સાહિત્યિક સંરસન — ૩/વિપુલ વ્યાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


++ વિપુલ વ્યાસ ++


લીલિ યું —



“લીલિ યું હવે નહીં જ બચાવી શકાય?”

એ વિચાર મનુને દાતરડાંની ધાર જેવો વાગી રહ્યો હતો અને એનો જીવ કાચા ડૂંડાની માફક વઢાઈ જતો હતો. કોણ વધારે લાચાર હતું? ‘લીલિ યું‘ કે એ પોતે, એય એને ક્યાં સમજાતું હતું! ગઈ રાત્રે એક એના સિવાયના બધાં જ કેવાં એકસૂર થઈ ગયાં હતાં? સૌના મતે, સાડાત્રણ વીઘાનું આ ખેતર –લીલિ યું- ચાર ભાઇઓની સહિયારી મિલકત તરીકે મૂકી રાખવું એ મૂર્ખામી હતી. મોં માગ્યા દામ ચૂકવવા તૈયાર એવા કોઈ પણ બિલ્ડરને વેચી લીલિયાના રોકડા જ કરી લેવાય. અને એ માટે સૌ જાણે તલપાપડ થઈ ગયાં હતાં. લીલિ યું વેચાતાં જે કંઈ આવે એમાંથી એકની એક બેનને ય ભાગ અપાય તોપણ દરેકને ભાગે તગડી એવી રકમ આવે એવું દેખાતું હતું.

શહેરની અડોઅડ આવેલ લીલિયાના અધધ કહેવાય એવા ભાવ બોલાતા હતા, બિલ્ડરોમાં. બિલ્ડરો જાણે અજગરનું મોં ફાડીને તૈયાર ઊભા હતા, લીલિયાને ગળી જવા!

રાતે આખી ય ચર્ચામાં એ કશું બોલી શક્યો નહોતો. એના મૌનને ય એની સંમતિ જ ગણી લેવાઈ હતી. ચર્ચાની શરૂઆતમાં જ મોટાભાઇએ તો વટહુકમના સૂરે કહી દીધું હતું, “જુઓ હવે આમાં કોઇને કશું આગવું વિચારવાનું રહેતું નથી, સહુના ભલામાં જ દરેકે પોતાનું ભલું જોવાનું છે.” આ વાત ખાસ કરીને પોતાને માટે જ કહેવાઈ હતી એ એને બરાબર સમજાયું હતું. પછી એ સૂઈ નહોતો શક્યો. એક મસમોટું ઘમ્મરવલોણું ફરતું રહ્યું હતું એની ભીતર અને એને વલોવતું રહ્યું હતું, આખી રાત.

સવાર થતાં પહેલાં જ એ ઊઠી ગયો. બાને ગુજરી ગયે આજે દસ-બાર દહાડા વહી ગયા હશે, પણ કોણ જાણે કેમ આજે બા રહી રહીને બહુ યાદ આવતી હતી. એનો જીવ મૂંઝાતો હતો. જાત પર કાબૂ રાખવા આજે એને ખૂબ મથવું પડતું હતું. જાણે હમણાં જ રડી પડાશે એવું લાગતું હતું. રડી લે તો કદાચ એને સારું ય લાગે, જીવ હળવો થઈ જાય. પણ એવું ય થાય કે પોતે મનને ઢીલું મૂકે અને .... આંખો આગળ ફરી પાછાં અંધારાં ... અને એ સાથે જ હાથ-પગ-પીઠમાં ફરી પાછું પેલું વાંસ જેવું…. અને ફરી પાછો એ વાઇનો હુમલો....!... ના, ના એ દિશામાં તો એણે વિચારવું પણ ના જોઇએ. વાઇનો હુમલો તો ફરી કોઈ પણ સંજોગોમાં નહીં જ. ના! ના! એ તો નહીં જ.

એણે નવેસરથી જાતને સંકોરવાં માંડી, મનને ટપારવા માંડ્યું, વિચારો-લાગણીઓ પર કાબૂ કરવા માંડ્યો. જોકે, ગળા સુધી ભરાઈ આવેલો ડૂમો તો હજી ય એને હલબલાવી રહ્યો હતો. એણે પોતાની જાતને કહેવા માંડ્યું, “વાઇનો હુમલો!” ”એ તો મટી જ ગયો સમજવાનો.” “બાકી તે દિવસે જ ન થયો હોત?”

....તે દિવસે બાને કાઢી જવાની હતી અને સહુ ગુસપુસ કરી રહ્યાં હતાં. દરેકનાં મનમાં એ જ ચિંતા હતી કે બાને સ્મશાને લઈ જતાં, રસ્તામાં કે પછી અગ્નિદાહ દેતી વેળા જો એને વાઇનો હુમલો આવે તો એને કોણ સંભાળશે? એને સ્મશાને જવા દેવો કે નહીં? અને જો એને ના પાડવી તો તે ય શી રીતે?

...પણ આ બાજુ એ પોતે મક્કમ રહ્યો હતો. ડૉક્ટરની કહેલી વાત તે દિવસે એને બરાબર કામ લાગી હતી. એ વાત એણે સતત યાદ કર્યા કરી’તી અને ગાંઠે બાંધી લીધી હતી કે, “કોઈ પણ દવા કરતાં દરદીનું પોતાનું મનોબળ સૌથી વધુ કારગર હોય છે.” અને બા સાથેનો એનો સંબંધ આમ પૂરો થઈ રહ્યો હતો ત્યારે - બાને જીવનમાં જે કદાચ સૌથી વધુ સંતાપતો રહ્યો હતો તે -કાળમુખો વાઇનો હુમલો એણે પોતાની મક્કમ ઇચ્છાશક્તિ વડે ખાળી લીધો હતો. બાને વળાવીને પાછા આવ્યા, પણ એની આંખમાંથી એક આંસુ ય ખર્યું નહીં. ભાવશૂન્ય બની ગયેલા એના ચહેરા પરથી ભાગ્યે જ કોઈ કળી શક્યું કે લાગણીઓના ધસમસતા પૂરને આડે એણે કેટલો મોટો બંધ ચણી લીધો હતો!

આજે સવારથી એ બંધ, તૂટું-તૂટું થઈ રહ્યો હતો. એની અકળામણ - મૂંઝારો વધતાં જતાં હતાં. કોઇને કશું જ કહ્યા વિના એ ઘરની બહાર નીકળી પડ્યો. એના પગ અનાયાસ જ ખેતર તરફ વળી ગયા. ખુલ્લી હવામાં આવી એને સારું લાગ્યું. બે ત્રણ ઊંડા શ્વાસ લઈ એણે ખેતર તરફ ચાલવા માંડ્યું. બાના વિચારો પણ એની સાથે ચાલી રહ્યા. એના પર વાઇના હુમલા શરૂ થયા ત્યારથી, બાનાં જીવનના બધા ઝળહળતા રંગો પર એક ઝાંખપ લાગી ગઈ હતી. જે પછી બાનાં મૃત્યુ સુધી છવાયેલી રહી.

“પોતે બાનાં દુઃખનું કારણ બની ગયો છે” - એ વિચાર એને શારડીની માફક કોરતો રહેતો, સતત. એક હસતાં રમતાં જીવનમાં ઝેરની જેમ ઘોળાઈ ગયેલો વાઇનો પહેલો હુમલો હજી ગઇકાલે જ બનેલા કોઈ બનાવ જેવો તાજો જ હતો, એના મનમાં -

”રોજની જેમ જ એ વિદ્યાર્થીઓની વચ્ચે પ્રાર્થનામાં ઊભો હતો. સમૂહમાં ગવાઈ રહેલી પ્રાર્થનામાં એ પોતાનો અવાજ સાંભળવા મથી રહ્યો હતો. ત્યાં જ એકાએક પ્રાર્થનાના અવાજો એકાદ પળ માટે લહેરાઈ ગયા જાણે! આંખો સામે રાતું-પીળું-કાળું ઘુમરાવા લાગ્યું. પોતાના જ ધબકારાના પડઘમ જેવા બની ગયેલા અવાજો વચ્ચે પ્રાર્થનાના સ્વરો દૂરદૂર જવા લાગ્યા. હાથ, પગ અને પીઠમાં અચાનક લાંબા લાંબા સીધા ઊભા વાંસ ઊગી નીકળ્યા હતા. હજી હમણાં જ આસપાસમાં પ્રસરેલી હતી, તે હવાના નક્કર ઘન વજનદાર ચોસલાં થવા માંડ્યાં હતાં. પોતે બંને ફેફસાં વડે ભરપૂર જોર કરી રહ્યો હતો અને છતાં ય જરા જેટલી પણ હવાને અંદર ખેંચી શકતો ન હતો. માણસો, મકાન, અવાજો બધું જ પેલાં વજનદાર નક્કર ચોસલામાં ફેરવાઈ જતું – જડાઈ જતું લાગ્યું. ચારે બાજુ બધું ચક્કર ભમર અને ધૂંધળું. હવે તો હાથ-પગ-માથું-અવાજો-દૃશ્યો કશું જ પોતાની જગ્યા પર રહ્યું ન હતું અને એ એક વંટોળિયા સમેત ફંગોળાઈ રહ્યો હતો - એક અંધારિયા ઊંડા કૂવાની અંદર ને અંદર.”

ભાનમાં આવ્યો ત્યારે બા પાસે જ બેઠી હતી. એના હાથોમાં પોતાનો હાથ લઇને, પસવારતી. ક્યારેય નહીં ભૂલાયેલાં, બિહામણાં સપનાં જેવા એ અનુભવ પછી તો કેટલીય વાર એવા જ અનુભવમાંથી એને પસાર થવું પડ્યું હતું. અને તે દરેક વખતે બાને પણ પોતાની સાથે પોતાના જેટલી જ કદાચ એથી ય વધુ પીડામાંથી પસાર થતી જોઈ હતી. દવાખાનાં, ડૉક્ટરો, સારવાર અને વારંવાર થતા હુમલાઓથી પોતે તો પછી ટેવાતો ગયો હતો, પણ તે સાથે જ બાના સદાય મલકતા ચહેરા પરથી હાસ્યની એક એક રેખાને ધીમે ધીમે ભૂંસાતી એ જોઈ શક્યો હતો. હુમલો થાય પછી કેટલાય દિવસો સુધી બા સૂનમૂન થઈ જાય. કેટલીય રાતો ઊંઘી ના શકે. કોઇનીય સાથે ખૂલીને હસી-બોલી ના શકે કે ના હળીમળી શકે. આ બધું જ પોતે ખૂબ નજીકથી જોયું, અનુભવ્યું હતું. એટલે જ થોડી સમજણ કેળવાતાં બાનાં જીવનમાં વણાઈ ગયેલી આ પીડા પોતે શું કરે તો ઓછી થાય? એવું વિચારતો થયો હતો. એ માટે એણે ડૉક્ટરો સાથે ચર્ચાઓ ય કરી હતી. અને એમાંથી જે સમજાઈ એ વાત એણે મનમાં બાંધી લીધી હતી કે, “મજબૂત મન એ જ સૌથી મોટી દવા છે.” બસ ત્યારથી એ એવું માનતો થઈ ગયો હતો કે એ પોતાના રોગને એક દિવસ જડમૂળમાંથી ઉખાડી ફેંકશે. અને બાનું વિલાયેલું હાસ્ય ફરીથી ખીલી ઊઠશે . . .

. . . પણ! . . . બા તો જતી રહી!


વિચારોનાં વહેણમાં તરતો- ડૂબતો- તણાતો એ ક્યારે ખેતરે આવી પહોંચ્યો, એનો એને ખ્યાલ પણ ન રહ્યો. બા હતી ત્યારે ય ઘણીવાર, આમ જ, એ વહેલી સવારે અહીં આવતો અને કૂવાના થાળે બેસી, લીલિયામાં થતી સવારને જોઈ રહેતો. લીલિયામાં પડતી સવાર, એને કાયમ આનંદ અને ઉલ્લાસથી ભરી દેતી.

બાની જેમ જ એને મન પણ “લીલિ યું” એ સાડા ત્રણ વીઘાનો જમીનનો એક ટુકડો માત્ર નહોતું. બા કહેતી એમ જ લીલિ યું તો કૂળની જનેતા હતું. વડવાઓનો સાક્ષાત્ આશીર્વાદ હતું. બા ગુજરી ગઈ પછી એ આજે પહેલીવાર અહીં આવ્યો હતો. અગાઉ ક્યારેય નો’તી અનુભવી એવી શાતા એ આજે અનુભવી રહ્યો. એના ડહોળાયેલાં મનને જરીક સાંત્વન મળ્યા જેવું લાગ્યું. એને લાગ્યું કે બા અહીં જ છે. હમણાં માથે હાથ ફેરવશે, કંઇક કહેશે. એને લીલિયા સાથે મોટ્ટેથી બોલીને વાત કરવાની ઇચ્છા થઈ આવી. એને પોક મૂકીને રડી લેવાની પણ ઇચ્છા થઈ આવી. બાએ એને લીલિયા વિશે ઘણી વાતો કરેલી, એ બધી વાતો એને પરાણે વ્હાલ ઉઘરાવી લેતાં ગલૂડિયાંવની માફક, વીંટળાઈ વળી! . . .

અંગ્રેજોના વખતમાં આંબા, સરગવા, લીમડા અને રાયણથી શોભતું લીલિયું! પોતાના કૂવામાંથી આજુબાજુનાં કેટલાંય ખેતરોને પાણી પાતું ને હરિયાળાં રાખતું. તે પોતે તો પછી બારેમાસ છમ્મલીલું લહેરાતું હોય એમાં શું નવાઈ? એકવાર એક ગોરા અમલદારની દાનત બગડી હતી. એને, અહીં હવેલી-કોઠી જેવું બનાવવું હતું તે એ તો રીતસરની હઠ લઇને જ બેઠો લીલિયા માટે. પણ મનુના દાદા ‘સામ-દામ-દંડ-ભેદ’ કશાયને વશ ન થયા અને ગોરાને દાદ ન દીધી. અંતે, ગોરી સરકારની ખફગી વ્હૉરી લીધી પણ લીલિયું તો ના દીધું તે ના જ દીધું. અરે! ત્યાર પછી તો છેક હમણાં હમણાં ય ચારેક વરસ પહેલાં બેનનાં લગ્ન માટે બાપા લીલિયું ગીરો મૂકવા તૈયાર થયા ત્યારે પળનો ય વિલંબ કે વિચાર કર્યા વિના બાએ પોતાના સાસરી-પિયરનાં બધાં ય ઘરેણાં બાપુના હાથમાં મૂકી દીધાં હતાં અને કહ્યું હતું, “દીકરીના હાથ પીળા કરવા કંઈ માને ગીરવે ન મૂકાય. વળી, વડવાઓનું દીધેલું આ લીલિ યું છે તે મારે મન કોઈ ઘરેણાંથી સ્હેજે ય ઓછું નથી.” બાપુના ગુજરી ગયા પછી ય ખેડૂતમાંથી બિલ્ડર થવા માંડેલા બે-ત્રણ જણે બાને લીલિયાની મોં માંગી કિંમત ચૂકવવાની તૈયારી બતાવી હતી.

એનું ચકરાવે ચડેલું મન કેમે ય કરી શાંત નો’તું થતું. ઘડીકમાં એ લીલિયાને તો ઘડીકમાં દૂરદૂર સુધી ગૂમડાંની જેમ ફૂટી નીકળેલાં મકાનોને જોઈ જીવ બાળતો રહ્યો.

આ તો શહેર, લીલિયાની આસપાસના ખેતરો સુધી રોગના જંતુની માફક ફેલાતું આવી પહોંચ્યું હતું. જ્યાં ક્યારેક ઘઉં, બાજરો, ડાંગર અને કેળ-કપાસના હરિયાળા દરિયા હિલ્લોળતા હતા ત્યાં આજકાલ સિમેન્ટ કોંક્રિટની લંબચોરસ ઇમારતો ઊગી નીકળી હતી. પાણીના ધસમસ ધોરિયાની જગ્યાએ ડામરની કાળી સડક, કાળા નાગની ફણાઓની જેમ પથરાતી જતી હતી. ખેડૂતોમાં ય પોતાની મા સમાન જમીનોને વેચી દઈ બિલ્ડરો, ડેવલપરો બનવાની હોડ શરૂ થઈ ગઈ હતી જાણે. ચારેબાજુ ઝડપથી ઊગી રહેલી સોસાયટીઓની વચ્ચોવચ કાયમ એક લીલાંછમ્મ ટાપુ જેવું શોભતું લીલિયું આજે એને કોણ જાણે કેમ જંગલમાં સિંહોનાં ઝુંડ વચ્ચે ઘેરાઈ ગયેલી હરણી જેવું લાગ્યું.

હજી ઘડીભર પહેલાં અનુભવાયેલી ઠંડકને બદલે એને ઉકળાટ થવા લાગ્યો. હજી હમણાં જ ઊગેલો કૂણો કૂણો તડકો ય હવે એને દઝાડવા લાગ્યો. થાળા પરથી ઊઠી એણે ચાલવા માંડ્યું કે તરત એના પગ થંભી ગયા. એની નજર સામે થોડેક દૂર એક મરી ગયેલા ભૂંડના બચ્ચા માટે ત્રણ-ચાર કૂતરાં ઘૂરકી રહ્યાં હતાં, અને એક મોટું ભૂંડ જ એ બચ્ચાનાં શરીરને ચૂંથી રહ્યું હતું. એ હચમચી ઊઠ્યો, અંદરથી. આઘાત અને અકળામણના માર્યા એણે ઝડપભેર ચાલવા માંડ્યું, ઘર તરફ.

ઘેર પહોંચ્યો ત્યારે મોટાભાઈ બરાબર ખીજાયેલા હતા. એને જોતાં જ છેડાઈ પડ્યા, ”ક્યાં ફરી આવ્યા સવાર-સવારમાં? જવાબદારીનું કોઈ ભાનબાન છે કે નહીં? ઘરમાં કોઇને કશું કહીને તો જવું જોઈએ!” પછી સ્હેજ અટકીને બોલ્યા, “હવે આવી ગયા છો તો નાહી ધોઇને જલ્દી તૈયાર થઈ જાવ. બધાંએ કચેરીએ જવાનું છે, સહીઓ કરવા. વકીલ સાથે ય બધી વાત થઈ ગઈ છે. એ કાગળિ યાં તૈયાર કરી આપણી રાહ જોશે. કલાકેકમાં તો આપણે ત્યાં પહોંચી જવાનું છે.” પછી ઉમેર્યું, “બાના કારજની ભેગાભેગ જ આ લીલિયાનો સોદો ય પતી જાય એટલે સોમ નાહ્યા.”

મનુએ સોનેરી ફ્રેમમાં મઢેલ બાના ફોટા તરફ નજર કરી. સોનેરી ફ્રેમ, સુખડનો હાર, દીવો, ધૂપસળી બધું દેખાતું હતું - પણ બધાંની વચ્ચેથી બાની છબી ગાયબ હતી. ફોટામાંથી ય કાયમ વ્હાલ વરસાવતી એ આંખો આજે કેમ દેખાતી નો’તી?

મનુ અકળાઈ ઊઠ્યો, એની આંખો આગળ અંધારાં ઝલમલ્યાં, અંદરથી એક જોરદાર ચૂંથારો ઉપડ્યો, ગળું સૂકાવા લાગ્યું, એ માંડમાંડ પાણિયારાં સુધી પહોંચી શક્યો. અંદરથી કોઇકે ચીસ પાડી, ”ભાભી! ભાઈ! અહીં આવજો, મનુને ફીટ આવી લાગે છે.”



તન્ત્રીનૉંધ :

વડવાઓના આશીર્વાદ સમું ખેતર લીલિ યું વેચવાના સંકલ્પથી મનુ ભાંગી પડે છે અને એને મૃત બા યાદ આવે છે. ઘરમાં લીલિ યું વેચવાની વાત ચાલી ત્યારે મનુને વિચાર આવેલો કે લાચાર કોણ -પોતે કે લીલિ યું? પણ એ પ્રશ્નનો ઉત્તર એને મળી જાય છે કે લીલિ યું અને એ પોત બન્ને લાચાર હતાં, કેમકે મનુ સિવાયનાં બધાં લીલિ યું વેચવા એકસૂર થઈ ગયાં’તાં. એ સંકલ્પથી જન્મેલી એ લાચારી મનુને મા-ની યાદમાં દોરી જાય છે, જે દસબાર દિવસ પર જ મૃત્યુ પામી છે, અને જેનું સ્મરણ મનુ સિવાય મોટાભાઈ વગેરે કોઈને નથી.

મોટા ભાગના વાર્તાપટમાં મનુની વ્યથાનું નિરૂપણ છે, એ જોતાં લાગે કે વાર્તા મનુ અને બાના, એટલે કે, મા-દીકરાના ગાઢ સમ્બન્ધની છે. એ સમ્બન્ધમાં મનુનો વાઇનો રોગ પણ ભાગ ભજવી ગયો છે. કેમકે એનો એ રોગ બા માટે સંતાપનો વિષય હતો. બા-ના અગ્નિદાહ વખતે સ્મશાનમાં મનુએ વાઇના હુમલાને ‘પોતાની મક્કમ ઇચ્છાશક્તિ વડે ખાળી લીધો હતો’, પણ છેેવટે એ બંધ તૂટી જાય છે અને મનુ વાઇના હુમલાનો શિકાર બને છે. મનુ દુ:ખી થઈ ગયો એમાં, ખેતર વેચી નાખવાનો બીજાંઓનો નિ ર્ણય નિમિત્તકારણ છે; એમ પણ લાગે છે કે મનુનો વ્યાધિ વાઇ પણ નિમિત્તકારણ છે; ખરું કારણ તો દસબાર દિવસ પર મૃત્યુ પામેલી મા-ની યાદ છે.

કથકે કરેલાં કેટલાંક નિરૂપણો વાર્તાને કલામય બનાવે છે. જેમકે, ‘મોટાભાઇના વટહુકમ પછી એક મસમોટું ઘમ્મરવલોણું ફરતું રહ્યું હતું એની ભીતર એને વલોવતું રહ્યું હતું, આખી રાત’. કેટલાક ઉપમાવાચક શબ્દપ્રયોગો, ‘દાતરડાની ધાર જેવો વિચાર’ ‘કાચા ડૂંડાની માફક વઢાઈ જતો જીવ’ ‘ગૂમડાંની જેમ ફૂટી નીકળેલાં મકાનો’, વગેરે. મનુને લીલિયા સાથે ‘મોટ્ટેથી બોલીને’ વાત કરવાની ઇચ્છા થાય, ‘પોક મૂકીને’ રડી લેવાની ઇચ્છા થાય, બાએ લીલિયા વિશે કરેલી વાતો મનુને ‘પરાણે વ્હાલ ઉઘરાવી લેતાં ગલૂડિ યાંવની માફક વીંટળાઈ વળે’, એ નિરૂપણ મનુની વ્યથાને તાદૃશ કરે છે, અને રચના એથી પણ કલામય થઈ છે.

મનુની આ આખી પરિસ્થતિમાં સીધું ન દેખાય અને દૂર દૂરમાં સંતાયેલું હોય એ મૂળ કે શૂળ કયું છે? કથકે એક જ વાક્યમાં સૂચવી દીધું છે, ‘આ તો શહેર, લીલિયાની આસપાસનાં ખેતરો સુધી રોગના જંતુની માફક ફેલાતું આવી પહોંચ્યું હતું.’ વાર્તા એમ પણ વ્યંજિત કરે છે કે કહેવાતા વિકાસ ખાતર અંગત ભાવનાત્મક જીવનશૈલી કેવી તો ચંપાઈ કે દમિત થઈ રહી છે.

વાર્તાના કથનસૂરને એકધારો સુસંગત રાખવામાં વાર્તાકારે કરેલી ‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’ અથવા ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’-ની પસંદગી સયુક્તિ અને સફળ રહી છે. છતાં આ વાર્તા મનુના કથનકેન્દ્રથી, ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-થી, કેવી થાય એનો પણ વિચાર કરવા જેવો ખરો.