સરસ્વતીચંદ્ર ભાગ ૪/સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય.

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય.

ગૃહસંસારના પ્રશ્ન રાજ્યતંત્રના પ્રશ્નો જેવા જ વિકટ છે ! સુન્દર ગૌરી ક્‌હે છે કે કુસુમને ભણાવી ન હત તો આવા અભિલાષ ન રાખત ! હીંદુ સંસારી ક્‌હે છે કે કન્યાને સર્વદા કુમારિકા ન રાખવી. નવીવિદ્યા ક્‌હે છે કે આપણા ઘરમાં બાળક વયનું પણ મનુષ્ય જ છે​અને તેને બલાત્કારે તો શું પણ સજ્ઞાન વય થતા સુધી પરણાવવાનો વિચાર પણ અન્યાય છે ! કુસુમને વિરક્તિના અભિલાષ છે; આર્યસ્ત્રીયોને વૈધવ્ય-કાળ વિના વૈરાગ્ય અશકય છે ! એના અભિલાષ સિદ્ધ કરવાથી આ દેશકાળમાં તેને આમરણાન્ત દુઃખ શીવાય અન્ય પરિણામ નથી, ન્યાય જોવો કે પરિણામ? એક પાસ પુત્રીની સ્વતંત્રતા નષ્ટ કરવાનો અન્યાય અને બીજી પાસ હીંદુસંસારની વ્યવસ્થામાં કુમારિકા સ્ત્રીને માટે સજ્જ કરેલાં ભયંકર પરિણામ ! નવી અને જુની વિદ્યાઓએ મને આમ સુડી વચ્ચેના સોપારી જેવો કરી દીધો છે!”

આવા વિચારોમાં ડુબી ગયેલો પણ હસતો હસતો વિદ્યાચતુર એક મધ્યાન્હે પોતાના આરામાસનમાં ડુબી ગયો, અને કરેલા ભોજનને નીશો ચ્હડેલો તેથી નિદ્રાવશ થઈ ગયો. થોડી વારે તેની આંખ ઉઘડી ત્યાં સામે એક આસનઉપર ગુણસુંદરી બેઠેલી. એના હાથમાં પોસ્ટમાં આવેલા પત્રોના લખોટા હતા અને એનાં નેત્રમાં એકાંત અશ્રુધારા ચાલી રહી હતી. પતિ જાગતાં તે સ્વસ્થ થઈ ગઈ અને તેના હાથમાં પત્રસમુદાય મુકતી મુકતી કરમાયલે મુખે બોલી; “સૌભાગ્યદેવીએ પણ સ્વર્ગવાસ કર્યો !”

“હેં ! શું થયું?” કરી વિદ્યાચતુર ચમકી ઉઠ્યો અને પત્રો હાથમાં લેતો પત્નીની સામું આતુરતાથી અને શોકથી જોઈ રહ્યો.

પુત્ર દુષ્ટ નીવડ્યો અને પરલોકમાં ગયો; કુમુદ પણ ગઈ અને પ્રમાદધનને લીધે જ ગઈ ! સાથે લાગો સર્વ પાસથી માર પડ્યો અને માયાળુ હૈયું ફાટી ગયું. બુદ્ધિધનભાઈને માથે હવે બાકી ન રહી. આવી સદ્‌ગુણી અને સ્નેહાળ જોડ ખંડિત થઈ પ્રભુને એ જ ગમ્યું. આપણું દુ:ખ હવે ઢંકાઈ ગયું. ઈશ્વરે કાંઈક તેના સામું જોયું છે તે છ માસનો ગર્ભ પુત્ર અવતર્યો છે. પણ એટલા અણવિકસ્યા ફુલ ઉપરની આશા તે તો કાચા સુતરનો તાંતણો!” ગુણસુંદરી બોલી.

વિધાચતુરે કાગળો એક ટેબલ ઉપર મુકી દીધા અને આસનમાં એનું શરીર કળી ગયું અને આંખોમાં પાણી ભરાઈ આવ્યું.

"ગુણીયલ ! બહુ માઠું થયું ! યુવાવસ્થા ઘા ભુલે છે, પણ ઉતરતી અવસ્થામાં પડેલા ઘા વકરે છે. જ્યારે સ્ત્રીપુરુષ વૃદ્ધ થાય છે ત્યારે પરરપરઆશ્રયની અપેક્ષા વધે છે. મહારાજ મલ્લરાજને અંતકાળે મેનારાણીની સેવાથી જ સુખ હતું ! ભવભૂતિએ સ્નેહનું પરિણામ વૃદ્ધ અવસ્થામાં મૂકયું છે – ​

अद्वैतं सुखदुःखयोरनुगुणं सर्वास्ववस्थासु यत् विश्रामो हृदयस्य यत्र जरसा यस्मिन्नहार्योरसः । कालेनावरणात्ययात् परिणतं यत्स्नेहसारे स्थितम् भद्रं तस्य सुमानुषस्य कथमष्येंकं हि तत्प्राप्यते ।। હરિ! હરિ! મહાભુંડું દુ:ખ–

ગુ૦- "પુરુષ પુરુષનો સ્વાર્થ જુવે છે, પણ બે ભીંતો સાથે પડતી નથી અને સૌભાગ્ય સાથે ગયેલાં સૌભાગ્યદેવી તો ભાગ્યશાલી જ થઈ ગયાં. માત્ર સંતાનની દુર્દશાની ક્‌હેણી રહી ગઈ. મ્હારા વહાલા ! મને એમના જેવા મૃત્યુની વાસના છે. રાજ્યકાર્યમાં આપને મ્હારી જાત વિસારે પડશે. સ્ત્રીયોને તેમ નથી. મેનારાણીનું દૃષ્ટાંત પ્રત્યક્ષ છે."

વિ૦— "આપણા દેશમાં ત્હારે આવો ભેદ ગણવાનો અવકાશ છે. આપણા લોકનો વ્યવહાર આપણા સર્વ પુરુષોને માથે આ મહેણું ઉભું રાખે છે."

ગુ૦— "મ્હારાં વચનમાં એવી મર્મવેધકતા મુકું તો આપના સ્નેહને માથે આરોપ મુકતાં મ્હારોજ સ્નેહ વીંધાય. હું સોળે આની માનું છું કે યુરોપમાં આપણા જન્મ અને સંયોગ હત તો પણ હું આ જ વચન ક્‌હેત."

વિધાચતુર નરમ પડ્યો. "હું જાણું છું કે તને મ્હારા ઉપર દયા અને વિશ્વાસ સંપૂર્ણ છે. પણ શાસ્ત્રમાં ક્‌હેલું છે કે સ્ત્રીપુરુષ પરસ્પર પ્રેમ રાખે છે તે પણ આત્માને જ પ્રાપ્તકામ કરવા માટે છે, અને મને પાછળ મુકી પ્રથમ જવાની વાતને ઉકૃષ્ટ ત્હેં ગણી તે એવા જ કારણથી."

ગુ૦— "આજ સુધી હું તમારી પાસે હારી નથી તે આજ હારી, પણ ઓ મ્હારા ચતુર–, મરણ આવશ્યક છે જ તો જેનું જીવન વધારે લોકોપયોગી છે તે જ જીવનને લંબાવવાની વાસના ઘટે. આપના જીવનનો સદુપયોગ ક્યાં અને અમો સ્ત્રીયોનો ઉપયોગ કોણ માત્ર?"

વિ૦—"પર્વત મહાન હોય છે પણ તે કોમળ વસુંધરાથી છવાય છે ત્યારે જ પ્રાણીઓને ઉપયોગી થાય છે. જડ જેવા શૈલ સમુદ્રવચ્ચે ઉભા હોય છે ત્યારે તો માત્ર વ્હાણોના વિનાશના જ સાધક થાય છે."

ગુ૦— "હું બીજી વાર હારી ! ઓ મ્હારા ચતુર! હું દુઃખી છું. મને મ્હારો સ્વાર્થ ભુલાવતો હશે અને હું આપને દુ:ખનું સાધન થઈશ ! પણ સૌભાગ્યદેવીના જેવું જ મૃત્યુ હું ઈશ્વર પાસે માગું છું ! મ્હારા હૃદયમાં બીજી વાત પેંસતી નથી." ​વિ૦— "તો એ ન્યાય ઈશ્વરને જ સોંપી એ વાતનો તું વિચાર કરવો જ છોડી દે તો શું?"

ગુ૦— "હું છોડું પણ વિચાર છુટતો નથી. કુમુદ ગઈ ! હવે એક કુસુમ છે તેને કુમારી રાખો કે પરણાવો ! મ્હારું આયુષ્ય ન હોય તો મ્હારે વિચાર ન કરવો પડે. સંસાર દુઃખમય છે."

વિ૦— "હવે બીજી વાત જ કરો. આ પત્રોમાં ત્હેં કહ્યું તે જ છે કે કાંઈ મ્હારે જાણવા જેવું વિશેષ છે?"

ગુ૦— "એક પત્ર અલકકિશેારીનો છે ને બીજો વનલીલાનો છે તે મ્હેં વાંચ્યા છે. બીજા પત્રો પુરુષોના છે તે મ્હેં ઉધાડ્યા નથી."

વિ૦— "આ જ સમાચાર એમાં હશે?"

ગુ૦— "અલકકિશોરી પોતાના પિતાને માટે કુસુમનું માગું કરે છે, વનલીલા પણ એજ વીશે લખે છે."

વિદ્યાચતુર આભો બન્યો. "કુસુમ બુદ્ધિધનને માટે?"

ગુણસુંદરી સ્વસ્થ રહી બોલી: — "કનિષ્ટિકાએ કાલિદાસ કવિનું નામ આવ્યું અને બીજી અાંગળીએ મુકવા જેવો કોઈ મળ્યો નહી તેથી એ અાંગળી નામવગરની રહી ને અનામિકા ક્‌હેવાઈ. આપની કનિષ્ટિકાએ જડેલા સરસ્વતીચંદ્ર ખોવાયા અને અનામિકા નામવગરની રહી છે. પણ ત્રીજી આંગળી મ્હોટી છે ને ત્યાં મ્હોટા વયના બુદ્ધિધનભાઈને મુક્યા વગર છુટકો નથી, દેશ પરદેશ નાતમાં કોઈ બીજો નથી."

વિ૦— "ગુણીયલ, તું શું બોલે છે? દુઃખબા બ્હેનની ભાણીને માટે જે વયનો વર ત્હેંજ ન જોયો તે કુસુમને માટે જોવાની આ વાત તું શી કરે છે?"

ગુ૦— "ખરી વાત છે. કુમુદના દુઃખથી મ્હારી બુદ્ધિ નષ્ટ થઈ છે ને કુસુમની ચિન્તાથી મન ધુમાડાના બાચકા ભરે છે, પણ મને જે સુઝે છે તે આ."

વિ૦— "પ્રમાદને કુમુદ દીધી તે કાળે ઉતાવળ થઈ ગઈ તો પશ્ચિમ બુદ્ધિએ પશ્ચાત્તાપ કરાવ્યો. પણ એ તો એકલી વિદ્યાનું જ કજોડું હતું અને આ તો સાથે વયનું પણ કજોડું!"

ગુ૦— "અલકનો પત્ર કાળજું વલોવે છે, તેને કુમુદ ઉપર ખરો સ્નેહ હતો ને વચન આપે છે કે બુદ્ધિધને દેવી ઉપર જે સ્નેહ રાખેલો તે ઉપરથી સમજી લેવું કે કુસુમને પણ તેવાજ સુખની સીમા થશે. ​અને કુમુદને માથે જે વીતી છે તેનો ખંગ વાળવાને આ જ રસ્તો બતાવે છે."

વિ૦— "એ તો ગમે તે ક્‌હે."

ગુ૦— "વનલીલા પણ લખે છે કે આ ઘર ઉંધું વળ્યું અને બુદ્ધિધનભાઈને કુમુદનું દુઃખ દેવીના દુઃખ કરતાં વધારે લાગે છે તે સઉમાંથી એમનો ઉદ્ધાર કરવાનો એક આ જ માર્ગ છે ને તેથી ઘણાંક અંત:કરણ શીતળ થશે."

વિ૦— "એ સર્વ કરતાં પણ કુસુમ કુમારી સારી. પુત્રી દેતાં પુત્રીના જ સ્વાર્થનો વિચાર કરવો."

ગુ૦— "આપ શું બોલો છો તેની મને સમજણ નથી પડતી. શું કુસુમનો સ્વાર્થ કુમારાં ર્‌હેવામાં છે? ગમે તો સંસારના પ્રવાહ અવળે માર્ગે ચાલે છે કે ગમે તો દુ:ખથી આપણી બુદ્ધિઓ બ્હેરી થઈ છે.

વિ૦— "ગુણીયલ, મને પણ એમ જ લાગે છે. મને લાગે છે કે આપણે બે જણ આજ ઘેલાં થયાં છીએ."

ગુ૦— "બીજા બે પત્રો તો વાંચો."

વિદ્યાચતુરે તે પત્ર ટેબલ ઉપર નાંખ્યા.

"હું તો એ પત્રો કાંઈ વાંચતો નથી ! ગુણીયલ, સરસ્વતીચંદ્રનું નકી થાય ત્યાં સુધી કાંઈ વિચાર કરવો નથી.

ગુ૦— "એ તો સત્ય; પણ આ યે જાય ને તે યે જાય એમ ન થાય ! કોઈ આપણા ઉપર બેશી રહ્યું નથી ને મમતાથી બોલાવનારને ધક્કો મારી આપણેજ ગરજ બતાવવી પડે ને મા તું ક્‌હેતીતી તે ક્‌હે ન થાય!"

વિ૦— "ઠીક-ઠીક, જોઈશું."

દ્વાર અર્ધ ઉઘાડું હતું ત્યાં ઉભી ઉભી કુસુમ આ સઉ સાંભળતી હોય તેમ વિદ્યાચતુરને લાગી, અને તેમ લાગતાં તેણે ધીમે રહી તેને બોલાવી.

“કુસુમ!”

દ્વાર આગળથી કુસુમ વીજળીના ચમકારા પેઠે ઝપાટાબંધ બીજી પાસ ચાલી ગઈ. ચાલતાં ચાલતાં માતાપિતાની આંખો ને પોતાની અાંખો બતાવી છતી થતી ગઈ. જન્મયા પછી તેમની આજ્ઞા આજ જ પ્હેલવહેલી એણે લોપી, એની આંખોમાં તીવ્ર રોષની રતાશ અને ​અનાથતાના ભાને આણેલાં અાંસુની છાલક સ્પષ્ટ હતી. છેટેથી પણ તે બે વાનાં માતાપિતા જોઈ શક્યાં. જોઈ ર્‌હે તે પ્હેલાં તો તે ચાલતી અદૃશ્ય થઈ ગઈ. દ્વાર આગળ જઈ ગુણસુંદરીએ એને બે ત્રણ વાર બોલાવી. છતાં કુસુમ દેખાઈ પણ નહી અને બોલી પણ નહી.

ગુણસુંદરીના મનનો સ્વાભાવિક શાંત ગુણ આજ જતો રહ્યો. પિતા બોલાવે અને પુત્રી ન બોલે તે એનાથી ખમાયું નહી. શોકમાં ક્રોધ ભળ્યો. રાત્રિ હતી તેમાં વળી કાળાં વાદળાં ચ્હડયાં. પુત્રીની પાસે જતી તેને વિદ્યાચતુરે અટકાવી.

વિ૦— "ગુણીયલ, ત્હારા અને કુસુમના ઉભયના અધિકારમાં જે વાત નથી તે કરવા કરાવવા તું તત્પર થાય છે."

ગુણસુંદરી અટકી, દીન થઈ ગઈ અને બોલી. "પુત્રીને આટલું લાડ ઘટતું નથી."

વિ૦— "મન ઉપર બળાત્કાર થતો નથી અને બાળકોનાં મનને વાળ્યાં વગર તેમની ક્રિયાશક્તિ ઉપર બળાત્કાર કરનાર માતાપિતા બાળકને દાસત્વનાં બન્ધનમાં નાંખવાનું પાપકર્મ કરે છે."

ગુ૦— "મ્હારી બુદ્ધિ કુણ્ઠિત થઈ ગઈ છે. આપ ક્‌હો છો તેમ હશે. હું આજ સુધી આપની ઈચ્છા પ્રમાણે વર્તી છું અને વર્તીશ. પણ હવે ગમે તો કુસુમના વિચાર અને તેના પ્રયોગ ઉભય આપના એકલાના હાથમાં રાખો અને મને આ ઉપાધિમાંથી મુક્ત કરો; અને ગમે તે સર્વ વાત અમારી સ્ત્રીબુદ્ધિ પ્રમાણે થવા દ્યો. અને આ ઉપાધિમાંથી આપ જાતે મુક્ત થઈ જાવ. પણ મારી સ્ત્રીબુદ્ધિમાં આપનું પૌરુષ ભરવાનું બંધ કરો - સુરંગમાં દારૂ ભરવાથી સુરંગનો જ નાશ થાય છે તેમ મ્હારી બુદ્ધિનું હવે થશે. હું આપને પગે પડી આટલું માગી લેઉં છું.

ગુણસુંદરી ગળગળી થઈ ગઈ અને એક ઉંડી ખુરશીમાં પડી.

"જે પુરુષ પુત્રી ઉપર બળ-આજ્ઞા નથી કરતો તે ત્હારા જેવી પતિવ્રતા પ્રિયતમ સ્ત્રી ઉપર કેમ કરશે? વ્હાલી ગુણીયલ ! ત્હારો ગુંચવારો હું સર્વથા સમજું છું અને તેમાંથી તને મુક્ત કરું છું. પણ એ ભારનો હું જાતે નિર્વાહ કરું તે પ્રસંગે સાક્ષિભૂત થઈ મ્હારી સાથે ર્‌હેવામાં તો નક્કી તને કાંઈ પ્રતિબન્ધ નહી લાગે."

આમ ક્‌હેતો ક્‌હેતો વિદ્યાચતુર ગુણસુંદરી પાસે ગયો અને હાથ ઝાલી તેને ખુરશી ઉપરથી ઉઠાડી. ​

ભારમુકત થવાથી સ્વસ્થ થઈ હોય તેમ તે ઉભી થઈ અને ધીરે રહી બોલી: “ पतिसाहचर्यात्पतिव्रता पतिवृताऽपि भवति. ઓ મ્હારા વ્હાલા ચતુર, ઓ મ્હારા વ્રતરૂપ ! આપનું વૃત્ત તે જ મ્હારું વૃત્ત જેથી થાય અને આ૫ણું અદ્વૈત સર્વરૂપે થાય એવું આપનું સાહચર્ય મને આપવા આપ તત્પર થાવ ને હું અભિનન્દું નહી તો તો પૂર્વનો સૂર્ય પશ્ચિમમાંજ ઉગશે ! આજ સુધીના અનેક સુખદુ:ખમાં જ્યાં ત્યાં पतिरेव गतिः स्त्रीणाम् તેનો અનુભવ મ્હેં કરેલો છે અને આપે કરાવેલો છે, અને ન્હાણપણમાં માતાપિતાને તેમ આ વયમાં સંતાનને પણ આપની પ્રીતિ અને આપની આજ્ઞા કરતાં હું વધારે લેખતી નથી. તેમની સંભાળ ઈશ્વરને સોંપી અને મ્હારી સંભાળ આપને સોંપી ! ”