સાહિત્યચર્યા/સુન્દરમ્ – એક અંજલિ
ગઈ કાલે સવારે પોંડિચેરીમાં હૃદયરોગથી સુન્દરમ્નું અવસાન થયું છે. સુન્દરમ્નું અવસાન? સુન્દરમ્નું અવસાન ન હોય. સુન્દરમ્ આપણી ભાષામાં હંમેશ માટે જીવશે, એમના સાહિત્ય દ્વારા. સુન્દરમ્ના સાહિત્યમાં, ગદ્ય અને પદ્ય બન્નેમાં ગુજરાતી ભાષાનું એવું બળ પ્રગટ થયું છે કે એ સાહિત્ય ચિરંજીવ રહેવાને નિર્માયું છે. ગુજરાતી ભાષાના ઇતિહાસમાં સુન્દરમ્ ગાંધીયુગના કવિ તરીકે ઓળખાય છે, ૧૯૩૦ની આસપાસ સુન્દરમ્ની કવિતાનો આરંભ થયો હતો એ કારણે, વળી ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠમાં એમણે અભ્યાસ કર્યો અને પછી થોડોક સમય એ સત્યાગ્રહમાં સક્રિય રહ્યા હતા એ કારણે. ૧૯૪૫થી પોંડિચેરીમાં શ્રીઅરવિંદ આશ્રમમાં એમણે આયુષ્યના અંત લગી યોગસાધનાને પોતાનું સમગ્ર જીવન અને સાહિત્ય અર્પણ કર્યું. એથી એ પૂર્ણયોગના કવિ, અધ્યાત્મના કવિ તરીકે પણ ઓળખાય છે. પણ કોઈપણ કવિને, સર્જકને, કલાકારને આવાં લેબલો લગાડી શકાય? લગાડવાની જરૂર છે? સુન્દરમ્ ગાંધીજીની વિદ્યાપીઠમાં હોય કે શ્રીઅરવિંદના આશ્રમમાં હોય, એ જ્યાં હોય ત્યાં આખરે તો કવિ, સર્જક, કલાકાર જ છે. નર્મદાશંકરથી ઉમાશંકર લગી આપણા અનેક સર્જકોની જેમ સુન્દરમ્ પણ એક સવ્યસાચી સર્જક છે. એમણે પદ્યમાં અને ગદ્યમાં એકસરખું ઉત્તમ સર્જન કર્યું છે. પણ સુન્દરમ્ કવિ તરીકે જ સતત આપણી સમક્ષ રહ્યા છે. એથી એમણે ગદ્યમાં પણ એટલું જ પ્રાણવાન સર્જન કર્યું છે એનું ક્વચિત્ જ સ્મરણ થાય છે. સુન્દરમ્ે ટૂંકી વારતા, નિબંધ, વિવેચન, પ્રવાસ આદિ ગદ્યસ્વરૂપોમાં સર્જન કર્યું છે. એમાં ટૂંકી વારતાના સ્વરૂપમાં એમની સવિશેષ સિદ્ધિ છે. એમની ટૂંકી વારતાઓમાં એમની કવિતાની સૌ શક્તિઓ – ઊર્મિનો ઉદ્રેક, વાસ્તવનું વર્ણન, ઓજસ્ અને માધુર્ય આદિ –નું દર્શન થાય છે. એથી ટૂંકી વારતાઓમાં પણ સુન્દરમ્ કવિ જ છે. સુન્દરમ્ના સર્જનમાં ગદ્ય અને પદ્યની સીમાઓને સ્થાન નથી. એમનું સમગ્ર સર્જન કાવ્યમય છે. એથી સુન્દરમ્ કવિ તરીકે જ સદાય આપણી સમક્ષ રહ્યા છે. સુન્દરમ્ે ઊર્મિકવિતા અને કથનકવિતા – કવિતાના આ બે પ્રકારમાં સર્જન કર્યું છે. ૧૯૩૦ પછીના કવિઓમાં સુન્દરમ્ આ સંદર્ભમાં અદ્વિતીય છે. ‘કવિતા પ્રવાસ’, પ્રેમાનંદની આખ્યાનપરંપરામાં ‘લોકલીલા’ આદિમાં એમની કથનકવિતા છે. એ પ્રકારમાં કોઈક કારણથી એમણે પછીથી વધુ સર્જન કર્યું નથી. એમની આ કવિતા અગ્રંથસ્થ છે. ભલે આ પ્રકારમાં એમનું વધુ સર્જન ન થયું પણ એમાં એમની કથનકવિતાની શક્તિનો પરિચય થાય છે. સુન્દરમ્ની સર્જકતાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ તો એમની ઊર્મિકવિતા છે. સુન્દરમ્ની કવિતા આદિથી અંત લગી ઊર્મિપ્રચુર છે. એમાં ઊર્મિની ઉત્કટતા અને ભાવનો ઉદ્રેક હોય છે, ઊર્મિરસિત ભાવપ્રવાહ હોય છે. ભાવાવેશ – passion – નહિ તો સુન્દરમ્ નહિ. આ ઊર્મિપ્રાબલ્યને કારણે સુન્દરમ્ની કવિતામાં ભાષા, છંદ, લય, કલ્પન – બધું જ રસાયણરૂપે પ્રગટ થાય છે. ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા’માં ઓજસ્ તો ‘મેરે પિયા, મૈં કછુ નહિ માનું’માં માધુર્ય છે. એમની કવિતા ઓજસવંતી અને પ્રાસાદિક છે. ગીત હોય કે સૉનેટ હોય, સંસ્કૃતિચિન્તન હોય કે અધ્યાત્મચિન્તય હોય, એમની સમગ્ર કવિતામાં આ ગુણલક્ષણો પ્રગટ થાય છે. સુન્દરમ્ મોટા ગજાના કવિ છે. મોટા ગજાના કવિનું એક પ્રમાણ એ છે કે કવિનું સ્મરણ કરો ને તરત જ એમની કેટલીક કૃતિઓ ચિત્તમાં ચમકી જાય. સુન્દરમ્નું સ્મરણ કરો ને તરત ‘બુદ્ધનાં ચક્ષુ’, ‘બાનો ફોટોગ્રાફ’, ‘ઈંટાળા’, ‘૧૩-૦૭ની લોકલ’, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’, ‘એક ગાંડી’, ‘મળ્યાં’ આદિ કાવ્યો ચિત્તમાં ચમકી જાય છે. સુન્દરમ્ની કવિતામાં એક વિરલ પરિમાણ છે અને તે હાસ્ય. સુન્દરમ્ે ‘કોયા ભગતની કડવી વાણી’થી એમની કવિતાનો આરંભ કર્યો હતો. એમના હાસ્યના અનેક પ્રકાર છે. ક્યારેક એમાં આછું હળવું હાસ્ય હોય છે, એમાં નર્મમર્મ હોય છે; ક્યારેક એમાં વ્યંગ અને કટાક્ષ હોય છે, ક્યારેક એમાં પુણ્યપ્રકોપ હોય છે. પણ એમનું હાસ્ય હંમેશ નિર્દોષ અને નિર્દંશ હોય છે. એથી એમાં કરુણા હોય છે. આ કરુણાને કારણે એમના હાસ્ય દ્વારા કરુણ વધુ કરુણ સ્વરૂપે, કરુણતર, કરુણતમ સ્વરૂપે પ્રગટ થાય છે. સુન્દરમ્ જ્યારે સદેહે હતા ત્યારે એમનું સમગ્ર વ્યક્તિત્વ એમના મુખ પર જે હાસ્ય, બાળક જેવું મુક્ત અને મોકળું, નિર્દોષ અને નિખાલસ હાસ્ય ફરકી જતું હતું એ હાસ્ય હવે હંમેશ માટે અદૃશ્ય થયું છે. એ હાસ્ય હવે ક્યાં અને ક્યારે જોવા મળશે? (સુન્દરમ્ને ‘આકાશવાણી’ પર અંજલિ. ૧૪ જાન્યુઆરી ૧૯૯૧)