સાહિત્યચર્યા/કાયદો નહિ, કવિતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાયદો નહિ, કવિતા

રાજવી કવિ ભર્તૃહરિએ ગર્વભેર ગાયું છે : ‘સુકવિતા યધસ્તિ રાજ્યેન કિમ્.’ ‘કાવ્ય જો કરું પછી શું રાજ્યની જરૂર?’ રસ્તાના કોઈ રખડૂએ જો આમ ગાયું હોત તો આપણે કહેત કે આ તો મન માનાવે છે, બળતું બોલે છે. પણ આ એક રાજવીએ ગાયું છે. એટલું જ નહિ રાજ્યની નિ:સારતા સમજી લેનાર અને એને ત્યજી દેનાર એક દિલ ને દિમાગવાળા રાજવીએ ગાયું છે. કારણ? રાજવી એના રાજ્યની સીમાઓમાં અને તે પણ એ જીવે ત્યાં લગી જ રાજ્ય કરે પણ કવિ તો સર્વત્ર અને મૃત્યુ પછી પણ રાજ્ય કરે છે. રાજવી કાયદા દ્વારા એટલે કે સત્તા દ્વારા રાજ્ય કરે પણ કવિ તો કવિતા દ્વારા એટલે કે પ્રેમ દ્વારા રાજ્ય કરે છે. રાજવી સુવર્ણના સિંહાસન પર બિરાજે જ્યારે કવિ મનુષ્યોના હૃદયના સિંહાસન પર બિરાજે છે. ‘ધ મર્ચન્ટ ઓફ વેનીસ’ (વેનીસનો વેપારી)માં પોર્શીઆની પેલી પ્રસિદ્ધ પંક્તિઓ (‘The quality of merey’)માં શેક્સ્પિયરે પણ પોતાના હૃદયની આવી જ કોઈ વાત વ્યક્ત કરી છે. કોઈ – કદાચને સ્કોટલેન્ડના – લોક કવિએ કહ્યું છે : ‘રાષ્ટ્રના રાસડા મને રચવા દો પછી કાયદા કોણ રચે છે એની શી પરવા છે?’ અંગ્રેજી કવિ શેલીએ એના સુપ્રસિદ્ધ નિબંધ ‘કવિતાનો બચાવ’માં અંતે કહ્યું છે : ‘અમે કવિઓ જગતના અવિધિસરના વિધાનકર્તાઓ છીએ.’ આ ત્રણે વ્યક્તિઓનાં વિધાનોનો એક જ અર્થ છે કે જે કાયદાથી ન થાય તે કવિતાથી થાય. પ્લેટોએ આદર્શ નગરીમાંથી કવિઓને દેશવટો દેવાની જે ખુલ્લી વાત કરી છે એમાં પણ એનો કવિતાની શક્તિનો છાનો સ્વીકાર છે. કવિતાની અસરનો એકરાર છે. કવિતાને ને કવિઓને આડકતરી અંજલિ છે. તોપના ગોળાથી બહુ બહુ તો નગરના કોટકિલ્લા તૂટતા હશે પણ કવિતાથી તો મનુષ્યના હૃદય હચમચી ઊઠે છે. ૧૯મી સદીના ઇંગ્લેન્ડમાં કાર્લાઈલ, રસ્કિન, આર્નલ્ડ અને ન્યુમેનના નિબંધોથી અને ખાસ તો ડિકિન્સની નવલકથાઓથી અંગ્રેજ સમાજમાં જેટલું પરિવર્તન થયું હશે એટલું ભાગ્યે જ કાયદાથી થયું હોય. અમેરિકન કવિ રોબર્ટ ફોસ્ટે જેને ‘એકવ્યક્તિજન્ય ક્રાંતિ’ (one-man revolution) કહી છે તે ડિકિન્સે કરી છે. ડિકિન્સ એના જીવનકાળમાં એક સંસ્થા જેવા હતા અને મૃત્યુ પછી સમગ્ર રાષ્ટ્રના કીર્તિસ્તંભ જેવા છે. ઇંગ્લેન્ડમાં કાયદો, કેળવણી અને કેદખાનું મુખ્યત્વે આ ત્રણ ક્ષેત્રમાં જે ક્રાંતિ અને પ્રગતિ થઈ તે એક ડિકિન્સને આભારી છે. ૨૦મી સદીમાં પણ શો-ગોર્લ્સવર્ધીનાં નાટકોએ અને એ. પી. હર્બર્ટ જેવાની નવલકથાઓએ કાયદાથી વિશેષ કામ આપ્યું છે. આપણે ત્યાં પણ ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’થી અને ન્હાનાલાલ અને કંઈક અંશે કલાપીની કવિતાથી અસંખ્ય ગુજરાતીઓનો સંસાર રસ અને સંસ્કારથી હર્યોભર્યો થયો હશે. કાયદાની કામયાબીનો ક્યાસ ફાંસીના આંકડા, કેદીઓની સંખ્યા, દંડની રકમો વગેરે પરથી કાઢી શકાય પણ સાહિત્યની સૂક્ષ્મ અસરનો અંદાજ કેમ કાઢવો? પશુમાંથી પરમેશ્વર થવાનો આ પૃથ્વી પર મનુષ્યનો જે પુરુષાર્થભર્યો ઉપક્રમ છે એમાં એને પ્રથમથી જ ધર્મ, કળા, સાહિત્ય વગેરે પાસેથી સહાયની અપેક્ષા રહી છે અને સદાય રહેશે અને સાહિત્યકારોએ સૈકાઓથી સ્વેચ્છાએ, પ્રેમપૂર્વક પોતાનો ધર્મ સમજીને એ સહાય મનુષ્યને આપી છે. જીવનના ગહન રહસ્યો પ્રગટ કરવાનું સંવાદ, સૌંદર્ય, સમજ અને સહાનુભૂતિ સર્જવાનું, મનુષ્યનો મહિમા અને મહત્તા ગાવાનું અને અંતે આત્મસાક્ષાત્કાર કરાવવાનું, મનુષ્યમાં જે ઈશ્વરી અંશ છે એનું દર્શન કરાવવાનું કર્તવ્ય યુગેયુગે સાહિત્યકારોએ બિનસંકોચ બજાવ્યું છે. મનુષ્ય એનામાં વસતા પરમેશ્વરનો પરિચય સાહિત્યમાં પામે છે. મનુષ્ય આ પરિચય પામે તે પહેલાં એને પશુમાંથી મનુષ્યમાં પલટવાનું કાર્ય પણ ક્યારેક ક્યારેક સાહિત્ય કરે છે, કટાક્ષ દ્વારા. સાહિત્યમાં અને ખાસ તો કવિતામાં જે કાતિલ કટાક્ષ હોય છે એમાં મનુષ્ય પ્રત્યે ક્રૂરતા નહિ પણ કવિની કરુણા જ હોય છે. કવિ કટાક્ષ કરે છે એનો અર્થ જ એ કે એને મનુષ્યની આત્મસુધારણાની શક્યતામાં વિશ્વાસ છે, મનુષ્યના મનુષ્યત્વમાં શ્રદ્ધા છે. એના ભાવિ વિશે આશાવાદ છે. અને કટાક્ષ દ્વારા મનુષ્ય પણ પશુ મટીને મનુષ્યમાં પરિવર્તન પામે છે તે કટાક્ષની અસરને પરિણામે આપમેળે, આપોઆપ, અવશપણે ને ક્યારેક તો અજ્ઞાતપણે એ જે પ્રયત્ન અને પુરુષાર્થ કરે છે એનું પરિણામ છે. કાયદાનું પાલન મનુષ્યને માટે ફરજિયાત છે. જ્યારે કવિતા દ્વારા હૃદયધર્મનું પાલન મરજિયાત છે અને માટે જ મનુષ્ય એ પાલન જો અને જ્યારે કરે છે ત્યારે પ્રેમપૂર્વક કરે છે. મનુષ્યો સાથે કવિનો કોઈ કોલકરાર કે એની કોઈ વચનબંધી કે એની કોઈ શરત નથી. કવિ બધું જ મનુષ્યની સ્વેચ્છા પર છોડી દે છે. કવિ એનો આશય મનુષ્યના સહકારથી સિદ્ધ કરે છે. એથી જ કદાચ કવિતા કારગત નીવડે છે. એની સફળતા અને સાર્થકતાનું આ રહસ્ય છે. કાયદો મનુષ્યના બાહ્યવર્તન પર કાબૂ ધરાવે છે. કવિતા સૂક્ષ્મ અસરો દ્વારા મનુષ્યનો આંતરવિકાસ કરે છે, હૃદયપલટો કરે છે. આમ, કવિતા એના આર્ષદર્શન દ્વારા મનુષ્યને પરમેશ્વરનો પરિચય કરાવે છે અને કટાક્ષ દ્વારા એને પશુમાંથી મનુષ્યમાં પલટે છે. એક બે ઉદાહરણો બસ થશે. કાયદાથી જે ન થાય તે કવિતાથી થાય એના બે રસિક અને રમૂજી બનાવો બન્યા છે. આમ બે ઉદાહરણો બહુ મહાન નથી પણ એમની સિદ્ધિઓ મહાન છે. નગરો રચ્યા પછી પ્રકૃતિ સાથે પોતાનો પુરાણો સંબંધ સ્થાપવા દક્ષિણ જર્મનીમાં બાગ બાંધ્યા ને લીલોતરીની લીલીછમ જાજમો બિછાવી. મનુષ્યના નેત્રોને આનંદ આપવા, નહિ કે એના પગની આળપંપાળ કરવા આમ કર્યું હતું. પણ લોકો તો બસ એના પર જ ચાલે, એનું બધું સૌંદર્ય બરબાદ કરવાની જાણે કે એમની પ્રતિજ્ઞાનું પાલન ન કરતા હોય! નગરપાલિકાએ દંડ દાખલ કર્યો, ચેતવણીનાં પાટિયાં ચોડ્યાં, કાયદા કર્યા. પણ કંઈ જ અસર નહિ. અંતે કવિતાની ચાર પંક્તિઓ ચીતરી. એનો અંગ્રેજી અનુવાદ આ પ્રમાણે છે.

Wanderer, hail!
But as you pass
Walk on the road,
Not on the grass;
So we may look
And tell for true
Which are the cows
And which are you.

(સહેલણી આવો! પણ ચાલો ત્યારે રસ્તા પર ચાલજો, ઘાસ પર નહિ. જેથી અમે જોઈ શકીએ અને કહી શકીએ કે માણસ કોણ છે ને ઢોર કોણ છે.) પહેલી પંક્તિમાં કેટલો આદર સત્કાર છે, કેવું આમંત્રણ છે, સન્માન છે. પછી કેવી વિનમ્ર વિનંતી છે. અને અંતે કેવો કટાક્ષ છે કે બુદ્ધિ બરોબર સમજી જાય છે. અને શરીરના બીજા છેડા લગી, પગ લગી છાનોમાનો સંદેશો પહોંચી જાય છે. સાન ને વાન બંને ઠેકાણે આવી જાય છે. પછી પગ કદિ ઘાસ પર પડતા નથી. ત્યાર પછી ૧૯૩૭માં આધુનિક અમેરિકામાં ન્યુયોર્કની ટપાલ કચેરી સામેના બાગમાં પણ આમ જ બન્યું. નગરપાલિકાના અધિકારીએ સૂચના મૂકી કે ઘાસથી દૂર રહો. પણ કોણ વાંચે? પછી કવિતાની બે પંક્તિઓ મૂકી : Let no one say and say it to your shame That all was beauty here until you came. (કોઈને એમ કહેવા ન દેશો, નહિ તો લાજી મરશો કે તમે પધાર્યા તે પહેલાં અહીં બધું જ સુંદર હતું.) આ વાંચ્યા પછી પણ જો પગ ઘાસ પર પડે તો પોતે જ કાપી નાંખવા પડે ને! આ બન્ને કવિઓએ એ નગરોના નાગરિકશિક્ષણમાં આવી સામાન્ય કવિતાથી પણ મહાન અર્પણ કર્યું છે. એનું મૂલ્ય માનવજાતના વિકાસમાં નાનુસૂનું નથી. નગરના કોઈ પણ ‘આગેવાન નાગરિક’થી આ કવિઓએ નગરની ઓછી સેવા નથી કરી, બલકે કંઈ વિશેષ કરી છે. કારણ કે આ બે નાની પણ નક્કર હકીકતો સ્પષ્ટ પૂરવાર કરે છે કે જે કાયદાથી ન થાય તે કવિતાથી થાય. કાલાન્તરે પણ આ પૃથ્વી પરથી જો અસદ્ અલોપ થશે તો કોણ કરશે? મનુષ્ય પરમેશ્વર થાય તે પહેલાં એને પશુમાંથી મનુષ્ય કોણ કરશે? કાયદો નહિ, કવિતા. ૧૬ માર્ચ ૧૯૫૭