારમાં પડે ત્યાં સુધી તેમને, માટે, આ ગામમાં ગૃહ-રચના રાખવી, ભોજન અને વસ્ત્રની વ્યવસ્થા રાખવી, વ્યાયામસ્થાન, વિશ્રાન્તિ–સ્થાન, વિનેદિસ્થાન, શયનસ્થાન, અને સમાગમ-સ્થાન, તેમની સર્વની ઉન્નતિને માટે, નિયમસર રાખવાં. તેમનાં માતાપિતા વૃદ્ધ કે અશક્ત હોય ને બ્હાર ર્‌હેતાં હોય ત્યારે તેમનાં ભેાજન ઐાષધાદિકસેવાની વ્યવરથા સારુ યોગ્ય દ્રવ્ય આપવું ને શરીરસેવાને માટે પુત્રાદિકની તેમને આવશ્યકતા હોય તો તેટલો કાળ આ આપણા ગામના રોગાશ્રમમાં આવી ર્‌હે; આપણું માણસ તેમની સેવા કરે, ને આ આશ્રમમાં વસતાં તેમનાં બાળક તેમની પાસે કાળક્ષેપ વિના જતાં આવતાં ર્‌હે. આ અંહી ર્‌હેનાર વિદ્ધાનો અને તેમનાં સ્ત્રીપુત્રાદિક વ્યાધિગ્રસ્ત થાય તો તેમણે પણ એ જ રોગાશ્રમમાં ર્‌હેવું, તેમનાં બાળકને વિદ્યાદાન પણ, વિદ્વાન જીવતા સુધી અને તે પછી બાળક મ્હોટાં થતાં સુધી, અમુક મર્યાદામાં આ સ્થાનમાં જ અપાય. જ્ઞાતિનિયમ ભોજનાદિકમાં આ આશ્રમમાં પળાય પણ તે વિના બ્હારની સૃષ્ટિથી આ વિદ્વાનો સકુટુમ્બ દૂર ર્‌હે. માત્ર વર્ષમાં અમુક માસસુધી પોતાના અવલોકન માટે ને લોકના બોધ, દૃષ્ટાંત, અને કલ્યાણને માટે આખા ભારતવર્ષના પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રદેશોમાં તેઓ પરિવ્રજ્યા કરી આવે. એ કાળમાં બ્હારની સૃષ્ટિ સાથે યથેચ્છ પણ અનિન્ધ વ્યવહાર રાખે. તેમનાં બાળક યોગ્ય વયનાં થઈ સંમતિ આપે ત્યાં સુધી તેમને અંહીના આશ્રમીએ વિવાહમાં યોજે નહી તો તે બાળકોનાં લગ્નને માટે તેમના વેતનમાં જન્મપર્યંત વધારા કરવા.

“આ વિદ્વાનો, શાસ્ત્રીઓ, ને કારીગરોને આટલા સ્વાર્પણથી આ ​સ્થાનમાં રહેવું ઇષ્ટ હોય તો તેમને માટે ઉક્ત પ્રકારે જે વ્યય થાય તે નિયમાનુસાર આપણે આપવું ને તે ઉપરાંત દશથી પચાશ રુપીઆ સુધી માસિક વેતન તેમને જીવતા સુધી આપ્યાં જવું ને આશ્રમમાં આવે તે કાળે તેમનું ઓછું વેતન નક્‌કી કરી યોગ્યતા વધે તેમ તેમ નિયમસર વધારવું. ઓછામાં ઓછા અવિદ્વાન કારીગરને દશ અને વિદ્વાનને પચીશ રુપીઆ આપવા. તે ઉપરાંત કેટલા વધારવા તે પ્રથમ ત્રણ વર્ષની સ્થિતિને અંતે એક વાર નક્કી કરવું ને દશ વર્ષને અંતે બીજી વાર નક્કી કરવું, એમ તે નક્‌કી કરેલી વધારેલી રકમ આશ્રમમાં પ્રવેશ કરે ત્યાંથી તે દશવર્ષ સુધીની, વ્યાજ સહિત, એમને મરણકાળે તેમનાં સ્ત્રીપુત્રને કે પાત્રને મળે, તે ન હોય તો તેમણે કરેલા અનુમૃત્યુપત્ર- “ વિલ ”– પ્રમાણે આપવી, ને વિલ ન હોય તે આ આપણા આશ્રમ તેમનો દાયાદ થઈ લે. દશવર્ષ પછીની રકમ પુરેપુરી તેમને માસે માસે મળે ને તેમનાં મરણ પછી રાજ્યના ધારા પ્રમાણે દાયના અધિકારી હોય તે લે. દશવર્ષ પ્હેલાંની વધારાની રકમ તે કોઈ લોકકલ્યાણના કાર્યમાં વાપરવી હોય તો જ તેના અધિકારી વિદ્વાનને કે કારીગરને હાથે જીવતાં વાપરવા દેવી.

“આ વિદ્વાનોના સમાગમસ્થાનને માટે અનેક ભવનવાળું એક અતિથિપુર અથવા અતિથિપરું રાખવું. તેમાં યોગ્ય પુરૂષોનું આતિથેય કરવું. સર્વ પ્રકારના સંભાવિત ગુહસ્થોને નિયમાનુસાર આ અતિથિભવનમાં આમંત્રણથી આપણે ખરચે બોલાવી તેમનો સત્કાર કરવો. તેમાં એક ભાગમાં સાંપ્રત ભક્તિમાર્ગને યોગ્ય દેવમન્દિરો રાખી એ મન્દિરોમાં આ દેશના ધર્મિષ્ઠ જનોને સત્કાર કરવો. આપણા આશ્રમના સર્વે આશ્રિત જનોના માતાપિતાનાં હૃદય પુત્રવત્સલતાથી દ્રવે એને પુત્રોની કે પુત્રીઓની પાસે ર્‌હેવા ઇચ્છે ત્યારે આ મન્દિરમાં તેમને વાસ આપવો ને તેમનાં બાલકના વેતનમાંથી તેમનું ભોજનખરચ કાળનો અવધિ બાંધી આપવું ને જે માતાપિતા પોતાના દ્રવ્યથી આવું ખરચ નીભાવી શકે એમ હોય તેમને ન આપવું. આ અવધિ ઉપરાંત માતાપિતાને વાસ આપવો ને ભોજન ખરચ તેમનાં બાળકની શક્તિવૃત્તિ હોય તો તે આપે. માતાપિતા વિના ભક્તજનો, ધર્મવ્યવસ્થાપકો, શાસ્ત્રીયો, પુરાણીયો, સંન્યાસીઓ, આદિ અન્ય સજ્જનો આ સ્થાનમાં આદરસત્કાર પામે અને પોતપોતાના સંપ્રદાયના મંદિરમાં આવાસ પામે - આપણા આશ્રિત જનોમાંથી જેમને તેમના સમાગમનો લાભ લેવો હોય તે લે. ​“વળી આ દેશની અનેક અવ્યવસ્થાનો કર્તા અશ્વત્થામા દુઃખી આર્યોનાં આશ્વાસન અને સદ્ગતિને માટે આ દેશની વિપત્તિઓના અંધકારને માથે આ મંદિરોમાંની વીજળી પાસે ચમકારા કરાવી ર્‌હે છે. તે વીજળીનો ભુલ્યે ચુકયે નાશ કરવા જેવું નથી. એ વીજળી ઘડીક આકાશમાં ચમકારા કરે છે, ઘડીક પૃથ્વી ઉપર આવે છે, અને તેવે સમે અશ્વત્થામા ઉન્માદ છોડી શાંત થઈ અનેક ઉડાં ગાન કરે છે ને દુ:ખી અને અનાથ આર્યોનાં કમ્પતાં હૃદયમાં અનેકધા અમૃતવૃષ્ટિ કરે છે તે મ્હેં સુરગ્રામનાં મન્દિરોમાં પ્રત્યક્ષ કરેલું છે. કુમુદસુન્દરી ! આ મન્દિરોનો આવા મંગલ ભાગનો આપણે અનેકધા સત્કાર કરીશું અને આપણા આશ્રમના આશ્રિતો પાસે તે મંદિરોને નવા સંસ્કાર અને નવા ઉત્કર્ષ અપાવીશું. આ મન્દિરોમાંના અતિથિયો અને આપણા આશ્રિત આશ્રમીઓનો સમાગમ તે ઉભય વર્ગ વચ્ચે અનેકધા પરસ્પર લાભની આપ-લે કરાવશે અને પ્રજાઓમાં નવા સંપ ને નવા જંપ આપશે.

“આપણા દેશના પાસેના અને દૂરનાં ભાગોના અનેક જ્ઞાતિયોના વર્ગ; વૃદ્ધો, યુવાનો અને બાળકો; ભાતભાતની જાતજાતની સ્ત્રીયો; નાતજાતના પટેલો, શેઠો, અને ગોરગોરાણીયો; તીર્થવાસીયો ને યાત્રાળુઓ; જુનાં મતનાં અને જુની ચાલનાં અને નવાં મતનાં નવી ચાલનાં મનુષ્યો; સાધુઓ, સંન્યાસીયો, અને યોગીયો, આદિ અનેક વર્ગની અનુભવી અને અનુભવહીન વ્યક્તિયોનો સત્કાર, એ જ મન્દિરોમાં અને તેને જોડેલી ધર્મશાળાઓમાં કરવો ને તેમની પાસેથી જાણવાનું જાણી લેવું. આપણા આ સર્વ લેાક ખાય છે પીયે છે શું અને કેવી રીતે, તેમનાં ગૃહ અને ગૃહસંસાર કેવી રીતે બંધાય છે અને મંડાય છે, તેમાં શી શી છત છે ને શી શી ખામી છે, તેઓ દ્રવ્ય તેમ વિદ્યા અને અનુભવ કેમ આણે છે, કેમ સુધારે છે, કેમ ખરચે છે, ને કેમ બચાવે છે, આ અને આવી આવી અનેક ન્હાની મ્હોટી વાતો ઇંગ્રેજી અને દેશી વૈદ્યક શાસ્ત્રની દૃષ્ટિથી, અર્થશાસ્ત્રની અને વ્યાયામશાસ્ત્રની દૃષ્ટિથી, નીતિશાસ્ત્ર અને સંસારશાસ્ત્રની દૃષ્ટિથી, કવિ અને કારીગરની દષ્ટિથી, રાજકીય અને પારમાર્થિક વિદ્યાની દૃષ્ટિથી, શોધવાની છે, જોવાની છે, ચારે પાસથી તપાસી લેવાની છે, રક્ષણીય મર્મમાં રક્ષવાની છે, અને વર્જનીય ભાગમાં કાપી નાંખવાની છે, દેશકાળ પ્રમાણે બદલવાની ને સુધારવાની છે, અને ટુંકામાં અનેકધા સુવ્યવસ્થિત કરવાની છે. આ રંક દેશનું ધન અનેકધા નષ્ટ થયું છે, થાય છે, ને થવાનું હશે, પણ તે સર્વ વમળ વચ્ચે સ્વસ્થ અને નિર્ધન જીવન ગાળી ​જીવવાની કળા અશ્વત્થામાના રાફડાઓમાં વ્યાપી રહી છે તે અમૂલ્ય કળાનો પાશ્ર્વાત્ય સંસર્ગથી નાશ થશે તો મહાહાનિ થશે, માટે તે કળાનાં મર્મ પણ જાણી સાચવી રાખવાનાં છે. આ સર્વ કર્તવ્યમાં આ મંદિરોના અતિથિયોનો સમાગમ બોધક અને ફલપ્રદ થાય એ આપણા આશ્રમના વિદ્વાનોનું એક બીજું મ્હોટું કર્તવ્ય. એક પાસથી ધનનો ક્ષય થાય, બીજી પાસથી ધન કમાવાની કળામાં આપણા લોક હારી જાય, ત્યારે ત્રીજી પાસથી નિર્ધન જીવન ગાળવાની, નિર્ધન જીવનમાં શરીર અને સંસારના ધર્મ અને મર્મ રક્ષવાની કળા પણ નષ્ટ થાય તો આ દેશનું આયુષ્ય પુરું થયું સમજવું. પ્રિય કુમુદસુન્દરી ! પિતામહના શરીરમાંથી અર્જુનના શર છુટે કે ન છુટે, પણ તેમના કાળમાં આ દેશ સમૃદ્ધ અને સ્વતંત્ર હતો પણ હાલ નથી. માટે અશ્વત્થામાનું આયુષ્ય પુરું થાય ત્યાર પ્હેલાં તેની આવી આવી કળાઓનું જ્ઞાન આવા વિદ્વાનોના હૃદયમાં સ્ફુરે એ કામ કરવા યોગ્ય છે. આપણા લોક ક્‌હે છે કે પચાશ પાણેશો વર્ષ ઉપર આપણાં દાદા દાદીઓ અનેકધા રંક જીવન ગાળવા છતાં શરીરસંપત્તિમાં ને સુખમાં સંપન્ન હતાં એવા આજના લોકનાં માતાપિતા ન હતાં ને માતાપિતા હતાં એવા આપણે નથી ને આપણે છીયે તેવી હવેની પ્રજા નહી થાય. નવા યુગને તેવા જીવનની કળા આવડતી નથી, દ્રવ્ય કમાતાં કંઈક વધારે આવડતું હશે પણ ખરચતાં ને ખોતાં વધારે આવડે છે ! આ શું નવા યુગની વિદ્યાએ શીખવ્યું કે નવી વિસ્મૃતિયે શીખવ્યું ? નવી વિદ્યાએ શીખવ્યું હોય તો તેનું આટલું વિષ આપણે ઉતારી દેવું જોઈએ ને નવી વિસ્મૃતિએ શીખવ્યું હોય તો સ્મૃતિનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ. આપણા આશ્રમના આશ્રિત વિદ્વાનોનું આ મહાકાર્ય આપણા આ અતિથિપુરમાં અને એમની પરિવ્રજ્યાઓમાં જ સિદ્ધ થાય.”

કુમુદસુન્દરીએ એને બોલતો અટકાવ્યો, “આપના મસ્તક ઉપર હું છયાઓ ફરતી દેખું છું – અશ્વત્થામાની સ્વસ્થ થયલી છાયા ને ભગવાન પરશુરામના ચરણ ફરતા દેખું છું !”

સર૦- તમારા મસ્તક ઉપર કુન્તીમાતાનો હસ્ત ફરતો દેખું છું ને તેમનું ગાન મ્હારા કાનમાં આવે છે !

કુમુદ૦- અશ્વત્થામાની છાયાથી કંઈક છેટે ભવ્ય મણિ કોકના હાથમાં દેખું છું.

ઉંડા વિચારમાં પડી સરસ્વતીચંદ્ર બોલી ઉઠ્યો, “આ છાયાઓ તો આસ્થાનનો પ્રતાપ છે, આપણાં સ્વપ્નનો આવિર્ભાવ છે. કુમુદસુન્દરી ! ​મ્હારો ચિન્તામણિ અને તમારો સ્પર્શમણિ આપણાં હૃદયોમાં સન્ધાય છે. જુવો ! જુવો ! આ મ્હારો અભિલાષ આ જાગૃત સ્વપ્નના મનોરાજ્યમાં વધારે પ્રદીપ્ત થતો અનુભવું છું. મ્હારા પિતાના દ્રવ્યથી પણ અનેકધા અધિક દ્રવ્ય મ્હારા હાથમાં ઉછળતું દેખું છું, ને તેને લોકહિતના પરમાર્થમાં વેરવા પોતાને પ્રવૃત્ત થતો કલ્પું છું! અનુભવું છું ! આ નવા ચમત્કારને બળે આપણા અતિથિપુરના બીજા ભાગમાં હું હવે બગીચાઓ અને મ્હેલો ઉઠાવું છું એમાં હું આ દેશના અને પરદેશના મ્હોટા મ્હોટા વિદ્વાનોને, કવિઓને, ગ્રંથકારોને, શાસ્ત્ર અને “સાયન્સ”ના અનુભવી સમર્થ વેત્તાઓને બોલાવીશ, વર્તમાનપત્રોના અને માસિક ત્રૈમાસિક પત્રોના તંત્રીઓને બોલાવીશ. રાજકીય વિદ્વાનોને અને અધિકારીયોને, દેશવત્સલ અને દેશાભિમાની તેમ સર્વદેશાભિમાની અને સર્વલોકહિતચિન્તક મહાત્માએને, અતિ સમર્થ અને અતિ શ્રીમાન વ્યાપારીઓને અને વતનદારોને, એક-ધર્મગુરુઓને, અનેકધર્મવેત્તાઓને, અને સત્યશોધકને, યોગીયોને અને સંન્યાસીઓને આ સ્થાનમાં અત્યંત આદરથી હું બેાલાવીશ અને આપણા આશ્રમીઓને તે સર્વના ગાઢ સૂક્ષ્મ સમાગમનો લાભ અપાવીશ. આ દેશમાંથી, પરદેશમાંથી, આર્યોમાંથી, અનાર્યોમાંથી, પુરુષસૃષ્ટિમાંથી તેમ સ્ત્રીસૃષ્ટિમાંથી, સર્વ વર્ગમાંથી બેાલાવીશ. એ મહાસમુદ્રનું મન્થન કરી તેમાંનાં રત્ન પામવાની કળા, સનાતન અને વિશેષ ધર્મોના વિચાર, અને શુદ્ધ સાધુજનના આચારની ઉન્નતિ, શારીરક અને માનસિક સમૃદ્ધિઓ અને ઉત્કર્ષ:– એ સર્વ આ મહા સમાગમમાંથી આપણા આશ્રમના વિદ્વાનો પામે એવા માર્ગ શોધીશું. ધર્મરાજના ધર્મ, ભીમસેનની સતત ગતિ અને જાગૃતતા, અર્જુનની ક્રિયા, નકુલની ચિત્રભાગે કલાઓ, સહદેવની પ્રાજ્ઞતા, હનૂમાનની બન્ધુતા અને હિતચિન્તકતા, કુન્તીનાં ક્ષમા અને ધૈર્ય, અને આ દેશના અને આંગ્લદેશના લોકનું હૃદયઐક્યઃ- આ સર્વ ફળનાં બીજ આપણા ત્રણે આશ્રમોનાં પુરુષોમાં, સ્ત્રીઓમાં, અને બાળકોમાં આપણે રોપીશું. આ સ્થાનમાં સર્વ પૃથ્વીનાં જ્ઞાન અને રસ ફુવારા પેઠે ફુટશે, મહાલક્ષ્મીના ચરણ કુંકુમ સાથે ફરશે, અને આર્ય દેશની ચિન્તા ભગવાન પરશુરામે ચિરંજીવ રહી જુના કાળથી ભરાતા મેઘ પેઠે રાખી છે તેની પ્રથમ વૃષ્ટિના છાંટા થવા માંડશે ! કુમુદ ! પ્રિય કુમુદ ! આ વૃષ્ટિથી સચેત થયેલી પાંચાલી આખી પૃથ્વીનું કલ્યાણ કરી શકશે ! ભારતવર્ષની એ શક્તિ અનેક યુગોથી તપ કરતી દુ:ખ પામતી જીવી છે તે આ અર્જુનના કપિલોક– ઇંગ્રેજ -ના બન્ધુત્વથી ​કલ્પલતા જેવી થશે અને આખા જગતનું કલ્યાણ કરવાનાં બીજ પુરાણ પાંડવોના સહચારથી પોતાના ઉંડા ગર્ભકમળમાં સાચવી રહી છે તેને જન્મ આપશે ! અને તે તેજસ્વી સુજાતનું સર્વ જગત અભિનન્દન કરશે !"

કુમુદ૦– આપણા ચકોર જેવાંની ક્ષુદ્ર ચાંચો ચંદ્રલોકનું તેજ આમ ધરે છે – અને ચંદ્રના તેજમાં પીન લીન થઈ સર્વ તારાઓના તેજને તે ભેગું પીયે છે !

સર૦- "આપણે ચકોર જેવાં હતાં તે યોગસિદ્ધિને પામીએ છીએ ને યોગારૂઢ ચકોર ચંદ્રલોકમાં અને ત્યાંથી તારામંડળમાં ઉડે છે ને સર્વ તારાઓના હૃદયના તારમાં પોતાના ગાનના સ્વર ભરે છે – કુમુદ ! તું સાંભળે છે ? આપણા કલ્યાણગ્રામના આશ્રમીયો પોતાની વિદ્યાઓથી, કળાઓથી, અને વ્યાપારથી, આ ગ્રામને માટે મ્હેં ક્‌હાડેલા દ્રવ્યમાં ઘણો વધારો કરશે. તેમને જોઈતાં દ્રવ્ય આપી આપણે જે દ્રવ્યની વૃદ્ધિ કરાવીશું તેમાંથી એક ભાગ આશ્રમના કલ્યાણ માટે લેઈશું, ને બાકીનો ભાગ તેમના સ્વામિત્વમાં - તેમનાં વેતન ઉપરાંત – સોંપી દેઈશું. આ દેશનાં રત્ન એ ક્રિયાથી આ સ્થાનમાં પ્રીતિથી આકર્ષાશે, સંસ્કારી થશે, મૂલ્યમાં અમૂલ્ય થશે, અને દેશને લક્ષ્મીમાન, કલાવાન વિદ્યાવાન અને રાજકીય વિષયોમાં અપ્રતિહત કરશે. એમની પ્રજા શરીરે અને બુદ્ધિમાં સુન્દર અને સમર્થ થશે. તેમનાં દૃષ્ટાંત પ્રત્યક્ષ કરનાર સંસારીયોની સંખ્યા વધતી જશે તેમ તેમ આપણા સર્વ લેાક એવી પ્રજાના ફાલને આ દેશની વાડીએામાં ને ક્ષેત્રમાં પોષતા જશે, સ્વતંત્રતાથી, સ્વાસ્થ્યથી, અતિથિયોના સમાગમથી, આપણા આશ્રમીયો સાધુતાને પામશે અને આ સ્થાનની સાધુતાના દીવાઓ આર્ય સંસારમાં, ઇંગ્રેજોમાં, અને આ દેશની અન્ય વર્ણોમાં પોતાની જ્યોત પ્રકટશે ! અને સાધુતાની એ સર્વવ્યાપિની હુતાશનીની આશપાશ નવા પ્રકાશ, નવા આનન્દ, અને નવા મેળા એકરંગે જામશે. આપણા લોક અશ્વત્થામાએ ગુંથેલી અનેક ધર્મની જાળમાં ગુંચવાયા છે ને “સંપ” અને “ઐક્ય” અને “દેશાભિમાન” અને “જાત્યભિમાન” અને “સુધારા” નાં નામની માયાથી લોભાઈ અનેક વિગ્રહમાં પડે છે, પણ એ સર્વે માયાની કમાનો અહંતા અને મમતાની શક્તિથી બંધાઈ છે. મનુષ્યો પોતપોતાનાં સંસ્કાર અને સામર્થ્ય સાથે આણી અવતરે છે તે જાણ્યાથી તેમને પરિપાક આપવામાં સુલભતા આવે છે તેમજ આપણી જાતિઓ અને ] અાપણા દેશે આપણામાં અનેક યુગથી, અનેક પ્હેડીયોથી અને અનેક માર્ગોથી, જે શક્તિઓ અને સંસ્કાર આપણામાં ભર્યાં છે અથવા ​આપણા હસ્તગ્રાહ્ય કર્યાં છે તે શક્તિઓને અને સંસ્કારોને શોધી ક્‌હાડી તેના કલ્યાણ અંશનો પરિપાક આપવામાં આ કમાનોને ચલવવી એ કાર્ય મંગળ છે; પણ તે ઉપરાંત બીજી રીતે પોતાની કે પારકી, જાતની કે દેશની, સર્વ અહંતા અને મમતાનો ત્યાગ કર્યાથી જ સાધુતાનો સનાતન ધર્મ ઉદય પામે છે અને એ ધર્મમાં સાધુતા વિનાની બીજી અહંતા મમતા નથી માટે જ ત્યાં સંપ અને જંપનો દૃઢ અનુભવ થાય છે. આપણે સળગાવવાની હુતાશનીમાં અહંતા અને મમતા કાષ્ઠ પેઠે બળી જશે અને તેમાંથી સાધુતાનો પ્રકાશ થશે, સંપનો મેળો થશે, અને જંપની તાપણી થશે. અર્જુનના વાયુરથને વળગેલાં સત્વોએ આપણને કહ્યું અને ચિરંજીવોએ પણ સ્પષ્ટ કહ્યું કે ધર્મના અવતાર વિના ભીમ કે અર્જુન કે નકુળ સહદેવની આશા વ્યર્થ છે તેનું રહસ્ય આવું છે. સનાતન ધર્મ વિના, સંપનો તો માત્ર બક-જપ છે, અને સંપનો જંપ તો મૃગજળ જેવો છે. આપણા કલ્યાણગ્રામમાં એ મૃગજળને સ્થાને અમૃત જળ ભરેલી ગંગાને આપણે ભગીરથ પેઠે ઉતારીશું.

“કુમુદસુન્દરી ! આપણા કલ્યાણગ્રામમાં સિદ્ધ-સંસ્કારિણી થયલી સ્ત્રીયો પણ જાતે સ્વતંત્ર સમર્થ સ્વસ્થ ધર્મિષ્ઠ વિદુષીઓ થઈ સંસારમાં પરિવ્રજ્યા કરશે અને ગામે ગામ, ઘેરે ઘેર ભિક્ષા માગ્યા વિના, સ્ત્રીજાતિનો ઉત્કર્ષ – બોધથી, રસથી, અને પોતાનાં દૃષ્ટાંતથી – કરશે. આ ગ્રામનાં દમ્પતીઓ અને બ્રહ્મચારીઓ પણ આવી જ પરિવ્રજયાઓને કાળે પાંડવોના વિજયધ્વજ આર્યલોકમાં દર્શાવશે અને કેળના થાંભલાઓ પેઠે ઘેર ઘેર એ ધ્વજને રોપશે ને પાંચાલીને પતિસમાગમ આપી એનાં સર્વ અંગને અને આત્માને આરોગ્ય, સ્વસ્થતા, શક્તિ, સુંદરતા અને કલ્યાણભોગ આપશે. લોક એમ માને છે કે સ્ત્રીઓને અને રાજ્યને શો સંબંધ છે. પણ સ્ત્રીવિના ગૃહ નથી, ગૃહવિના પ્રજા નથી, ને પ્રજાવિના રાજ્ય નથી. સ્ત્રીની સુસ્થિતિ વિના રાજાઓનાં મંદિરો મોડાં વ્હેલાં ભ્રષ્ટ થાય છે; સ્ત્રીના ઉત્કર્ષ વિનાનાં પ્રજાનાં ગૃહમાં ક્લેશ અને ચિન્તા જાળાં બાંધે છે; અને અસ્વસ્થ ગૃહનો સ્વામી ગૃહબહાર ગૃહની ચિન્તાઓથી ગ્રસ્ત રહી ફરે છે ને બહારની ચિન્તાઓમાંથી, શ્રાન્તિઓમાંથી કે મનના ગુંચવારાઓમાંથી મુક્ત થવા અજ્ઞ ગૃહિણીના ધર્મસહચારની આશા રાખી શકતો નથી. મહારાજોના ઇતિહાસનો મર્મ શોધતાં સ્ત્રીદૂષક પુરુષવિદ્વાનો ક્‌હે છે કે રાજયનાં મ્હોટાં યુદ્ધો સ્ત્રીને લીધે થયાં છે ને સ્ત્રી સ્ત્રોપાઠકો ક્‌હે છે કે સ્ત્રીની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ અશક્ય છે. ​સાધુજનો સ્ત્રીની નિન્દા કે સ્તુતિ કરતા નથી, પણ પુરુષ અને સ્ત્રી ઉભયને અધ્યાત્મ દૃષ્ટિથી જોઈ ઉભયનાં અલખ જગવે છે. સ્ત્રીદૂષક વિદ્વાનો પણ તેમ કરતા હત તો એક આંખે જોયાથી માલમ પડેલા દોષનો પ્રતીકાર સાધુજનોની પેઠે જ કરત, અને સ્ત્રીસ્તોત્રપાઠકો આ પૌરુષદમ્ભી પુરુષોની ઈર્ષાના પાત્ર પણ ન થાત અને સ્ત્રીજાતિ અને પુરુષજાતિ વચ્ચેના કલહમાં નવાં ઈન્ધન નાંખવાના દોષમાંથી ઉગરત. સાધુજનોના ધર્મ આ વિષયમાં પણ સંપ અને જંપ ઉભયનું પોષણ કરે છે તે પોષણનો વૃક્ષ આપણા કલ્યાણગ્રામના આશ્રમોમાંથી ઉગવા માંડશે.

“અહંતા મમતા વિનાનું આર્યલોકનું સર્વ પ્રકારનું બન્ધુત્વ આપણી આ આર્યભૂમિમાં સર્વ સંસારમાં રેલાશે – અને કુમુદ ! મ્હારા દ્રવ્યસંચય અને આપણી અદ્વૈત વાસનાઓ આ મહાન્ સમારંભના પાયાને ચણશે – એ પાયામાં ઈંટ અને વજ્રલેપનું કર્મ કરશે, રખેને આ દાનશક્તિમાં ન્યૂનતા આવે, રખેને સ્થૂલસમાગમથી આપણને કોઈ જાતની સંતતિ થાય અને પુત્રયજ્ઞના ધર્મબન્ધનથી આ લોકયજ્ઞમાં અર્પવાની સામગ્રીમાંથી કંઈ પણ અંશ પુત્રાદિકને માટે રાખવો પડે ! રખેને લોકને અર્પવાનાં આપણાં આયુષ્યનો કોઈ પણ અંશ આપણા સ્થૂલધર્મમાં રોકવો પડે ! રખેને આપણી પૂર્ણાહુતિમાં કંઈ પણ સંકોચ રાખવો પડે – એ ભીતિથી આપણાં સૂક્ષ્મ જીવનનું આપણે સૂક્ષ્મ અદ્વૈત રચાયું છે તેમાં સ્થૂલ અદ્વૈત નહી ઉમેરીયે | પ્રિયતમ ! સૂક્ષ્મ હૃદયની પ્રિયતમ ! ત્હારું હૃદય મ્હારા હૃદયમાં આ રીતે પ્રાપ્ત થયું છે કે નહી તે કહી દે કે આપણે હરિ, કુન્તી, અને પાણડવો જેવા પાંચાલીના સપ્તાચલનું પૂજન કરવા નીકળીયે અને આપણું સૂક્ષ્મ લગ્ન સંપૂર્ણ થાય ! આપણાં આયુષ્યના એ સપ્તાચલની યાત્રામાં હું તને પગલે પગલે મ્હારા સામી અચલ ઉભી દેખું છું ! હું પણ ત્હારી સામે એવે જ પગલે ઉભો છું. મારી પાછળ પગલે પગલે તું આવે છે એને હું ત્હારી પાછળ પગલે પગલે સ્થિર પગલે આવું છું ! આપણાં પગલાં સાથે સાથે ઉપડે છે ! હું તને પગલે પગલે સાથે લેઉં છું ને તું આવે છે ! તું તેજરૂપ છે ને મ્હારા હૃદયરૂપી તેજને તું પ્રાપ્ત થાય છે ! [૧] પ્રિયતમા ! આયુષ્યની સહચારિણી ! આપણો શુદ્ધ સંપૂર્ણ વિવાહ થયો ! આપણે તેજરૂપ થઈ વરી ચુકયાં !”

ૐ प्रतिपदसि प्रतिपदे त्वानुपदस्यनुपद त्वा संपदसि संपद तेजासि तेजसे त्वा ॥ (સપ્તાચલપૂજનનો મંત્ર) ​ આ ઉચ્ચાર કરતો કરતો સરસ્વતીચન્દ્ર બંધ પડ્યો. ત્યાં એની આંખો અર્ધી મીંચાઈ ને અર્ધી ઉઘાડી રહી તે માત્ર કુમુદના હૃદયભાગને જોઈ રહી એ વાણીરૂપ મટી દૃષ્ટિરૂપ થયો; જડરૂપ મટી તેજરૂપ થયો. કુમુદની પણ એ જ અવસ્થા થઈ સૌમનસ્યગુફાના ઉપલા માળના ઓટલાને એક છેડે બેઠેલા સરસ્વતીચંદ્ર ને બીજે છેડે બેઠેલી કુમુદની વચ્ચે, પૂર્ણિમાની મધ્યરાત્રિના પૂર્ણચંદ્રની ચંદ્રિકા અને મધુર પવનલહરી વિના, કાંઈ પણ પદાર્થ અન્તરાયરૂપ રહ્યો નહી અને સંસારમાત્ર એ ઓટલા નીચેના અંધકારમાં ભળી જઈ સંતાઈ ગયો.

કોઈ પણ સત્વ બેાલતું ન હતું, દેખાતું ન હતું, અને હૃદય હૃદયમાં સૂક્ષ્મરૂપે ભળી ગયું હતું તેવે આ પ્રસંગે તે એક થયેલાં હૃદયમાં માત્ર એક જ ધ્વનિ આકાશવાણીરૂપે જતો હતો.

“પુત્ર-વધૂ ! હું પાંચાલી તમારા યોગથી જાગૃત થઈ બોલું છું તે તમારા હૃદયમાં ઉતરો ! હું સર્વ ભારતવર્ષની શકિત છું, ભારતવર્ષની માતા છું ! મ્હારાં બાળક જેને પોતાના રાજાઓ અને મહારાજાએ ક્‌હે છે – તે માત્ર મ્હારાં સ્વપ્નોમાનાં પક્ષી છે ! જે લોક મ્હારી ચતુર્દિશામાંથી આવી મને અડકે છે ને , મ્હારાં બાળકનું મન્થન કરવા પ્રયત્ન કરે છે, જે લોક દેશપરદેશમાંથી આવી મ્હારા શરીર ઉપર સામ્રાજ્ય કરવાની વાસના રાખે છે, તે સર્વને મ્હારાં બાળકનું રૂપ આપી મોડી વ્હેલી મ્હારા સ્વામીની પર્ણકુટીમાં ઘોડીયામાં નાંખી હીંદોળા ખવડાવું છું ! આત્રેયી અનસૂયા દેવીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને બતાવેલો ચમત્કાર મ્હારા શરીરની વાસના રાખનાર સર્વ માનવીઓને, આજ સુધી મ્હેં બતાવ્યો છે ને બતાવીશ ! મ્હારા શુદ્ધ પતિ તે માત્ર પેલા પાંચ અમરવૃક્ષ પાંડવો છે ને તેનો ત્રાતા તે સર્વ લોકનો ત્રાતા જનાર્દન છે ! સુગ્રીવલોકના દેશમાંના મૂર્ખ દુર્યોધન ગમે તે બોલતા કરતા હશે, પણ એ કપિલોક તો માત્ર મ્હારા સ્વામીના રણરથ ઉપરના વિજવાહક છે ! મ્હારી કુખમાં જન્મેલાં સૂક્ષ્મ શક્તિવાળાં મ્હારાં બાળકો ! તમે આ દુર્યોધનને તેનું કર્તવ્ય શીખવતાં ડરશો નહીં ! તેની જાતિચેષ્ટા જોઈ અકળાશો નહી, પણ તેની સાથે સ્વતંત્રતાથી, ચતુરતાથી, શક્તિથી, અને સાધુતાથી વર્તી તેનામાં સુબુદ્ધિનો ઉદય કરજો ! તે લોકનો, હનૂમાન મ્હારા તમારા છત્રરૂપ ભીમસેનનો ભાઈ છે ને એની વાણીમાં ​બળ મુકે છે[૧], મ્હારા ચક્રવર્તી પતિ અર્જુનના રથ ઉપર કીર્તિધ્વજરૂપ થાય છે ને તેના શત્રુઓનો ધ્વંસ કરે છે ! અનસૂયા દેવી જેવી મ્હારી દેહલતામાંથી એ કપિને હું સ્તન્યપાન આપું છું તો અશ્વત્થામાને પણ આપું છું ! તો મ્હારે માથે કોઈ મનુષ્ય રાજા કે મહારાજા નથી ને મ્હારા શુદ્ધ સ્વરૂપના પતિ થવા ચારે યુગમાં ને ચોખુંટ પૃથ્વીમાં કોઈ મનુષ્યની કે પ્રજાની શક્તિ નથી. કાળ જે સર્વનો નાશ કરે છે ને સ્થૂલ શક્તિવાળા રાજાઓને અને મહારાજાઓને ટુંકાં સ્વપ્ન દેખાડે છે તેણે મ્હારે માથે અમરવૃક્ષ જેવા અમરપતિ મુકેલા છે તેની જ આણમાં ર્‌હેજો ! તેને જ શોધજો ! તેને જ માટે તપ તપજો ! ચિરંજીવોમાં ચિરજીવ ભગવાન્ જગત્તત્રાતા મ્હારા મહા૫રાક્રમી પતિઓનો પાલક છે તેનું જ દાસત્વ કરજો ! તમે સ્થૂલ સૃષ્ટિને માનશો માં ! તેમ સ્થૂલ સૃષ્ટિની અવગણના કરશે માં ! સ્થૂલ દેહને સમર્થ કરી તમારાં સૂક્ષ્મ સ્વરૂપને સાચવશો તો તેને દાસત્વ કે બન્ધન કાંઈ થવાનું નથી ! સ્થૂલરૂપે સર્વે આર્યોનું અને અનાર્યોનું બન્ધુત્વ સ્વીકારજો ! તમે મ્હારે પેટ જન્મ લીધો છે તે પૂર્વકાળના યવનો અને શકલોક તેમ આ કાળના મુસલમાનો અને ઇંગ્રેજો – એ સર્વેને મ્હેં, મ્હારા ઘરનાં પારણામાં બાળક કરી તમારાં ભાઈ બ્હેન કરી હીંદોળ્યાં છે અને હીંદોળવા માંડ્યાં છે તેમની સાથે નિષ્ફળ કોલાહલ અને ક્લેશ કરશો માં ! તમારી સર્વ આશાઓને પરિપાક આપી સફળ કરે એવો મ્હેં તમને સાથ આપ્યો છે તેમાંથી છુટા પડશો માં ! તમારી સૂક્ષ્મ સાધુ શક્તિઓ તમારા સાથીઓને અને અન્ય સંસારને સિદ્ધ કરી આપો ! તમારી સ્થૂલ શકિતઓને વધારજો પણ વધતાં વધતાં પરિબળથી કે દૈવબળથી હીન થાય કે ધ્વસ્ત થાય તો પણ ચંદન જેવા તમારા સૂક્ષ્મ સમર્થ સુગન્ધને ત્યજશો માં ને હૃદયને નિર્બળ કરશે માં ! ધર્મક્ષેત્રની ભૂમિમાં વસનારાં બાળક ! મોક્ષમાર્ગને પ્રત્યક્ષ કરનારા મહાત્માઓ ! તમારી ભૂમિને માથે દુ:ખની વૃષ્ટિ થાય તો બ્હીશો માં ! દુષ્ટ પ્રાણીઓની ગર્જનાઓથી કમ્પશો માં ! અનન્ય સૂક્ષ્મ શક્તિનો અને સમૃદ્ધિનાં દાયાદો ! મ્હારા સ્વામીઓની છાયામાં ચાલશો અને આપણા ચિરંજીવોની ધર્મસંભાવના કરશો તો તમારે માટે अमर शांति છે ! – એ શાંતિ તમારે માટે જ છે. તમારા ઋષિઓની તે અમરપુત્રી કુમારી રહી તમારું જ ભગિનીકૃત્ય કરે છે ને કરશે ! તમારાં હૃદય અને બુદ્ધિ સ્વતંત્ર છે તે સ્વતંત્ર રાખજો ! તમારો સાથ એ

૧. વનપર્વ અધ્યાય ૧૫૧ શ્લોક ૧૫–૧૮. ​સ્વતંત્રતાનો પોષક છે, સૂક્ષ્મ મનુષ્યત્વવાળા તમ આર્યોને બીજું શું જોઈએ ? આ ભૂમિના અમરવૃક્ષ થોડો કાળ દેવદુષ્કાળથી ફાલતા બંધ થયા છતાં આર્યોનાં હૃદયમાં તો વૃક્ષોનાં સૂક્ષ્મ થડ મૂળ સહિત - અમર છે ને તેનું સેવન કરશો તો તમને કોની ભીતિ છે ?” એ પરદેશનાં કે આ દેશનાં સ્થૂલ સત્ત્વો એ અમર વૃક્ષોના સ્થૂલ ભાગને કાપશે તેમ તેમ તેનાં સૂક્ષ્મ અમર મૂળ કાપ્યાં વધશે !”

આ વાણી બંધ થઈ અને બોલનારી દૂર જતી ર્‌હેતી લાગી, પણ તેની પાછળ તેના મુખનું ગાયન લંબાતું સંભળાયાં કર્યું.

અંધકારનો સમો પ્રબળ ! આ દશા થઈ મ્હારી ! સુંદર, કોમળ, સબળ બધી મુજ સંતતિ કરમાઈ ! શું કરું? શું કરું ? નવ ચાલે કંઈ ! પ્રહર બહુ વીત્યાં ! પ્રહાર બહુ મુજ સુન્દરતાએ તિમિરતણા ઝીલ્યા ! ત્હોય હરિનો હાથ અમારે ! અંધકારમાં જીવું ! પોષણ પામું ! રહું સુવાસિત ! અંતર્બળ ના મુકું ! દઉં–પામું–આનન્દ વિજનમાં; ભલે લોક ના દેખે ! અંધકારની મધ્ય અંક મુજ બાળ-સમૃદ્ધિ બ્હેંકે. મન્વંતર [3] ભર, અંધકાર, તું ભલે રહે ઉભો ! છવાય તેટલું છાય ભલે તું ! ભલે જ તું ખીજો ! અંધકાર ! તુજને હંફાવું વર્ત્તમાનમાં આજે ! મન્વતર પળસમા ગણું, પળ પળમાં પુરી થાશે ! પ્રભાત પળમાં થયું દેખાડું ! ઉષાપણે આવે ! અંધકાર ! તુજને હંફાવી ધક્કેલી ક્‌હાડે. જાત મુજ, મુજ પ્રજા સુકોમળ, હતી તેવી થાશે, અંધકારને હંફાવી, જય ભવિષ્યને ગાશે.” [4]


  1. ૧. कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भा॥ मनोनुकूला क्षमया धरित्री गुणैश्च भार्या कुलमुदुरन्ती॥
  2. જુના શ્લોક ઉપરથી.
  3. મન્વંતર = મનુનું વય, તે બ્રહ્માના દિવસનો એક અંશ.
  4. સ્નેહમુદ્રા,કાંડ, ૮૭, ( ૧૪–૨૨)