સાહિત્યચર્યા/પરમેશ્વરની પ્રયોગશાળા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પરમેશ્વરની પ્રયોગશાળા

ભારતવર્ષ તો પરમેશ્વરની પ્રયોગશાળા છે. યુગોથી એમાં પરમેશ્વર એક પ્રયોગ કરી રહ્યો છે. આ પ્રયોગ છે : વિભક્તેષુ અવિભક્તમ્, વિવિધતામાં એકતા. આ પ્રયોગ ભારતવર્ષના તત્ત્વચિન્તનમાં અને ઇતિહાસમાં પ્રગટ થયો છે. આ પ્રયોગ એ જ ભારતવર્ષની મહાનતા છે, વિશેષતા છે, અદ્વિતીયતા છે. ભારતવર્ષના તત્ત્વચિન્તનમાં આ પ્રયોગ ચિત્રવિચિત્ર અને વૈવિધ્યપૂર્ણ જગત અને બ્રહ્મના સંબંધના દર્શનમાં, બ્રહ્મદર્શનમાં, અદ્વૈતદર્શનમાં પ્રગટ થાય છે. ભારતવર્ષના ઇતિહાસમાં આ પ્રયોગ બુદ્ધ, મહાવીર, દક્ષિણ ભારતના આળવાર સંતો, ઉત્તર ભારતના મધ્યકાલીન સંતો અને આપણા યુગમાં મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથના જીવન અને કવનમાં પ્રગટ થાય છે. ઉપરાંત આ પ્રયોગ ભારતવર્ષમાં વિદેશીઓ અને વિધર્મીઓના સતત આગમન અને આકલનમાં પ્રગટ થાય છે. આ દર્શન રવીન્દ્રનાથે ૧૯૦૮માં એમની નવલકથા ‘ગોરા’માં, ૧૯૧૦માં એમના કાવ્ય ‘ભારતતીર્થ’માં અને ૧૯૧૨માં કલકત્તા યુનિવર્સિટીમાં એમના વ્યાખ્યાન ‘ભારતવર્ષેર ઇતિહાસેર ધારા’માં પ્રગટ કર્યું છે. આ દર્શન મહાત્મા ગાંધીએ એમના દિનપ્રતિદિનના જીવનના પ્રત્યેક કર્મમાં પ્રગટ કર્યું છે. ‘ભારતતીર્થ’માં રવીન્દ્રનાથનું આહ્વાન અને આમંત્રણ છે : હેથાય આર્ય, હેથા અનાર્ય, હેથાય દ્રાવિડ ચીન/શક-હુન-દલ પાઠાન મોગલ એક દેહે હલો લીન.’ અને ‘એસો હે આર્ય, એસો અનાર્ય, હિન્દુ મુસલમાન – એસો એસો આજ તુમિ ઇંગ્રાજ, એસો એસો ખૃસ્ટાન.’ ભૂતકાળમાં અનેક વિદેશીઓ અને વિધર્મીઓ ભારતમાં આવ્યા; ગયા નહિ, રહ્યા અને આ પ્રયોગમાં ભળી ગયા, ઓગળી ગયા. નિકટના ભૂતકાળમાં અંગ્રેજો આવ્યા; રહ્યા નહિ, ગયા. પણ જતાં પૂર્વે બાહ્ય જીવનના ક્ષેત્રમાં, વ્યવહારના ક્ષેત્રમાં તંત્ર અને યંત્રની ભેટ ધરી ગયા. એમની પૂર્વે મુસ્લિમો આવ્યા; ગયા નહિ, રહ્યા. ઇસ્લામ જેવા એક યુવાન અને મહાન ધર્મને સાથે લાવ્યા હતા. પણ તેઓ ભારતવર્ષમાં આવ્યા હતા, રહ્યા હતા અને ઇસ્લામને લાવ્યા હતા. એથી પૂર્વોક્ત પ્રયોગની પૂર્વભૂમિકાને કારણે એના અનુસંધાનમાં ભારતવર્ષની સમકાલીન જીવનસાધનાની સાથે સાથે એમની જીવનસાધના રહી છે. ભલે એ સ્વતંત્ર જીવનસાધના રહી છે પણ સાથેસાથે એ ઐક્યની જીવનસાધના રહી છે. રવીન્દ્રનાથના અંતેવાસી આચાર્ય ક્ષિતિમોહન સેને એમના આ લઘુગ્રંથમાં આ ઐક્યસાધનાનું વિગતે વર્ણન અને વિશ્લેષણ કર્યું છે. જીવનનાં સૂક્ષ્મ અને માર્મિક ક્ષેત્રો – ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય, સંગીત અને બાઉલનાં ક્ષેત્રોમાં આ ઐક્ય-સાધના એ ભારતવર્ષના પૂર્વોક્ત પ્રયોગનું જ એક અદ્યતન પ્રકરણ છે. આજે જ્યારે ભારતમાં કેટલાંક કૃતક-ધાર્મિક અને રાજકીય પરિબળો આ પ્રયોગને વિકૃત અને વિરૂપ કરવાનો મિથ્યા પ્રયત્ન કરી રહ્યાં છે ત્યારે આ લઘુગ્રંથનું સવિશેષ અર્થ-મૂલ્ય છે. આ લઘુગ્રંથ વાચકોને ભારતવર્ષના આ ભવ્ય પ્રયોગનું સ્મરણ કરાવવામાં સફળ થશે તો અનુવાદકનું આ અનુવાદકાર્ય સાર્થક થશે. (ક્ષિતિમોહન સેનના બંગાળી ગ્રંથ ‘ભારતે હિન્દુ-મુસલમાનેર યુક્ત સાધના’ના મોહનદાસ પટેલકૃત અનુવાદ ‘ભારતમાં હિન્દુ-મુસલમાનની યુક્ત સાધના’નું ઉપરણું. ૨ ફેબ્રુઆરી ૧૯૯૭)