સાહિત્ય પલ્લવ – ભાગ ૧/પ્રેમાનંદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રેમાનંદ

[ગુજરાતના સાહિત્યવૈભવમાં ‘નળાખ્યાન’નું સ્થાન ઘણું આગળ-પડતું છે. ગુજરાતની સામાન્ય જનતાથી માંડી ગુજરાતના વિદ્વાનો સુધી સહુ કોઈનું આજથી બે ત્રણ દસકા પહેલાં સુપરિચિત અને માનીતું આખ્યાન-કાવ્ય એ હતું. ગામેગામ ફરતા ગાગર-ભટો એ કથા પોતાના બુલંદ અવાજે લોકોને સંભળાવતા અને ગુજરાતનાં હજારો ગામોમાં અનેક રાતો સુધી દર વરસે અનેક સ્ત્રી પુરુષો — બાળકો તથા વૃદ્ધો એ કથા રસપૂર્વક સાંભળતાં. છાપખાનાના પ્રચાર સાથે અને અંગ્રેજી રાજના આવ્યા પછીના બદલાયેલા સંજોગોમાં ગાગર-ભટો ધીમે ધીમે અલોપ થઈ ગયા છે, અને આજે ક્યાંક જો એવા કોઈ જોવા મળે તો તે માત્ર રડ્યા-ખડ્યા જ. એ ગાગર-ભટોના અલોપ થવાથી ગુજરાતે શું ગુમાવ્યું છે એ તો નળાખ્યાન વાંચ્યે જ જાણી શકાય. નળાખ્યાન જેવી ઉચ્ચ સાહિત્ય કૃતિઓથી જે દેશની આમ જનતાની સાહિત્યાભિરુચિ પોષાતી હતી તે હવે માત્ર સિનેમાનાં ગીતો અને સામાન્ય વાર્તાઓથી પોષાય છે. એટલે સાહિત્યની દૃષ્ટિએ આપણા આજના કહેવાતા આગળ વધેલા જમાનામાં આપણી આમ જનતા પણ આગળ વધી છે કે કેમ એ એક કોયડો જ છે —અને સંભવ છે કે આજના કરતાં અગાઉ તેની સાહિત્યાભિરુચિ કદાચ વધુ ઊંચા પ્રકારની હતી. ‘નળાખ્યાન’માંથી અહીં એક પ્રસંગ ઉતાર્યો છે તે આપણા લોકોના આ માનીતા આખ્યાન-કાવ્યની અનેક વિશિષ્ટતાનો આપણને સરસ રીતે ખ્યાલ આપી શકે એમ છે. એનો રસ વાંચવાથી જેટલો માણી શકાય તેના કરતાં, જે રીતે ભટ્ટ પ્રેમાનંદે પોતાના બુલંદ અવાજથી ગુજરાતનાં લાખ્ખો નરનારને એ સંભળાવ્યું હતું તે રીતે જો ગાઈ શકાય તો વધુ સારી રીતે માણી શકાય. કાવ્યમાં કેવા ઊંચા પ્રકારનો હાસ્યરસ સંભવી શકે તેના ઉત્તમ નમૂના રૂપ આ કાવ્ય છે. પ્રેમાનંદે ઋતુપર્ણની જે ઠંડે કલેજે ઠેકડી કરી છે તે ઋતુપર્ણ તરફ કોઈ પણ જાતનો તિરસ્કાર જગાડ્યા વિના ભારે રમૂજ પેદા કરે છે. ઋતુપર્ણ રાજા છે, અને નળ તેને ત્યાં બાહુકના વેશમાં અશ્વપાલક તરીકે ચાકરી કરે છે. એવામાં એક બ્રાહ્મણ દમયન્તીના સ્વયંવરને દિવસે જ કંકોત્રી લઈને આવે છે. એટલા ટૂંકા સમયમાં કેમ કરીને પહોંચાય! અને ઋતુપર્ણને ખાતરી થઈ ચૂકી છે કે પોતે જો વખતસર પહોંચી શકે તો દમયન્તી તેને જ વરે. હવે શું થઈ શકે? એટલામાં બાહુક યાદ આવ્યો. તે અશ્વવિદ્યા જાણતો હતો. તે જો મદદ કરે તો કદાચ પહોંચી શકાય. પણ બાહુક તો ઔર મિજાજનો આદમી હતો. અને એ તો પ્રેમાનંદે જ એવું તો સરસ રીતે બતાવ્યું છે કે તેના જ શબ્દોમાં આપણે વાંચવું જોઈએ. ઋતુપર્ણ રાજા હોવા છતાં હવે ગરજાઉ બન્યો, અને ગરજાઉ માણસ સ્વમાન પણ કેવો ગુમાવી બેસે છે તે પ્રેમાનંદે હાસ્યના હળવા પ્રકારે, પણ સહુ કોઈ એમાંથી ગંભીર બોધ લઈ શકે એ રીતે વર્ણવ્યું છે. બાહુક અને ઋતુપર્ણ વચ્ચેનો સંવાદ આપણા સાહિત્યમાં હાસ્યરસની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામી શકે એમ છે. વળી નળાખ્યાનમાંથી જે પ્રસંગ અહીં ઉતાર્યો છે તેમાં કેટલાંક વર્ણનો પણ અતિ સચોટ અને તેજસ્વી છે. ઘોડાનું વર્ણન, કળિનું વર્ણન વગેરે ન ભુલાય એવાં છે. ૧. ૧. ૧૫. રૂપના પળકા—અતિ રૂપાળા, રૂપના ભંડાર. ૨૪. બેઠો વણસાડે અન્ન—બેઠો બેઠો અન્ન બગાડે છે, ખાધે ભારે પડે છે. ૩૧. રથખેડણ – રથ હાંકનાર. ૩૨. દુઃખફેડણ - દુઃખ ફેડનાર. ૫૫. કાંઈ એક ગોરી ગૂધ — આનો અર્થ સ્પષ્ટ નથી. સ્વ. શ્રી. કે. હ. ધ્રુવે ‘કાંઈ એક કારણ ગૂઢ’ એવો એની જગ્યાએ પાઠ કલપ્યો છે, અને કોઈ ગૂઢ કારણસર પતિએ તેને છાની રીતે ત્યજી દીધી એવો અર્થ બેસાડ્યો છે. ૭૫. મા મૂચ – આ શબ્દો અસ્પષ્ટ છે. ચૂંચાં પણ કરી નથી – એક પણ અક્ષર બોલ્યો નથી એવો અર્થ બેસાડવો. ૮૩. સામસામા ચક્ર ધરીને, બન્ને સાથે ચડ્યા - પ્રેમાનંદ હાસ્ય ઉત્પન્ન કરવા કેવી બુદ્ધિશાળી યુક્તિઓ યોજે છે તેનો આ સારો નમૂનો છે. ૧૧૩. ઐરાવત – ઇન્દ્રનો સાત સૂંઢવાળો હાથી. ઉચ્ચૈ:શ્રવા - ઇન્દ્રનો ઘોડો, ૧૧૮. પ્રબળ તારી રતિ - રતિ એટલે પ્રેમ. તારો પ્રેમ જો આટલો મોટો છે તો પછી તારી આશા ફળવામાં કંઈ વાર નથી લાગવાની. ૧૩૨. વરાંસે – ભોળવાય. ૧૬૬. છેદન શાતા - શાન્તિનો છેદનાર. આ સમાસ ખરી રીતે જોતાં શાતા છેદન હોવો જોઈતો હતો, આગલી પંક્તિમાં ધર્મછેદન છે તેમ; પણ કવિતામાં કેટલીક વાર સમાસનાં પદોને ઉલટાવવામાં આવે છે, અને તેનો આ નમૂનો છે. ૧૭૫. લલુતા – લોભ, અહીં લોભીના અર્થમાં. ૧૮૯. હેલામાં – રમત વાતમાં. ૨૧૬. ક્રિયા અન્ન– પ્રેતભોજન. ૨૧૭. અકરાનું કામ - ન કરવાનું કામ. ૨૩૩. તાપે — તપ કરે. ૨૪૬. બેડાના દ્રુમ માંહે — બેડાના ઝાડમાં. બેડાનું ઝાડ નળે ખરાબ એથી લેખ્યું કે એના ફળના જૂગટું રમવાના પાસા બનતા હતા. ૨. ૧૧. ભીને વાન – શામળો. ૧૮. શગ – શિખા. ૩૪. દોત — ખડિયો. (હિંદી–દવાત). ૪૨. પારીખ–પારેખ (સોનારૂપા ઝવેરાત વગેરેના) – મોટા વેપારી. ૪૩. ખામણે – કદે. ૪૯. પારથ–પાર્થ – અર્જુન. ૭૭. નેત્રાંબુજ – નેત્રરૂપી કમળ. ૯૦. શામળશાહ – શામળ નામના વેપારી. વાણિયાઓના નામને છેડે આવતો ‘શાહ’ શબ્દ ફારસી નથી. તે સંસ્કૃત ‘साधु’ શબ્દમાંથી બનેલો છે (સાધુમાંથી ‘સાહુ’ને પછી ‘શાહ’ અથવા ‘શા’). અને ‘સાધુ’ શબ્દ પણ ‘સારો માણસ’ એ અર્થમાં નહિ, પણ ‘સાધનવાળો’ એ અર્થમાં સમજવાનો છે. ૧૨૫. ઉપેર – ઉપર. આગળ ‘દુવારામતી’ શબ્દ આવ્યો છે, આ પ્રયોગો જૂની ગુજરાતીના છે તે સહેજે સમજાશે. ૧૩૨. વિપ્ર – બ્રાહ્મણ. પ્રેમાનંદ પોતાના નામ આગળ ‘વિપ્ર’, ‘ભટ્ટ’ લખતા, ‘કવિ’ લખતા નહિ, એ ધ્યાનમાં લેવા જેવું છે.