સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ચંદ્રવદન મહેતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચંદ્રવદન મહેતા

[‘રાઈનો પર્વત’ સંસ્કૃતમાં નાટકો જે રીતે લખાતાં હતાં તે પદ્ધતિનો આપણને ખ્યાલ આપે છે, તો ‘અખો’ નવી શૈલીનું ઉદાહરણ છે. જે પ્રસંગ અહીં ઉતારવામાં આવ્યો છે તે અખાના જીવનની એક અતિ અગત્યની ઘટના રજૂ કરે છે. અખો (અક્ષયદાસ) જન્મે સોની છે, સોનીનો ધંધો કરે છે, અને સાથે સાથે અમદાવાદની બાદશાહી ટંકશાળના અમલદાર તરીકે પણ કામ કરે છે. અખાનું જીવન અનુભવની એરણ ઉપર ટિપાઈ ટિપાઈને ઘડાયું છે. જીવનની શરૂઆતમાં જ પિતા ગુમાવ્યા, પત્ની ગુમાવી, અને પોતાના જીવનસર્વસ્વ જેવી બહેન ગુમાવી. બહેનના મરણનો આઘાત તેને અસહ્ય થઈ પડ્યો. જમના નામની એક બાઈએ તેની ધર્મની બહેન બની એ ઘા રુઝાવવા અખા ઉપર અપાર હેત વર્ષાવ્યું. આ પ્રવેશ શરૂ થાય છે ત્યારે અખો પોતાની એ ધર્મભગિની માટે અતિ ઉમળકાપૂર્વક એક કંઠી કરવામાં નિમગ્ન થયેલો આપણને માલૂમ પડે છે. એટલામાં લાલદાસ કરીને એક ઘરાક આવે છે. તેની સાથે વાતચીત ચાલતી હોય છે ત્યાં જમના આવે છે. જમનાના આગમન પછી જે ઘટનાઓ બને છે તેણે અખાનું જીવન ખારું કરી નાખ્યું. એ ઘટનાઓ અને એની અખાના જીવન ઉપર થયેલી અસર આ પ્રવેશમાં વર્ણવી છે. શ્રી. ચંદ્રવદન મહેતાએ આપણા જૂના અને નવા કવિઓનાં જીવનને આપણી સમક્ષ ફરીથી જીવતા કરવાના જે યત્નો કર્યાં છે તે જોવા જેવા છે. ‘અખો’ અને ‘નર્મદ’ એના સારા નમૂના છે. ‘જમનાબહેન, તમે નસીબદાર તો ખરાં, હાં,’ એમ લાલદાસ કહે છે, અને તેની ટીકાને અખો ઉડાવી દે છે એ નોંધવા જેવું છે. જમના આવી તે પહેલાં લાલદાસ અને અખા વચ્ચે જે વાતચીત થઈ હતી તે સાથે તેને સમ્બન્ધ છે. અખાને ખૂબ કાળજીપૂર્વક એ કંઠી બનાવતો જોતાં લાલદાસ એ કંઠી સંબંધી જ અખા સાથે ચર્ચા કરે છે, અને તે ચર્ચામાંથી જાણી શકે છે કે અખાની ધર્મ-બહેન જમનાએ ત્રણસો રૂપિયાની એ કંઠી અખા પાસે કરાવરાવી છે; પણ અખાએ બહેન માટેના હેતથી, અને બહેનને જરા પણ જાણ કર્યા વિના ગાંઠના સો દોઢસો રૂપિયા ઉમેરી કંઠી લગભગ ચારસો સવા ચારસો રૂપિયાની તૈયાર કરી છે. લાલદાસ એ કંઠીની સાચી કિમ્મત કરી શક્યો અને અખાને ખરી વાત તેને કહેવી પડી, એથી તે જમનાને કહે છે, ‘તમે નસીબદાર તો ખરાં, હાં.’ અને એ સાંભળતાં અખાને ધ્રાસકો પડે છે કે રખેને જમનાને તે સાચી વાત જણાવી દે. કારણ કે જમના ઉપર પોતે કંઈ ઉપકાર કર્યો છે એવું જમનાને અખો બિલકુલ જણાવવા નથી ઇચ્છતો અને તેથી વાત ઉડાવે છે.]