સાહિત્યિક સંરસન — ૩/મનીષા લક્ષ્મીકાન્ત જોષી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



++ મનીષા લક્ષ્મીકાન્ત જોષી ++


૧ : શિકારી કૂતરા —

જંગલમાં દોડી રહ્યા છે
શિકારી કૂતરા
કોઈ અપરાધીની શોધમાં.
આ સ્વપ્ન –
હું ઘણીવાર જોઉં છું.
સવારે ઊઠું ત્યારે
મારાં પોતાનાં શરીરની ગંધ
મને કંઇક ગુનાહિત લાગે છે.
કોઈ એક રાત્રે,
કોઈ એક સ્વપ્નમાં,
ફાડી ખાશે એ કૂતરા મને.
અને હું,
સફાળી જાગી જઇને
હતું ન હતું કરી નાખીશ એ સ્વપ્નને.
શિકાર અને શિકારી વચ્ચેનો ભેદ 
બહુ લાંબો નથી ટકતો સ્વપ્નમાં.
એ વિકરાળ કૂતરા
બહુ જલ્દી જ 
પૂંછ પટપટાવતા 
બેઠા હશે મારી સામે
અને હું
દોડાવીશ તેમને,
કોઈ અજાણ્યા શરીરની
નવી ગંધ પાછળ.


૨ : હું અને મારાં કપડાં —

ચંદ્ર આખો તારાઓથી ભરેલો
ગોળ ગોળ ઘૂમી રહ્યો છે
ખાલીખમ આકાશમાં
પ્રકાશના શેરડા ફેંકતો.
સોસાયટીનો ચોકીદાર
બેટરીનો પ્રકાશ ફેંકી જુએ છે,
બહાર સૂકાઈ રહેલાં મારાં કપડાંને એ ઓળખે છે.
આજે સાંજથી લાઇટ નથી,
અંધારા ઘરમાં ફરી રહેલા વંદાની
બે ચળકતી આંખોની વચ્ચેથી
હું એ આંખો જેવા જ નગ્ન શરીરે
બહુ સિફતથી પસાર થઈ જાઉં છું.
મળી જાય છે, મીણબત્તી
મેં જ્યાં હાથવગી રાખી હતી
એનાં કરતાં કોઇક જુદી જ જગ્યાએથી.
મીણબત્તીના પ્રકાશમાં
મારાં કપડાંની ડિઝાઇન નિર્દોષ લાગે છે.
રાત આખી મીણબત્તી સળગતી રહી.
સવારે ઊઠી ત્યારે ઘરમાં
મીણનાં પૂતળાંઓ
મારાં કપડાં પહેરીને ફરી રહ્યાં હતાં.
ડોરબેલ વાગ્યો
ધોબી કપડાં ઇસ્ત્રી કરીને લાવ્યો હતો.
મીણનાં પૂતળાંઓ સામે
રહસ્યમય સ્મિત ફરકાવીને એ ચાલ્યો ગયો.
ચા બનાવતી વખતે
પ્રાઇમસની સરસ વળ ચડાવેલી
કેરોસીનથી તરબોળ વાટની
બ્લૂ ફ્લેમ મને પ્રસન્ન કરી ગઈ.
પ્રાઇમસની કળ મારા હાથમાં છે
અને આ બ્લૂ હેવન પણ.
પ્રાઇમસની ઝાળ, આખા ઘરમાં પ્રસરે,
મારાં બધાં જ કપડાં
અને એ કપડાંની આદતો ધરાવતાં
પેલાં મીણનાં પૂતળાં
બળીને રાખ થઈ જાય તો કેવું સારું?
આ ચિરંજીવ કપડાં કંઈ સળગે એવાં નથી.
છેવટે, એક વાસણવાળીને બોલાવી
મારાં કપડાં એને આપી દઈ
હું બદલામાં વાસણો ખરીદું છું.
હવે એવું લાગે છે કે કપડાંનો આત્મા
આ વાસણોમાં પ્રવેશી ગયો છે.
ચાની તપેલીનાં તળિયે જામેલી
કાળી મેશને
હું ઘસ્યે જઉં છું, ઘસ્યે જઉં છું.
માંજતાં માંજતાં તપેલીનું તળિયું
અરીસાની જેમ ચમકી ઊઠે છે
અને મને દેખાય છે
મારાં કપડાંની એ જ અતિ પરિચિત ભાત.
હું જોઈ શકું છું, ઊંચે આકાશમાં,
પવનમાં ખીલીઓ ઠોકીને બાંધેલી
એક વળગણી પર
મારાં એ જ, રોજ પહેરવાનાં કપડાં સૂકાઈ રહ્યાં છે
સૂરજના સોનેરી પ્રકાશમાં
દેદીપ્યમાન દીસતાં
દૈવી છે મારાં કપડાં
અને એથી પણ દિવ્ય છે,
એનો કંટાળો.


૩ : માયાવી વન —

ઉઘાડે પગે ને શરીરે
ખબર નહીં ક્યાંથી, કેમ,
આવી પહોંચી છું આ માયાવી વનમાં?
શું ખાઉં, શું પીઉં, ક્યાં સૂવું મારે?
કેળાંની ભરચક લૂમો લટકે છે.
પણ ખોલીને ખાધાં તો અંદરથી
શરમ વગરનાં સાવ કાચાં,  કઠોર,
પાણીના વહેવાનો અવાજ સંભળાય
પણ પીઉં તો મરી રહેલા ઘોડાને મોઢે વળતાં
ફીણ જેવું વિકરાળ હોય એ પાણી.
સૂવા માટે ઝાડ પર ચડી તો ત્યાંયે કેટલાંક
ઈંડાઓ પડ્યાં હતાં. બોલકણાં, લંબગોળ.
એમનાં પડ ધીમેકથી તરડાવા માંડ્યાં.
ભાગી છૂટી હું તો અબુધ માદા જેવી.
દોડતાં દોડતાં જ પડી ગઈ,
હાથીઓ માટે બનાવેલા ખાડામાં.
અને પછી તો ઉપરથી કેટલીયે સૂંઢો લંબાતી દેખાઈ.
હાથીઓએ બહાર તો કાઢી પણ પછી
હંમેશ સૂંઢમાં જ લઈને ચાલતા રહ્યા.
એમની ચીંધાડોમાં મારો અવાજ ભળી ગયો.
વનનો દાવાનળ ભરખતો રહ્યો
પોતાનાં જ વૃક્ષોને,
વનની આખીયે સૃષ્ટિને.
હાથીઓ પણ થાક્યા. બળી મર્યા.
હું હજીયે પડી છું
એમના હાથીદાંતોના ઢગલામાં.
રૂપાળી,  સજીવ, 
આ માયાવી વનમાં.


તન્ત્રીનૉંધ :

૧ : શિકારી કૂતરા — અપરાધીની શોધમાં નીકળેલા શિકારી કૂતરા એવું સ્વપ્ન, પણ, કાવ્યકથક યુવતી માટે એ વાસ્તવિકતા બની જાય છે કેમકે સવારે એને એમ લાગે છે કે પોતે ગુનાહિત છે. એના માટે સ્વપ્ન-જાગ્રતિ વચ્ચેનો ભેદ નથી રહેતો. વળી, એ જુએ છે કે શિકાર અને શિકારી વચ્ચેનો ભેદ પણ નથી ટકવાનો. કશાક તથાકથિત અપરાધભાવના નાશની એની મથામણમાં એ કદાચ સફળ થાય છે, જ્યારે કહે છે કે -હું દોડાવીશ એમને કોઈ અજાણ્યા શરીરની નવી ગંધ પાછળ. કાવ્યકથક યુવતીના સૂરે આપણને સ-રસ સંભળાતી એક સશક્ત સંકલ્પને વ્યંજિત કરતી રચના.

૨ : હું અને મારાં કપડાં — રચના કથાની ગતમાં ચાલી છે અને નાટ્યની રીતે સમ્પન્ન થઈ છે. બે સમર્થ કલ્પનો : પ્રારમ્ભનું આ : ચંદ્ર આખો તારાઓથી ભરેલો / ગોળ ગોળ ઘૂમી રહ્યો છે / ખાલીખમ આકાશમાં / પ્રકાશના શેરડા ફેંકતો. બીજું આ કલ્પન : અંધારા ઘરમાં ફરી રહેલા વંદાની / બે ચળકતી આંખોની વચ્ચેથી / હું એ આંખો જેવા જ નગ્ન શરીરે / બહુ સિફતથી પસાર થઈ જાઉં છું. બન્ને કલ્પનો સાદાં દૃશ્ય-શ્રાવ્ય નથી, આખી પદાવલિ દૃશ્ય-શ્રાવ્ય છે. રચનામાં કપડાં અને વાસણ એકમેકને પ્રભાવિત કરતાં રહે છે, એ દરમ્યાન, જુઓ કે આ પંક્તિ શું દેખાડે છે - ઊંચે આકાશમાં ખીલીઓ ઠોકીને બાંધેલી વળગણી : એવી વળગણી માત્રકાવ્યમાં જ સરજી શકાય

૩ : માયાવી વન — ખરેખર તો કાવ્યકથક યુવતી પોતાના રોજિંદા જી-વ-નની વાત માંડે છે, પણ સૂવા માટે વાત વાતમાં ઝાડ પર ચડી જાય છે એ વર્તન કાવ્યશીલ છે. જોકે ત્યાં એને બોલકણાં લંબગોળ ઈંડાં જોવા મળે છે, જેનાં પડ તરડાવા માંડે છે, એ ઘટના વધારે કાવ્યશીલ છે. કાવ્યકથક યુવતી પોતાને અબુધ માદા ગણે છે અને હાથીઓનો સંદર્ભ પામતાં છેવટે પોતાને રૂપાળી અને સજીવ અનુભવે છે. અભાવ અને એના દર્દને મૂર્ત કરીને આ પણ કાવ્યકથક યુવતીના સૂરે આપણને સરસ સંભળાતી રચના છે.

મનીષાની આ ત્રણેય કાવ્યરચનાઓ આધુનિક સંવેદનશીલતાથી રસાઈ છે. ત્રણે ય સ્વપ્ન-સદૃશ છે. એમાં સભાન કશો સળંગસૂત્ર અર્થ શોધવાની કોશિશ નિષ્ફળ નીવડશે. આવી રચનાઓ કથકના આધુનિક મિજાજને માણવા તેમજ સમગ્રપણે ફીલ કરવા સરજાઈ હોય છે. ત્રણેય રચનાઓ આધુનિક ગુજરાતી કાવ્યસૃષ્ટિની સુખદ યાદ અપાવી ગઈ.