સહરાની ભવ્યતા/શિવભાઈ
‘અમદાવાદ ટાઉનહોલ પાસેથી હેવમોર અગિયાર વાગ્યે બંધ થયા પછી જો પાંચસાત જણા અંધારામાં બેઠા હોય તો એ કવિઓ હોય કેચિત્રકાર. શિવભાઈ ચિત્રકાર હતા, વ્યંગ–ચિત્રકાર તરીકે પત્રકારત્વ દ્વારા ખ્યાતિ પામ્યા અને જીવનનાં છેલ્લાં વર્ષોમાં કાવ્યો લખ્યાં. પરંતુભાગ્યે જ કોઈને ખબર હતી કે એ ગાઈ શકતા. દસેક વર્ષ પહેલાંની એક મોડી રાતે એમણે ગાયું હતું, નીચા નિયંત્રિત અવાજે, એકેયસ્વરભંગ વિના. તે ક્ષણે જ ખ્યાલ આવી ગયો હતો કે આ ચિત્રકારનો અન્ય કલાઓ સાથેનો નાતો દેખીતો નથી, ઊંડો છે, મજ્જાગત છે. એમનાં રેખાંકનો અને ચિત્રોમાં લયની ચેતના છે, સ્થિતિની જડતા નથી. એમના પહાડી શરીરને જે મધુર વ્યક્તિત્વ હતું એને રચવામાંસંગીતની સુપ્ત રેખાઓનો પણ યોગ હતો. શિવભાઈ પત્રકારોના સંગઠનમાં સક્રિય હતા. એ નિરંજન ભગતને જેટલું માન આપે એટલુંમાન એમને નિરંજન પરીખ તરફથી મળતું હતું. સમાજરચના વિશે એમના વિચારો કેન્દ્રથી ડાબી દિશાના હતા. કોઈ રાજકીય પક્ષ સાથેએમને કાયમી સહાનુભૂતિ ન હતી. એમના વિદ્રોહી અને માર્મિક વિચારો સાથે એમના સ્નેહાળ વ્યક્તિત્વની સૌમ્ય છટાઓ સંતુલન રચતી.
વર્ષો પહેલાં એમને આધુનિક ચિત્રકારો વચ્ચે જોયેલા. જેરામ, સાગરા, બાલભાઈ, જનક, ભાનુ, છગનભાઈ આદિ ચિત્રકારો પછી તોગુજરાતમાં બીજી બે પેઢી આવી ગઈ. બધા સાથે એમનો પ્રત્યક્ષ કે પરોક્ષ પણ નિખાલસ સંબંધ. સાહિત્ય અને કલાના માણસોમાંથી મેંશિવભાઈ વિશે કોઈને મોંએ ફરિયાદ સાંભળી નથી. અલબત્ત, એ કડકમાં કડક અભિપ્રાય આપી શકતા, પરંતુ એમાં પૂર્વગ્રહ ન હોઈએમના અભિપ્રાયો વિવાદાસ્પદ બનતા નહીં.
મને હતું કે શિવભાઈ આધુનિક ચિત્રકાર તરીકેની પોતાની શક્તિઓનો હિસાબ આપશે પણ એમણે દસથી વધુ ચિત્રો કર્યાં નહીં હોય. લાકડાના કેનવાસમાં એમનાં કેટલાંક તૈલચિત્રોમાં એમનો આગવો અભિગમ ડોકાય છે. એમણે પૌરાણિક અને રહસ્યવાદી પ્રતીકો બોલકાં નબને એ રીતે સંયોજ્યાં છે. બાલભાઈ અને અન્ય ચિત્રકારો સાથે એમણે ઔદ્યોગિક કે રાજકીય ઉત્સવો વખતે વ્યાવસાયિક ચિત્રો કરેલાં છે. સાબરમતી આશ્રમમાં નામના ઉલ્લેખ વિનાનું એમનું એક ચિત્ર છે. લેખકો અને કલાકારોએ યોજેલી એમની શોકસભામાં શ્રી ભાનુભાઈશાહ એક તૈલચિત્ર કોઈક મિત્રને ઘેરથી લઈ આવેલા. શિવભાઈએ આધુનિક શૈલીએ કરેલું લિંગપૂજાનું એ ચિત્ર લયાત્મક રૂપ ધરાવે છે. શૈવ સંપ્રદાય વિશે એ જાણતા, કશુંક માનતા, માળા સાથે ધ્યાન કરતા.
‘જનસત્તા’માં મેં આઠેક વર્ષ લખ્યું. લેખ આપવા જાતે ગયો હોઉં ને નરેન્દ્રભાઈ જેવા મિત્ર સાથે બેસવાનું થયું હોય તોય શિવભાઈ ન હોયતો ફેરો પડ્યા જેવું લાગે. એ હોય તો સાંજના સમયે કોઈક તો બેઠું જ હોય. પાછલાં વર્ષોમાં એમના ટેબલ સામેની ડાબી ખુરશી પરશેખાદમનો એકાધિકાર થયેલો. ક્યારેક એ અધૂરું કાર્ટૂન પૂરું કરતાં હોય ને મિત્રો સાથેની વાતચીત માણતા હોય. એક વાર કાર્ટૂનનીપૂર્વકલ્પના હાથ લાગી કે પછી રૂપ અને રેખાની ઝીણવટ એમને સહજ હતી.
કાર્ટૂન જ્યારે મૌલિક જેટલું જ અર્થગર્ભ બન્યું હોય ત્યારે એને વખાણવામાં આપણી સાથે એ પણ જોડાય. એમને સ્વ–પરનો ભેદ ન હતો. પોતાની સાચી રચના વિશે નિ:સંકોચ એકરાર કરવાની એમની નિખાલસતાને આત્મરતિમાં ખપાવી શકાય તેમ નથી. સામે ચાલીને પોતાનીવાત આગળ કરે એવા તો એ નહોતા જ, શરમાળ હતા. વળી ધોરણો ઊંચાં. મૂલવણી કરવા બેસે ત્યારે જગતનો સંદર્ભ સામે રાખે. એકવાર એમણે મને એક પાશ્ચાત્ય કાર્ટૂનિસ્ટનું પુસ્તક ભેટ આપેલું.
ચકોર (બંસીભાઈ) અમદાવાદ આવ્યા એ પહેલાં શિવભાઈનાં કાર્ટૂનો સાથે બીજા કોઈનાં કાર્ટૂનોની સરખામણી કરવાનો પ્રશ્ન જ ઊભો થતોન હતો. શ્રી ઇશ્વર પંચોલીએ એમને અંજલિ આપતાં સાચું જ કહેલું: ‘આમ તો અમારું છાપું ત્રીજા નંબરનું કહેવાય પણ કાર્ટૂન બાબતેશિવભાઈને કારણે ગઈ કાલ સુધી પહેલા નંબરે હતું.’ બંસીભાઈમાં કલ્પકતા ખરી, એ પણ ક્યારેક લેખકોની પંક્તિઓનો વિશિષ્ટવિનિયોગ કરે પણ એ ગાઢી રેખાઓ પ્રયોજે છે, કથનનો પ્રક્ષેપ કરે છે. શિવભાઈનાં કાર્ટૂનોમાં બધું લીલયા વ્યક્ત થતું. એ ઓછામાં ઓછીરેખાઓથી વધુમાં વધુ કામ લેતા. અવકાશનો ઉપયોગ સંતુલન રચવા ઉપરાંત સૂચક રીતે પણ કરતા. સાથે મૂકેલી કાવ્યપંક્તિ કે ગદ્યપંક્તિપણ ઓછામાં ઓછા શબ્દની હોય એ જોતા. સફાઈ, લાઘવ અને સૂચકતાનો એમનો આગ્રહ એક મોટા કલાકારનો હતો. કટોકટી કાળમાંએમણે માર્મિકા નામે કરેલાં વ્યંગચિત્રોએ એમની નિર્ભયતા અને મૂલ્યનિષ્ઠાનો પણ પરિચય કરાવેલો.
શિવભાઈની ચપળતાનો એક પ્રસંગ એમના સાળા શ્રી મધુભાઈએ કહેલો: નડિયાદના બસ–સ્ટૅન્ડ પર અમદાવાદ જવા ઊભા એ હતા. બસઆવી. મુસાફરોની સંખ્યા મોટી હતી. બધા ટોળામાં ઊભા હતા. પોલીસે એમને એક લાઈનમાં ઊભા રાખવા પ્રયત્ન કર્યો. આ દરમિયાનએમના ગજવામાંથી પાકિટ ગયું. શિવભાઈએ લાઈનની બહાર નીકળીને એક નજર કરી લીધી ને તુરત એક જણ પાસે જઈને કહ્યું: ‘પાકીટ લાવો.’ પેલાએ સહેજે મોડું કર્યા વિના પાકીટ ધરી દીધું. માફી સાથે રક્ષણ માગ્યું. એ શિવ હતા ને! આશુતોષ! તુરત અભયદાન. પણ એમની ઉદારતા સૂચવવા આ પ્રસંગ નોંધ્યો નથી. એવા તો સેંકડો મળી આવે. અહીં તો એમની તીક્ષ્ણ નજર, ચોરનો ચહેરો ઓળખીલેવાની કોઠાસૂઝ અને તત્ક્ષણ સક્રિય કરી મૂકતી સાહસિકતા અભિપ્રેત છે.
શિવભાઈના અવસાનના ચારેક માસ પહેલાંની વાત છે. શેખાદમ આબુવાલા એકાએક બીમાર પડી ગયેલા. કવિમિત્રો સાથે આખી રાતજાગીને સવારની ગાડીમાં એ કલોલથી અમદાવાદ આવી રહ્યા હતા. અમદાવાદ સ્ટેશને ગાડીના છાપરા પર બેઠેલો એક માણસ ઊભોથઈને આળસ મરડવા ગયો ને એના હાથ ઉપરનો વીજળીનો ખુલ્લો વાયર અડકી ગયો, ભારે દબાણ, એ સળગ્યો. ગાડીના છાપરે એકમાણસ ઊભો ને ઊભો સળગ્યો એ જોઈને શેખાદમને પેટમાં આગ લાગી. અસહ્ય એસિડીટી થઈ. દસેક દિવસ એમણે પથારીમાં પડીરહેવાનું થયું. મારે એમનો પત્તો મેળવવો હતો, ખબર કાઢવી હતી. ભૂતનો ડેરો આંબલી. શેખાદમ નહિ તો એમના સમાચાર તો શિવભાઈનેરોજ મળે જ, ફોન કર્યો. શિવભાઈએ ‘એક મિનિટ’ કહીને તુરત સીધો શેખાદમનો અવાજ રીલે કર્યો. મિત્રની ખબર કાઢવામાં પણ આપણેતો થોડાક મોડા પડીએ જ્યારે શિવભાઈ? એ સારવાર કરવા શેખાદમને પોતાને ત્યાં લઈ આવ્યા હતા.
અહીં એક પ્રશ્ન પણ થાય છે: ગાડીના છાપરા પર સળગતા માણસનું જે દૃશ્ય જોઈને શેખાદમનું સંવેદનતંત્ર ધ્રૂજી ઊઠ્યું એ જોતાંશિવભાઈને શું થયું હોત?
જાણીતા કાર્ટૂનિસ્ટ શ્રી અબૂ અબ્રાહમ ઉમાશંકરભાઈના મહેમાન તરીકે અમદાવાદ આવેલા. શિવભાઈને અબૂ સાથે સારી ઓળખ. એકસાંજે બધા બેઠા હતા. બેઉ એક સાથે એકમેકમનું રેખાંકન કરવા લાગ્યા. શિવભાઈને અબૂનો ચહેરો રેખામાં પકડતાં થોડીક સેકંડ વારલાગી. અબૂનું કામ સહેલું હતું. શિવભાઈના મુખની આકૃતિ રાજવંશીય સપ્રમાણતા સૂચવે. એ રેખાંકન શિવભાઈનાં ‘કાવ્યો’ સાથે પ્રગટથયેલું છે. બે કલાકારોનો એકમેક માટેનો આદર રેખાંકિત થયો તે ક્ષણના સાક્ષી થવું એ પણ એક ધન્યતા હતી.
શિવભાઈ ચિત્રકાર હતા તેથી એમનાં કાવ્યો કલ્પનપ્રધાન ન હોય તો જ નવાઈ. પરંતુ કૃતિમાં સાદ્યંત પ્રગટ થતું સંવેદન એમની સિદ્ધિ છે. એમણે વ્યક્ત કરેલી મૃત્યુની અનુભૂતિ વિશે શ્રી નિરંજન ભગતે સમગ્ર ગુજરાતી કવિતાના સંદર્ભમાં લખ્યું છે:
‘શિવભાઈમાં જીવનનો તીવ્ર અને ઉગ્ર રસ હતો, વિવિધ વિષયો અને વિવિધ વ્યક્તિઓની પ્રત્યે રસોદ્રેક હતો. કોઈ પણ સાચું, સારું કેસુંદર કામ હોય એમાં શિવભાઈ હાજર. એમાં એમની હંમેશાં હા. એ અસ્તિત્વવાદી હતા. પણ એમની કવિતામાં મૃત્યુનો અનુભવ અગ્રતમસ્થાને છે. એમને મૃત્યુનો આગોતરો અનુભવ હતો. એથી એમાં કંઈક રહસ્યમયતા છે. આજ લગી ગુજરાતી ભાષામાં એક બલવંતરાયેમૃત્યુના અનુભવમાંથી મોટા ગજાની કવિતા રચી છે. પણ મૃત્યુ સમયે બલવંતરાય વૃદ્ધ વયના હતા. એથી એમની કવિતામાં કલાંતિ છે. 1978માં શિવભાઈનું અવસાન થયું ત્યારે એ મધ્યમવયના હતા. એમની સિસૃક્ષા અને જિજીવિષા ત્યારે પૂરબહારમાં હતી. એથી એમનીકવિતામાં ક્લાન્તિ તો ન હોય, પણ એમાં દૈન્ય કે દૌર્બલ્ય પણ નથી. એમાં બળ છે, સંયમ અને ગૌરવ છે. ગુજરાતી ભાષામાં શિવભાઈનીમૃત્યુના અનુભવની કવિતા અનન્ય છે.’ (પૃ. 7, પ્રસ્તાવના, કાવ્યો)
શિવભાઈનાં આરંભનાં કાવ્યોમાંથી એક મુક્તક મેં મારા વિભાગમાં ફરી છાપ્યું હતું. એ પછી અન્યત્ર પણ છપાયેલું. એ અવતરણક્ષમ છે. ગતિ અને પૂર્ણતાનો અર્થ રેખા અને વર્તુળના પ્રતીક દ્વારા સહજતાથી પ્રગટ થયો છે:
રેખાનું વર્તુળ બની ગયા પછી આરંભને કોઈ ખોળી શકતું નથી.
(પૃ. 20, કાવ્યો)
સાહિત્ય પદાર્થની શિવભાઈને ખબર હતી. ગુજરાતી સર્જકોની લાક્ષણિકતાઓ એ જાણતા. એમણે પેન્સિલથી ગુજરાતી સાક્ષરોનાંરેખાચિત્રો કર્યાં છે. એમાં એમની શક્તિઓનો વધુમાં વધુ હિસાબ મળ્યો છે. શ્રી નિરંજન ભગતે એક સભામાં કહેલું કે શિવભાઈનું એકેએકકૅરિકેચર એકએક વિવેચનગ્રંથ છે. આમાં અતિશયોક્તિ દેખાય, પણ સંકેત સાચી દિશાનો છે. પ્રત્યેક કૅરિકેચર તૈયાર કરવા પાછળનોએમનો પુરુષાર્થ હું જાણું છું. એમણે ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓ વાંચી હતી. અધિકૃત વ્યક્તિઓના મુખે ચર્ચાઓ સાંભળી હતી. સાહિત્યિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
શિવભાઈનાં કટાક્ષચિત્રોના બે સંગ્રહો પ્રગટ થયેલા. ‘મનતરંગ’ અશબ્દ છે અને ‘શિવતરંગ’ સશબ્દ. બંનેમાંથી એકએક નમૂનો જોઈએ:
1. એક ભલો માણસ ભોંયતળિયું રંગી રહ્યો છે. ચારે બાજુ રંગ કરી બેઠો છે. બહાર નીકળવાનો રસ્તો ગુમાવીને હવે મૂંઝાતો ઊભો છે. આ કંઈ જેલ નથી, ઓરડો છે. પણ હવે બહાર નીકળવા જતાં પગે રંગ લાગે અને રંગમાં પગલાં પડે. ઊભો છે એટલી જગાએ રંગકરવાનો બાકી છે. એનું શું? એ કંઈ નાનો કીકો નથી. એક હાથમાં રંગની પીંછી અને બીજા હાથમાં ડોલ બરોબર પકડી છે. માથે ગોળાકારટોપી પહેરી છે ને એવી જ છીંટનો સાંકડો લેંઘો છે. પગ ટૂંકા છે ને ટોપીથી માથું મોટું છે. સારી એવી મૂછો પણ છે. છતાં નાનું છોકરુંય નમૂંઝાય એવો મૂંઝાય છે. શિવભાઈએ ઉપરના ખૂણામાં સહી કરવા સિવાય કશું લખ્યું નથી. લખવાની જરૂર રાખી જ નથી. આખો ખ્યાલબિમ્બરૂપે ગ્રહણ કર્યો છે ને રંગરેખાથી એનું પ્રતિબિંબ પાડ્યું છે.
2. રેલવેના બે પાટા બતાવ્યા છે. એક બાજુના પાટા પર એક હૃષ્ટપુષ્ટ બહેન આપઘાત કરવાના ઉત્સાહથી લંબાવીને સૂતાં છે. બે પાટાનીવચ્ચે આવી ઊભેલો પોલીસ એની ફરજ બજાવવા કહે છે: ‘ગાડી તો પેલા પાટે આવશે બેન!’ અહીં હાસ્યનું કેન્દ્ર તો લંબાવીને સૂતેલાંપેલાં જીવનરસથી ભરપૂર બહેનની આપઘાતની ચેષ્ટા છે પણ વધુમાં પોલીસ પોતાની જાણકારીનો જે રીતે જાહેર જનતાને લાભ આપીરહ્યો છે એ પણ પૂરક નીવડે છે.
અશબ્દ અને શબ્દો સાથેનાં એમના વિનોદચિત્રો કે કટાક્ષચિત્રોમાં ભાવ, વિગત, વય, સમય, પરિસ્થિતિ આદિનું આશ્ચર્યજનક વૈવિધ્યજોવા મળતું.
વિનોદચિત્રોમાં જીવનનો ઉલ્લાસ, કટાક્ષચિત્રો અને કાર્ટૂનોમાં મૂલ્યો સાથે છૂટછાટ લેતા જાહેરજીવનના અગ્રણીઓને ટકોર અને કવિતામાંમૃત્યુની, રહસ્યની અનુભૂતિ — આ બધા વિશે એક સાથે વિચાર કરતાં શિવભાઈ એમના સમકાલીનોમાં અનન્ય લાગતા અનુગામીઓમાંથીએમના સાચા ઉત્તરાધિકારીઓ સાંપડે એ દિવસની રાહ જોવી રહી.